ડાયાબિટીસના લક્ષણો વિશેની ગેરસમજ દૂર કરો: કયા સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ?
લોહીમાં વધતી ખાંડ (હાઈ બ્લડ શુગર) આજકાલ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ તેના લક્ષણોને ઓળખવા હંમેશાં સરળ હોતા નથી. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ઘણીવાર એવા દાવા કરવામાં આવે છે કે શરીરના નાના-મોટા ફેરફારો પરથી બ્લડ શુગર વધી હોવાની ખબર પડી જાય છે. તાજેતરમાં જ હેલ્થ એન્ડ વેલનેસ એજ્યુકેટર ‘ગ્લુકોઝગર્લરામી’ (Glucosegurlrami) એ શરીરના પાંચ એવા લક્ષણો શેર કર્યા છે, જેને તેમણે વધુ પડતી શુગરના ‘સાયલન્ટ સાઇન્સ’ એટલે કે મૂંગા સંકેતો ગણાવ્યા છે. આમાં નબળી ઊંઘ, વધુ પડતીતરસ અને પેશાબ થવો, અસહ્ય ક્રેવિંગ્સ (ખાવાની તીવ્ર ઈચ્છાઓ), ત્વચામાં ખંજવાળ અને શારીરિક દર્દ કે નર્વ પેઈનનો સમાવેશ થાય છે.

જોકે, નિષ્ણાત તબીબો આ બાબતે સાવચેતી રાખવાની સલાહ આપે છે. પીએસઆરઆઈ હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી એન્ડ ડાયાબિટેાલજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. હિમિકા ચાવલા સ્પષ્ટ કરે છે કે આ તમામ લક્ષણો સીધા હાઈપરગ્લાયકેમિઆ (હાઈ બ્લડ શુગર) સાથે જોડાયેલા નથી અને તેના આધારે ડાયાબિટીસનું નિદાન કરી શકાય નહીં. કયા લક્ષણો ખરેખર મહત્વના છે અને ક્યારે બ્લડ શુગરની તપાસ કરાવવી જરૂરી છે, તે સમજવું ખૂબ જ આવશ્યક છે.
વધુ પડતી તરસ અને વારંવાર પેશાબ થવો: અસલી સંકેત
ઉપર જણાવેલા લક્ષણોમાં ‘વધુ પડતી તરસ’ અને તેની સાથે ‘વારંવાર પેશાબ થવો’ એ હાઈ બ્લડ શુગર સાથે સૌથી ગાઢ રીતે જોડાયેલું છે. જ્યારે આ લક્ષણો સાથે અસામાન્ય થાક, આંખે અંધારા કે ધૂંધળું દેખાવું અથવા વજનમાં અચાનક ઘટાડો જેવા લક્ષણો જોવા મળે, ત્યારે તે ચિંતાનો વિષય બની શકે છે.
ડૉ. હિમિકા ચાવલા સમજાવે છે કે, “જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે, ત્યારે કિડની વધારાના ગ્લુકોઝને પેશાબ દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન શરીર વધુ પડતું પાણી ગુમાવે છે, જેના કારણે વ્યક્તિને અસામાન્ય રીતે વધુ તરસ લાગે છે.” તેથી, જો તમને લાંબા સમય સુધી આ સમસ્યા રહે, તો તેને અવગણવી ન જોઈએ.
ત્વચાની શુષ્કતા અને ખંજવાળ: શું તે ડાયાબિટીસની નિશાની છે?
ઘણા લોકોને ત્વચામાં સતત ખંજવાળ કે ડ્રાયનેસની સમસ્યા રહે છે. ડૉ. ચાવલાના જણાવ્યા અનુસાર, હાઈ બ્લડ શુગરના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન (પાણીની ઉણપ) થઈ શકે છે, જેનાથી ત્વચાના સ્વભાવમાં ફેરફાર થાય છે. આ ઉપરાંત, લોહીમાં શુગરનું પ્રમાણ વધુ હોય ત્યારે વારંવાર ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે, જે ત્વચામાં ભારે ખંજવાળ પેદા કરે છે.
પરંતુ, યાદ રાખવું જરૂરી છે કે ત્વચામાં ખંજવાળ પાછળ બીજા અનેક કારણો પણ હોઈ શકે છે; જેમ કે સૂકી ત્વચા, એલર્જી, મોસમી ફેરફારો કે અન્ય ત્વચાના રોગો. તેથી, માત્ર સામાન્ય ખંજવાળને કારણે શુગર વધી ગઈ છે તેમ માની લેવું યોગ્ય નથી.
સોશિયલ મીડિયા પર ચર્ચાતી ‘શુગર ક્રેવિંગ્સ’ પાછળનું સત્ય
આજકાલ સોશિયલ મીડિયા પર ગળ્યું ખાવાની તીવ્ર ઈચ્છા (શુગર ક્રેવિંગ્સ) ને હાઈ બ્લડ શુગર સાથે જોડીને જોવામાં આવે છે. પરંતુ ડૉ. ચાવલા સ્પષ્ટ કરે છે કે આ સંબંધ એટલો સરળ નથી. ક્રેવિંગ્સ અને શરીરના દુખાવા પાછળ ખોરાક, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ઊંઘનો અભાવ અથવા તણાવ જેવા અન્ય પરિબળો જવાબદાર હોઈ શકે છે. માત્ર ગળપણ ખાવાની તીવ્ર ઈચ્છા થવા માત્રથી એવું સાબિત નથી થતું કે લોહીમાં શુગરનું સ્તર વધી ગયું છે.

શું નબળી ઊંઘ બ્લડ શુગર વધારી શકે છે?
પૂરતી ઊંઘ ન મળવી એ આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઊંઘનો અભાવ એ કોઈ ખાસ બ્લડ શુગરનું લક્ષણ નથી. તણાવ, બિનઆરોગ્યપ્રદ આદતો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊંઘની ગુણવત્તાને બગાડી શકે છે.
ખાસ વાત એ છે કે આ સંબંધ બંને દિશામાં કામ કરે છે. ડૉ. ચાવલા કહે છે તેમ, “પૂરતી ઊંઘ ન લેવાથી તમારું શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ કેટલી અસરકારક રીતે કરે છે તેના પર સીધી અસર પડે છે.” એટલે કે ખરાબ ઊંઘ શુગર વધારી શકે છે, પણ તે માત્ર શુગર વધ્યાની નિશાની નથી.
શારીરિક દર્દ અને નર્વ પેઈન: ક્યારે સાવધાન થવું?
શરીરના સામાન્ય દુખાવા એ હાઈ બ્લડ શુગરના ચોક્કસ લક્ષણો નથી. પરંતુ જો લાંબા સમય સુધી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઊંચું રહે, તો તે ચેતાઓને (Nerves) નુકસાન પહોંચાડી શકે છે. આનાથી ‘ડાયાબિટીક ન્યુરોપથી’ જેવી સમસ્યા થઈ શકે છે, જેમાં હાથ અને પગમાં બળતરા, ખાલી ચડવી, અસહ્ય કણૂસ કે દુખાવો અનુભવાઈ શકે છે.
ડૉ. ચાવલા ભારપૂર્વક જણાવે છે કે, “શરીરમાં દેખાતા માત્ર લક્ષણોના આધારે એ પુષ્ટિ કરવી અશક્ય છે કે બ્લડ શુગર ખરેખર વધી છે કે નહીં. આ માટે લોહીની તપાસ (બ્લડ ટેસ્ટ) કરાવવી અનિવાર્ય છે.”
બ્લડ શુગર ક્યારે અને શા માટે તપાસાવી જોઈએ?
જો તમને અસામાન્ય તરસ, વારંવાર પેશાબ, સતત થાક, આંખોથી ધૂંધળું દેખાવું, વજન ઘટવું કે વારંવાર ઇન્ફેક્શન થવા જેવા લક્ષણો લાંબા સમય સુધી વર્તાય, તો લક્ષણો વધુ ગંભીર બને તેની રાહ જોયા વગર તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈને બ્લડ શુગરનું પરીક્ષણ કરાવી લેવું જોઈએ.
સૌથી મહત્વની બાબત એ છે કે પ્રિ-ડાયાબિટીસ અને ડાયાબિટીસ ઘણીવાર કોઈપણ સ્પષ્ટ લક્ષણો વગર પણ શરીરમાં ઘર કરી શકે છે. તેથી, જે વ્યક્તિઓમાં ડાયાબિટીસનું જોખમ વધારે હોય તેમણે તંદુરસ્ત અનુભવાતું હોવા છતાં નિયમિત સ્ક્રીનિંગ (તપાસ) કરાતી રહેવી જોઈએ, જેથી સમયસર સાવચેતી રાખી શકાય.
