ભારત સાથે ૧૧૪ રાફેલ વિમાન સોદો ગુમાવશે ‘જિદ્દી’ ફ્રાન્સ? સોર્સ કોડ મામલે દિલ્હી કડક, મેગા ડીલમાં ફસાયો પેચ
ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં ફરી એકવાર એક મોટો અને ગંભીર વળાંક આવ્યો છે. ભારત સરકાર ૧૧૪ અત્યાધુનિક રાફેલ લડાકુ વિમાનો ખરીદવાની મોટી ડીલ પર વિચાર કરી રહી છે, પરંતુ ટેક્નોલોજી ટ્રાન્સફર (Technology Transfer) અને સોર્સ કોડ (Source Code) ના મામલે વાત અટવાઈ છે. ફ્રાન્સ આંતરરાષ્ટ્રીય સ્તરે પાર્ટનર્સ તો ઈચ્છે છે, પરંતુ તે સંવેદનશીલ ટેક્નોલોજી શેર કરવામાં હજુ પણ ખચકાઈ રહ્યું છે.
દિલ્હીનું વલણ આ બાબતમાં બિલકુલ સ્પષ્ટ છે કે ભારતીય વાયુસેના માત્ર વિમાનો ખરીદવા માંગતી નથી, પરંતુ લાંબા ગાળાની સૈન્ય અને કાનૂની આત્મનિર્ભરતા ઈચ્છે છે. ફ્રાન્સની આ અડિયલ નીતિના કારણે આશરે અબજો ડૉલરની આ મહાડીલ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
સોર્સ કોડ આપવા તૈયાર નથી ફ્રાન્સ: શું છે વાસ્તવિક વિવાદ?
રિપોર્ટ્સ મુજબ, ફ્રાન્સ ભારતને રાફેલ વિમાનમાં વપરાતા કેટલાક સૌથી મહત્વપૂર્ણ ઘટકો જેવા કે RBE2 AESA રડાર, MDPU મિશન કમ્પ્યુટર અને SPECTRA ઈલેક્ટ્રોનિક-વોરફેર સૂટ (Electronic-Warfare Suite) ના સોર્સ કોડનો એક્સેસ આપવારા મામલે અનિચ્છા દર્શાવી રહ્યું છે. આ કોઈ સામાન્ય ઉપકરણો નથી, પરંતુ આ તે મુખ્ય ડિજિટલ આર્કિટેક્ચર છે જે સેન્સર ફ્યુઝન, જોખમની ઓળખ, વિમાનની સુરક્ષા અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ લડવાની ક્ષમતા માટે જવાબદાર હોય છે.

ફ્રાન્સ પોતાની બૌદ્ધિક સંપદા (Intellectual Property) ની સુરક્ષાના નામે આ મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી પોતાની પાસે જ રાખવા માંગે છે. પરંતુ ભારત માટે આ સ્થિતિ સ્વીકાર્ય નથી, કારણ કે જો સોર્સ કોડ ન મળે તો ભારત પોતાના વિમાનમાં પોતાની મરજીથી સ્વદેશી હથિયારો કે અપગ્રેડેશન કરી શકશે નહીં.
ટેક્નોલોજી ટ્રાન્સફરનો ઇતિહાસ અને ભારતની ચિંતા
ફ્રાન્સ દ્વારા ટેક્નોલોજી શેર ન કરવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે પણ રાફેલ F5 થી જોડાયેલી સંવેદનશીલ ટેક્નોલોજીના ટ્રાન્સફરને લઈને ફ્રાન્સનો વિવાદ થઈ ચૂક્યો છે. હવે ભારત સાથે પણ બિલકુલ તેવી જ સમસ્યા સામે આવી રહી છે. ફ્રાન્સ લોકલ એસેમ્બલી (સ્થાનિક ઉત્પાદન) અને ઔદ્યોગિક સહયોગ માટે તો તૈયાર છે, પરંતુ તે સૌથી સંવેદનશીલ સૉફ્ટવેર અને સિસ્ટમ પર પોતાનું નિયંત્રણ છોડવા માંગતું નથી.
જો ભારતને રાફેલના ડિજિટલ આર્કિટેક્ચરનો એક્સેસ ન મળે, તો ભારતીય વાયુસેનાએ ભવિષ્યમાં પોતાના શસ્ત્રો (જેમ કે અસ્ત્ર મિસાઈલ કે એર-લોન્ચ્ਡ બ્રહ્મોસ) જોડવા માટે કે કોઈપણ ઈલેક્ટ્રોનિક-વોરફેર પેરામીટરમાં બદલાવ કરવા માટે ફ્રાન્સની મંજૂરી પર નિર્ભર રહેવું પડશે. ભારત કોઈપણ સંજોગોમાં વિદેશી તાકાતો પર આ પ્રકારની ગુલામી કે લાંબી નિર્ભરતા સ્વીકારવા તૈયાર નથી.
રશિયાના Su-57E ના પ્રસ્તાવથી ફ્રાન્સ પર વધ્યું દબાણ
આ વિવાદ વચ્ચે રશિયાએ ભારત માટે એક મોટો અને આકર્ષક વિકલ્પ ખુલ્લો મૂક્યો છે. રશિયા અગાઉ પણ ભારતને પોતાના અત્યાધુનિક Su-57E લડાકુ વિમાનના સોર્સ કોડ અને ડિઝાઈન ડૉક્યુમેન્ટેશન સુધીનો સંપૂર્ણ એક્સેસ આપવાની ઓફર કરી ચૂક્યો છે.
રશિયાની આ ખુલ્લી ઓફરથી આંતરરાષ્ટ્રીય વાટાઘાટોમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બની છે અને ફ્રાન્સના બિઝનેસ મોડેલની મર્યાદાઓ પણ ખુલ્લી પડી ગઈ છે. ફ્રાન્સ માત્ર એડવાન્સ્ડ પ્લેટફોર્મ વેચવા માંગે છે, પરંતુ તેમાં પોતાની રીતે ફેરફાર કરવા માટે જરૂરી ટૂલ્સ કે જાણકારી આપવા તૈયાર નથી. આ જ કારણ છે કે ભારત હવે પોતાના વિકલ્પો ખુલ્લા રાખી રહ્યું છે.

ઔદ્યોગિક આત્મનિર્ભરતા વિરુદ્ધ ફ્રાન્સનું નિયંત્રણ
એક તરફ પેરિસ (ફ્રાન્સ) માટે દાયકાઓની મહેનતથી વિકસિત કરેલી ટેક્નોલોજીની ચોરી કે સુરક્ષા ચિંતા સ્વાભાવિક હોઈ શકે છે, તો બીજી તરફ ભારત માટે આ આગામી ૩૦ થી ૪૦ વર્ષની રાષ્ટ્રીય સુરક્ષા અને ઔદ્યોગિક સ્વાયત્તતા (Industrial Autonomy) નો સવાલ છે. ભારત માત્ર એક ગ્રાહક બનવા નથી માંગતું, પરંતુ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માંગે છે.
જો ફ્રાન્સ પોતાના આ અડિયલ વલણમાં ફેરફાર નહીં કરે, તો તે ભલે ટેક્નોલોજી પર પોતાનું નિયંત્રણ જાળવી રાખે, પરંતુ તે એવા વિશ્વાસુ ભાગીદારોને ગુમાવી બેસશે જે આ પ્રકારના મોટા પ્રોગ્રામ્સને ફંડ અને ડેવલપ કરવા માટે જરૂરી છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં, ભવિષ્યના રાફેલ F5 પ્રોજેક્ટ માટે પણ ફ્રાન્સ પાસે પૂરતા પાર્ટનર્સ નથી અને જો આ જ સ્થિતિ રહી તો તે ભારત સાથેની ૧૧૪ રાફેલ વિમાનોની આબરૂદાર અને કરોડો-અબજોની ડીલ પણ ગુમાવી શકે છે. ભારતનું વલણ હવે સ્પષ્ટ છે—ટેક્નોલોજી ટ્રાન્સફર વગર કોઈ મોટી સમજૂતી શક્ય નથી.