સાવધાન! કાગળ પર નાની કંપની પણ વિદેશ મોકલ્યા કરોડો રૂપિયા, આવકવેરા વિભાગે લીધા કડક પગલાં!
આદાત વિદેશી નાણાં ટ્રાન્સફર કરવા અને કરચોરી કરવા માટે બનાવેલી નકલી (શેલ) કંપનીઓ પર આવકવેરા વિભાગે (Income Tax Department) દેશવ્યાપી સર્ચ ઓપરેશન અને તપાસ શરૂ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં એવી ૩૯૪ શંકાસ્પદ સંસ્થાઓ અને કંપનીઓ રડારમાં આવી છે, જેમણે કાગળ પર સાવ ઓછું ટર્નઓવર બતાવ્યું હોવા છતાં વિદેશમાં કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મોકલ્યું છે.
CBDT અને આવકવેરા વિભાગ દ્વારા ઓગસ્ટ ૨૦૨૬માં હાથ ધરવામાં આવેલા આ વ્યાપક સર્ચ ઓપરેશનમાં માત્ર નકલી કંપનીઓ જ નહીં, પરંતુ તેમની પાછળના મુખ્ય સૂત્રધારો અને વિદેશી ફંડ મોકલવા માટે જરૂરી એવા ‘ફોર્મ 15CB’ આપનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) અને પ્રોફેસનલ્સ પર પણ શંકાની સોય તાકવામાં આવી છે.
ઓછું ટર્નઓવર છતાં મોટું ટ્રાન્સફર: શંકાનું મુખ્ય કારણ
આવકવેરા વિભાગે છેલ્લાં ત્રણ વર્ષના આંકડાકીય ડેટા (Data Analysis) અને ગ્રાઉન્ડ લેવલની ઈન્ટેલિજન્સ માહિતીનું વિશ્લેષણ કર્યા પછી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન એવી ઘણી બધી સંસ્થાઓ સામે આવી છે, જેમણે પોતાના આવકવેરા રિટર્ન (ITR) માં ખુબ જ નજીવી આવક અથવા ટર્નઓવર દર્શાવ્યું હતું, જ્યારે કે તેમાંથી કેટલીક કંપનીઓએ તો ટેક્સ રિટર્ન ફાઈલ જ કર્યા નહોતા.
The Income Tax Department has launched a nationwide verification exercise into suspicious foreign remittances. The exercise follows data analysis and ground intelligence indicating significant overseas remittances by entities with little or no reported business activity.
The… pic.twitter.com/paaJMYLE4Y
— Income Tax India (@IncomeTaxIndia) August 18, 2026
આટલું ઓછું વ્યવસાયિક ટર્નઓવર હોવા છતાં આ કંપનીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશમાં મોટા પાયે ફંડ મોકલવામાં આવ્યું હતું. નાણાકીય સ્થિતિ અને વિદેશ મોકલેલી રકમ વચ્ચે મોટો વિરોધાભાસ હોવાના કારણે વિભાગને ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને શેલ કંપનીઓ દ્વારા કાળું નાણું વિદેશ મોકલવાની આશંકા મજબૂત બની હતી.
નકલી સેવાઓના નામે વિદેશી નાણાંનો ખેલ
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદેશમાં નાણાં મોકલવા માટે આ શંકાસ્પદ સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલા કારણો (Purposes) પણ તેમની નાણાકીય સ્થિતિ સાથે મેળ ખાતા નહોતા. આ કંપનીઓએ નીચે મુજબની સેવાઓના બહાને કરોડો રૂપિયા બહાર મોકલ્યા હતા:
ફ્રેટ અને ટ્રાન્સપોર્ટ ચાર્જિસ: માલસામાનની હેરફેર માટે થતા ભારે ભાડાના નામે નાણાં મોકલવા.
સોફ્ટવેરની આયાત (Software Imports): મોંઘા સોફ્ટવેર અને ટેક્નોલોજી ખરીદવાના કાગળ પર બોગસ બિલ બનાવવા.
કોન્સલ્ટિંગ અને વ્યાવસાયિક સેવાઓ: વિદેશી કન્સલ્ટન્ટ્સ પાસેથી સેવા લીધા હોવાનો દાવો કરી નાણાં ટ્રાન્સફર કરવા.
આ તમામ ટ્રાન્ઝેક્શન કાગળ પર યોગ્ય દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતામાં કંપનીઓની આર્થિક ક્ષમતા આવી મોંઘી સેવાઓ ખરીદવાની કે મેળવવાની જ નહોતી.
શેલ કંપનીઓ અને કાગળ પરના સરનામા
આવકવેરા વિભાગના અધિકારીઓએ જ્યારે આ શંકાસ્પદ કંપનીઓના નોંધાયેલા સરનામાઓ પર ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ હાથ ધરી, ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતા. ઘણી સંસ્થાઓ તેમના સત્તાવાર દસ્તાવેજોમાં દર્શાવેલા સરનામે અસ્તિત્વમાં જ નહોતી.
કેટલીક જગ્યાએ માત્ર નાના રૂમ કે બંધ મકાનો જ જોવા મળ્યા હતા, જ્યાં કોઈ જ વ્યવસાયિક પ્રવૃત્તિ થતી નહોતી. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સંસ્થાઓ માત્ર બ્લેક મનીને વ્હાઇટ કરવા અને ગેરકાયદેસર રીતે પૈસા ભારત બહાર મોકલવા માટે જ બનાવવામાં આવેલી ‘શેલ’ અથવા ‘ડમી’ કંપનીઓ હતી.
ટ્રસ્ટો દ્વારા બોગસ ડોનેશન અને કૌભાંડનું નેટવર્ક
આ સમગ્ર તપાસની શરૂઆત એક એવા ઓપરેશનથી થઈ હતી, જેમાં કેટલીક ગેરકાયદેસર અને બનાવટી ચેરિટેબલ ટ્રસ્ટો (Fictitious Charitable Trusts) નો પર્દાફાશ થયો હતો. આ ટ્રસ્ટો બ્લેક મની ધરાવતા લોકોને બોગસ ડોનેશન અને એકોમોડેશન એન્ટ્રીઓ (Accommodation Entries) પૂરી પાડવાનું કામ કરતા હતા.
આ બોગસ ટ્રસ્ટોની તપાસ દરમિયાન આવકવેરા વિભાગને વિદેશી રેમિટન્સ (Foreign Remittances) ના આ મોટા નેટવર્કની કડીઓ મળી હતી. જે સંસ્થાઓ આ ટ્રસ્ટો દ્વારા નાણાકીય ગડબડ કરતી હતી, તેમાંથી જ ઘણી સંસ્થાઓ વિદેશી નાણાં ટ્રાન્સફરના આ કૌભાંડમાં પણ સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે.
ફોર્મ 15CB અને પ્રોફેસનલ્સની ભૂમિકાની તપાસ
વિદેશમાં નાણાં મોકલવા માટે આવકવેરા કાયદા હેઠળ ‘ફોર્મ 15CB’ (Form 15CB) સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત હોય છે, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જારી કરવામાં આવે છે. આ ફોર્મમાં પ્રમાણિત કરવામાં આવે છે કે વિદેશ મોકલવામાં આવતા નાણાં પર યોગ્ય ટેક્સ ચૂકવવામાં આવ્યો છે કે નહીં.
આવકવેરા વિભાગના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે આ તમામ શંકાસ્પદ ૩૯૪ સંસ્થાઓના મોટાભાગના ફોર્મ 15CB બહુ જ મર્યાદિત અને ચોક્કસ પ્રોફેસનલ્સ (CAs) ના જૂથ દ્વારા જ જારી કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જે વિદેશી ખાતાઓમાં પૈસા જમા થયા હતા, તે પણ કોઈ ચોક્કસ જૂથ કે શંકાસ્પદ વિદેશી કંપનીઓના જ હતા.
તેથી વિભાગ હવે આ પ્રકારના બોગસ સર્ટિફિકેટ્સ જારી કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વ્યાવસાયિકો સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
આગામી કાર્યવાહી અને સંભવિત અસરો
CBDT એ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યાપક તપાસનો મુખ્ય હેતુ વિદેશ મોકલેલા નાણાંના વાસ્તવિક માલિકો (Beneficial Owners) સુધી પહોંચવાનો અને દેશમાંથી ગેરકાયદેસર રીતે બહાર મોકલાતા ફંડ પર અંકુશ મેળવવાનો છે.
આગામી દિવસોમાં આવકવેરા વિભાગ આ શંકાસ્પદ સંસ્થાઓના સંચાલકો, બેંક ખાતાઓ અને પ્રોફેસનલ્સની સઘન પૂછપરછ કરશે. આ તપાસના અંતે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની અને દોષિતો સામે પિનલ પ્રોસિડિંગ્સ તથા ભારે દંડ અને જેલ જેવી કડક કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે.
