હવામાન વિભાગની ગંભીર ચેતવણી: ઉત્તર પ્રદેશ, બિહારથી લઈને પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનો ભય
દેશભરમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ૨૭ રાજ્યોમાં વાવાઝોડા, કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે કટોકટી જેવા ભારેથી અતિભારે વરસાદની ગંભીર ચેતવણી જારી કરી છે. અહેવાલો મુજબ, આ સમયગાળા દરમિયાન ૮૫ થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તોફાની પવન અને ભારે વરસાદના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર આસામના ઉપરી વાતાવરણમાં ચક્રવાતી હવાનું પરિભ્રમણ (Cyclonic Circulation) સક્રિય થયું છે, જેના કારણે ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતમાં મોસમનો મિઝાજ ભારે વિષમ બન્યો છે.
પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને માછીમારોને એલર્ટ
પહાડી વિસ્તારોમાં સતત વરસી રહેલા પાણીને કારણે પહાડો ધસી પડવાની એટલે કે ભૂસ્ખલન (Landslides) ની ગંભીર ઘટનાઓ બની શકે છે. આથી હવામાન વિભાગે પહાડી રાજ્યો તરફ પ્રવાસ કરતા લોકો અને પ્રવાસીઓને હવામાનની માહિતી મેળવ્યા વિના યાત્રા ન કરવાની ખાસ સલાહ આપી છે. પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવાની ઘટનાઓ વધુ બની શકે છે. તદુપરાંત, દરિયાઈ અને નદી કિનારે ભારે પવન ફૂંકાવાનો હોવાથી માછીમારોને સલામત સ્થળે ખસી જવા અને દરિયામાં ન ખેડવાની કડક તાકીદ કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં મોટા કદના કરા પડવાની પણ શક્યતા હોવાથી નાગરિકોને બહાર નીકળતી વખતે જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે.

ઉત્તર ભારત: દિલ્હી, યુપી અને બિહારની સ્થિતિ
રાજધાની દિલ્હીમાં દિવસ દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અહીં પવનની ગતિ ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાક રહેશે, જ્યારે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ ૨૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશના મેરઠ, મથુરા, અલીગઢ, આગ્રા, કાનપુર, રાયબરેલી, ગોરખપુર, વારાણસી અને પ્રયાગરાજ સહિત ૨૫ થી વધુ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ છે. રાજધાની લખનૌમાં તાપમાન ૩૪ ડિગ્રી સુધી રહેશે. બિહારમાં પણ પટના, ગયા, સિવાન, દરભંગા, પૂર્ણિયા અને કટિહાર જેવા જિલ્લાઓમાં ૫૫ થી ૬૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે મુશળધાર વરસાદ ત્રાટકી શકે છે.

પહાડી અને મધ્ય ભારતના રાજ્યોની હવામાનની સ્થિતિ
ઉત્તરાખંડના નૈનિતાલ, પિથોરાગઢ, ચમોલી, હરિદ્વાર અને ઋષિકેશમાં ભારે પવન સાથે વરસાદી આફત આવી શકે છે. દેહરાદૂનમાં તાપમાન ૨૯ ડિગ્રી આસપાસ રહેશે. હિમાચલ પ્રદેશના કુલ્લુ, મંડી, કાંગડા, કિન્નૌર અને મનાલીમાં તાપમાન ગગડીને ૧૬ ડિગ્રી થઈ ગયું છે અને ત્યાં ૬૦ કિમીની ઝડપે તોફાની પવન સાથે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. જમ્મુ અને કાશ્મીરના જમ્મુ, પૂંચ, બારામુલ્લા, શ્રીનગર અને અનંતનાગમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદનું એલર્ટ આપ્યું છે.
બીજી તરફ, પંજાબના અમૃતસર, લુધિયાણા અને ચંદીગઢમાં ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજસ્થાનના જયપુર, કોટા, ઉદયપુર, જેસલમેર અને બિકાનેરમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ થશે. ઝારખંડ અને મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર, સાગર અને રાંચી સહિતના વિસ્તારોમાં પણ ૪૫ થી ૭૦ કિમીની ઝડપે વહેતા તોફાની પવન સાથે વરસાદ ચાલુ રહેશે.
