વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે કમાણી વગર પણ મળશે ₹૨૫ થી ₹૫૦ લાખનું લાઇફ કવર
સામાન્ય રીતે ટર્મ ઇન્શ્યોરન્સ (Term Insurance) ને નોકરી કરતા, વ્યવસાય ધરાવતા કે પરિવારનું ગુજરાન ચલાવતા કમાઉ સભ્યો સાથે જ જોડવામાં આવે છે. પરંતુ બદલાતા સમય સાથે હવે દેશમાં નોકરી કે કમાણી ન કરતા વિદ્યાર્થીઓ માટે પણ એક વિશેષ વીમા યોજના રજૂ કરવામાં આવી છે. ૧૮ થી ૨૫ વર્ષની વયજૂથના યુવાનો, જેઓ હાલમાં વિવિધ પ્રોફેશનલ કોર્સ કે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે, તેમને ધ્યાનમાં રાખીને ‘સ્ટુડન્ટ ટર્મ પ્લાન’ (Student Term Plan) લોન્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નાની ઉંમરે જ આર્થિક સુરક્ષા કવચ પૂરું પાડવાનો છે.
માત્ર ₹૩૮૮ ના માસિક પ્રીમિયમે મળશે ₹૫૦ લાખનું કવર
ઓનલાઈન ઈન્સ્યોરન્સ પ્લેટફોર્મ ‘પોલિસીબજાર’ (Policybazaar) દ્વારા દેશની અગ્રણી વીમા કંપનીઓ સાથે મળીને આ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ₹૨૫ લાખથી લઈને ₹૫૦ લાખ સુધીનું લાઇફ કવર મળી શકે છે, જેની મુદત ૩૦ થી ૪૦ વર્ષ સુધી રાખી શકાય છે. ઉદાહરણ તરીકે, જો ૧૮ વર્ષનો કોઈ તંદુરસ્ત અને ધૂમ્રપાન ન કરતો વિદ્યાર્થી ૩૦ વર્ષની મુદત માટે ₹૫૦ લાખનો પ્લાન પસંદ કરે છે, તો તેનું પ્રારંભિક માસિક પ્રીમિયમ માત્ર ₹૩૮૮ થી શરૂ થાય છે.
વિદ્યાર્થીઓ માટે ટર્મ પ્લાનની જરૂરિયાત કેમ ઊભી થઈ?
આજના સમયમાં એન્જિનિયરિંગ, મેડિકલ, મેનેજમેન્ટ જેવા પ્રોફેશનલ કોર્સ કે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લાખો રૂપિયાની એજ્યુકેશન લોન (Education Loan) લેવી પડે છે. આ લોનમાં વિદ્યાર્થી પોતે મુખ્ય અથવા સહ-ઉધારકર્તા (Co-borrower) હોય છે. જો લોનની ભરપાઈ થાય તે પહેલાં વિદ્યાર્થી સાથે કોઈ અણધારી આકસ્મિક ઘટના ઘટે, તો લોનનો આકરો બોજ તેના માતા-પિતા કે પરિવાર પર આવી પડે છે.

આવા કટોકટીના સમયે સ્ટુડન્ટ ટર્મ પ્લાન પરિવાર માટે મજબૂત આર્થિક ઢાલ બનીને ઊભો રહે છે. વિદ્યાર્થીઓ પાસે પોતાની કોઈ આવક ન હોવા છતાં, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ (ICICI Prudential Life Insurance) અનુસાર માતા-પિતાની વાર્ષિક આવકને આધારે વિદ્યાર્થીની પાત્રતા અને કવરેજ નક્કી કરવામાં આવે છે.
નાની ઉંમરે પોલિસી લેવાના અજોડ ફાયદા
ટર્મ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ મુખ્યત્વે વ્યક્તિની ઉંમર અને સ્વાસ્થ્ય પર આધારિત હોય છે. નાની ઉંમરે અને ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવતી વખતે પોલિસી લેવાથી પ્રીમિયમનો દર અત્યંત ઓછો રહે છે. આ પ્લાનનો સૌથી મોટો ફાયદો એ છે કે એકવાર પોલિસી શરૂ થયા પછી નક્કી થયેલું પ્રીમિયમ સમગ્ર પોલિસી ટર્મ (મુદત) દરમિયાન બિલકુલ ફિક્સ (એકસરખું) રહે છે. એટલે કે ભવિષ્યમાં નોકરી કે કારકિર્દી શરૂ થયા બાદ અન્ય આર્થિક જવાબદારીઓ વધે, તે પહેલાં જ ઓછી કિંમતે મોટું સુરક્ષા કવચ નિશ્ચિત કરી શકાય છે.

પોલિસી પસંદ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
જોકે, આ પ્લાન દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત નથી. જો વિદ્યાર્થી પર કોઈ મોટી એજ્યુકેશન લોનનું દેવું ન હોય, તો તેના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કે ઈમરજન્સી ફંડ પૂરતું છે. પરંતુ મોટા શિક્ષણ દેવા ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પ્લાન અત્યંત ફાયદાકારક છે.
પોલિસી લેતા પહેલા પોતાની એજ્યુકેશન લોનની કુલ રકમ અને સમયગાળાને ધ્યાનમાં રાખીને કવરેજ પસંદ કરવું જોઈએ. આ ઉપરાંત, ભવિષ્યમાં પ્રીમિયમ સરળતાથી ભરી શકાશે કે નહીં તે ચકાસી લેવું તેમજ ક્રિટિકલ ઇલનેસ અને એક્સિડન્ટલ ડેથ રાઇડર જેવા વધારાના વિકલ્પો સમજી-વિચારીને જોડવા હિતાવહ છે.
