B12 માટે નોન-વેજ પૂરતું નથી! શરીરમાં વિટામિન કેમ શોષાતું નથી તે જાણો
સામાન્ય રીતે વિટામિન B12 ની ઉણપને શાકાહારી લોકો સાથે સાંકળવામાં આવે છે, કારણ કે વિટામિન B12 કુદરતી રીતે મુખ્યત્વે પ્રાણીજન્ય ખોરાક જેવા કે માસ, મરઘી, માછલી, ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સમાં જ જોવા મળે છે. પરંતુ ખોરાકમાં માંસ અથવા નોન-વેજ લેવાથી જ શરીરમાં વિટામિન B12 ના પૂરતા સ્તરની ગેરંટી મળતી નથી. તબીબી ક્ષેત્રે ડોક્ટરો અવારનવાર એવા દર્દીઓમાં પણ B12 ની ભારે ઉણપ જુએ છે જેઓ નિયમિતપણે નોન-વેજ ખોરાક લેતા હોય છે.

આ પાછળનું મુખ્ય કારણ ખોરાકની અછત નથી, પરંતુ શરીર દ્વારા તેનું અયોગ્ય શોષણ (Poor Absorption) છે. વી.એસ. હોસ્પિટલ્સના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને જીઆઈ સર્જન ડો. જે. સરવનને આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “વિટામિન B12 ની ઉણપ એ માત્ર ખોરાક સાથે જોડાયેલી સમસ્યા નથી, પરંતુ તે મુખ્યત્વે પાચન અને શોષણ સંબંધિત સમસ્યા છે.“
વિટામિન B12 નું શરીરમાં શોષણ કેવી રીતે થાય છે?
આપણા શરીરમાં વિટામિન B12 ના શોષણની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને બહુ-તબક્કાવાર હોય છે:
પ્રોટીનમાંથી મુક્તિ: માસ કે અન્ય પ્રાણીજન્ય ખોરાકમાં વિટામિન B12 પ્રોટીન સાથે જોડાયેલું (Bound) હોય છે. જ્યારે ખોરાક પેટમાં જાય છે, ત્યારે પેટમાં રહેલો એસિડ (Stomach Acid) આ વિટામિનને પ્રોટીનમાંથી મુક્ત કરવામાં મદદ કરે છે.
ઇન્ટ્રિન્સિક ફેક્ટર (Intrinsic Factor) સાથે જોડાણ: આ પછી આગળની પાચન પ્રક્રિયા દરમિયાન, વિટામિન B12 પેટના કોષો દ્વારા ઉત્પાદિત થતા ખાસ પ્રોટીન ‘ઇન્ટ્રિન્સિક ફેક્ટર’ સાથે જોડાય છે.
અંતિમ શોષણ: આ વિટામિન B12 અને ઇન્ટ્રિન્સિક ફેક્ટરનું મિશ્રણ નાના આંતરડાના અંતિમ ભાગ એટલે કે ટર્મિનલ આઈલિયમ (Terminal Ileum) સુધી પહોંચે છે, જ્યાં આખરે વિટામિન B12 નું શરીરમાં શોષણ થાય છે.
જો તમારા પેટ, ઇન્ટ્રિન્સિક ફેક્ટર અથવા નાના આંતરડાના અંતિમ ભાગમાં કોઈ તકલીફ હોય, તો વિટામિન B12 નું યોગ્ય રીતે શોષણ થઈ શકતું નથી. ડો. સરવનનના જણાવ્યા મુજબ, “B12 વાળો ખોરાક ખાવો અને શરીરમાં તે B12 નું શોષણ થવું – આ બંને તદ્દન અલગ બાબતો છે. જ્યારે કોઈ નોન-વેજ ખાનાર વ્યક્તિમાં B12 ની ઉણપ દેખાય, ત્યારે આપણે માત્ર એ નથી જોવાનું કે તે પૂરતો ખોરાક લે છે કે નહીં, પરંતુ એ જોવું વધુ મહત્વનું છે કે તેમનું શરીર તે શોષી શકે છે કે નહીં.“
પેટની આ સમસ્યાઓ B12 ના શોષણમાં બને છે રુકાવટ
પેટ સંબંધિત કેટલીક ચોક્કસ તકલીફો B12 ના શોષણને સંપૂર્ણપણે અટકાવી શકે છે:
એટ્રોફિક ગેસ્ટ્રાઇટિસ (Atrophic Gastritis): આ સ્થિતિમાં પેટના એસિડનું ઉત્પાદન ઘટી જાય છે, જેના કારણે ખોરાકના પ્રોટીનમાંથી વિટામિન B12 મુક્ત થઈ શકતું નથી.
પર્નિશિયસ એનિમિયા (Pernicious Anemia): આ એક અત્યંત મહત્વપૂર્ણ સ્વ-પ્રતિરક્ષા (Autoimmune) સ્થિતિ છે. આમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પેટના કોષો પર હુમલો કરે છે, જેના કારણે શરીર પૂરતું ‘ઇન્ટ્રિન્સિક ફેક્ટર’ બનાવી શકતું નથી. આ પ્રોટીન વગર શરીર ખોરાકમાંથી વિટામિન B12 શોષી શકતું જ નથી, ભલે તમે ગમે તેટલો પ્રોટીન કે માસ વાળો ખોરાક લો.

લાંબા સમય સુધી દવાઓનું સેવન પણ હોઈ શકે છે કારણ
આજકાલ સામાન્ય રીતે લેવાતી કેટલીક દવાઓ પણ શરીરમાં વિટામિન B12 નું સ્તર ઘટાડી શકે છે:
પ્રોટોન પમ્પ ઈન્હિબિટર્સ (PPIs): એસિડિટી અને ગેસ માટે લેવાતી ઓમેપ્રાઝોલ (Omeprazole) અને લેન્સોપ્રાઝોલ (Lansoprazole) જેવી દવાઓ પેટના એસિડને ઓછો કરે છે. એસિડ ઓછો થવાથી ખોરાકમાંથી B12 છૂટું પડી શકતું નથી.
મેટફોર્મિન (Metformin): ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસના દર્દીઓ માટે લાંબા સમયથી વપરાતી આ દવા પણ વિટામિન B12 ના શોષણમાં ઘટાડો કરવા માટે જાણીતી છે.
જોકે, આનો અર્થ એ નથી કે દર્દીઓએ પોતાની રીતે દવાઓ બંધ કરી દેવી જોઈએ. આવી દવાઓ લેતા દર્દીઓએ પોતાના ડોક્ટર સાથે સલાહ-મસલત કરવી જોઈએ.
આંતરડાના રોગો અને ભૂતકાળની સર્જરી
વિટામિન B12 આખરે નાના આંતરડાના ટર્મિનલ આઈલિયમમાં જ શોષાય છે. તેથી આંતરડાને અસર કરતા રોગો B12 ની ઉણપનું મોટું કારણ બની શકે છે:
ક્રોહન રોગ (Crohn’s Disease) અને સીલિયાક રોગ (Celiac Disease): આંતરડામાં સોજો લાવતા અને પાચનતંત્રને નુકસાન પહોંચાડતા આ રોગોને કારણે B12 નું શોષણ અટકી જાય છે.
સર્જરીની અસરો: ભૂતકાળમાં કરાવાયેલી પેટ અથવા આંતરડાની સર્જરી, જેમ કે વજન ઘટાડવા માટેની બેરિયાટ્રિક સર્જરી (Bariatric Surgery) અથવા આંતરડાના આઈલિયમ ભાગને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવો, B12 ની ઉણપનું જોખમ નોંધપાત્ર રીતે વધારી દે છે.
ઉંમર વધવાની સાથે વધતું જોખમ અને લક્ષણો
ઉંમર વધવાની સાથે પાચનતંત્રમાં કુદરતી ફેરફારો થાય છે. ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ, પેટના અસ્તરમાં ફેરફાર, સતત દવાઓનું સેવન અને આંતરડાની તકલીફોને કારણે વૃદ્ધોમાં વિટામિન B12 ની ઉણપ થવાની સંભાવના વધુ રહે છે.
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે B12 ની ઉણપથી હંમેશા એનિમિયા (લોહીની ટકાવારી ઘટવી) ના લક્ષણો જ દેખાય તે જરૂરી નથી. તેના બદલે વ્યક્તિમાં નીચે મુજબના ચેતાતંત્ર (Neurological) સંબંધિત લક્ષણો જોવા મળી શકે છે:
સતત થાક અને નબળાઈ અનુભવવી.
હાથ-પગમાં ખાલી ચડવી અથવા ઝણઝણાટી થવી.
ચાલતી વખતે શરીરનું સંતુલન જાળવવામાં મુશ્કેલી પડવી.
યાદશક્તિ નબળી પડવી કે ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થવી.
જો B12 નું સ્તર ઓછું આવે તો શું કરવું?
જો તમારા બ્લડ રિપોર્ટમાં વિટામિન B12 ની ઉણપ આવે, તો માત્ર ખોરાકમાં ફેરફાર કરવો એ પૂરતો ઉપાય નથી. ડોક્ટરોએ પેટની તકલીફો, પર્નિશિયસ એનિમિયા, આંતરડાના રોગો, જૂની સર્જરી અને દવાઓની અસરો તપાસવી જરૂરી બને છે.
ડો. સરવનનના જણાવ્યા મુજબ, “દર્દીની સ્થિતિના આધારે, ઉણપનું ચોક્કસ સાચું કારણ જાણવા માટે વધારાના ટેસ્ટ કરવા પડી શકે છે.” સારવારનો હેતુ માત્ર B12 નો આંકડો વધારવાનો હોવો જોઈએ નહીં, પરંતુ જે મૂળ કારણથી શોષણ અટકી રહ્યું છે તેનો ઇલાજ કરવો જરૂરી છે, જેથી ભવિષ્યમાં આ ઉણપ ફરીથી ન સર્જાય.
