વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના પીએમ બાલેન શાહ સાથે કરી વાત: શક્ય તમામ માનવતાવાદી સહાયની ખાતરી આપી
કુદરતના કોપ સામે ઝઝૂમી રહેલા પાડોશી દેશ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે વિનાશ સર્જાયો છે. નેપાળમાં ભોટેકોશી નદી અને અન્ય પહાડી વિસ્તારોમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે ૭૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આવી મુશ્કેલ અને વિષમ પરિસ્થિતિમાં ભારતે એક સચ્ચા મિત્ર અને પાડોશી તરીકે તાત્કાલિક મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે નેપાળમાં રાહત સામગ્રીની મોટો જથ્થો મોકલ્યો છે. આ માનવતાવાદી સહાય બદલ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
પીએમ મોદીએ બાલેન શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી
નેપાળમાં સર્જાયેલી આ ભયાનક આફત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ટેલિફોન પર સીધી વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ જળપ્રલયમાં અકાળે જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને સંકટની આ ઘડીમાં નેપાળને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે વાત કરી અને પૂરના કારણે થયેલી જાનમાલની નુકસાની પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ભારત સરકાર આ સંકટ સમયે નેપાળને તમામ પ્રકારની માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમારી ભારતીય ટીમો સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને રાહત અને બચાવ કામગીરીમાં નજીકથી કામ કરી રહી છે.”

“આ સહકાર આપણા મજબૂત સંબંધોનું પ્રતીક છે”: બાલેન શાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સંવેદનશીલ પહેલ અને ત્વરિત સહાયની ઓફર બાદ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે પણ ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું, “આ અત્યંત મુશ્કેલ સમયમાં નેપાળને આટલી મોટી સહાય પૂરી પાડવાના તમારા દયાળુ શબ્દો અને ઉદારતાપૂર્ણ પ્રસ્તાવની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ. ભારત તરફથી મળેલો આ સહકારનો સંકેત આપણા બંને દેશો વચ્ચેના સદીઓ જૂના અને મજબૂત મિત્રતાના બંધનને પ્રતિબિંબિત કરે છે, જેની નેપાળી જનતા ખૂબ કદર કરે છે.”
ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યું ઊંડું દુઃખ
આ પહેલા ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નેપાળમાં થયેલી તબાહી પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “નેપાળમાં પૂરને કારણે થયેલી હોનારત અને જાનમાલનું નુકસાન અત્યંત દુઃખદ છે. આ કુદરતી આફતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સવેદનાઓ છે. ભારત સરકાર અને ૧૪૦ કરોડ ભારતીયો આ કપરી પરિસ્થિતિમાં નેપાળના લોકોની સાથે અડીખમ ઊભા છે.”

કાઠમંડુ એરપોર્ટ પર પહોંચી ભારતીય રાહત સામગ્રી
ભારત તરફથી મોકલવામાં આવેલી રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો ભારતીય વાયુસેનાના વિમાન મારફતે કાઠમંડુ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડ થયો હતો અને સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. આ સામગ્રીમાં જીવનરક્ષક દવાઓ, તબીબી સાધનો, પીવાનું શુદ્ધ પાણી, ખાદ્ય સામગ્રી અને અસ્થાયી ટેન્ટનો સમાવેશ થાય છે.
નેપાળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાલમાં રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા હોવાથી સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારતે મોકલેલી આ ત્વરિત મદદ પૂર પીડિતો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો માત્ર ભૌગોલિક નથી પરંતુ સાંસ્કૃતિક અને ભાવનાત્મક પણ છે, જે આ આફતના સમયે ફરી એકવાર સાબિત થયું છે.
