અમેરિકાની ધરતી પર તિરંગાનું અપમાન! ભારતે આપ્યો સખત જવાબ
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી એક અત્યંત ચિંતાજનક અને આક્રોશ જગાડે તેવી ઘટના સામે આવી છે. વિશ્વના જાણીતા પ્લેસ ‘મેડિસન સ્ક્વેર ગાર્ડન’ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ બહાર ભારતવિરોધી તત્વો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ દરમિયાન ભારતના રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનું ગંભીર અપમાન કરવામાં આવ્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર દેશમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર ઘટના પર ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કિરેન રિજિજુએ અત્યંત કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, લોકશાહીમાં સરકાર કે રાજકીય પક્ષોનો વિરોધ કરી શકાય છે, પરંતુ ભારત દેશ કે રાષ્ટ્રધ્વજનું અનાદર કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
શું છે સમગ્ર ઘટના?
ગત શનિવાર, 29 ઓગસ્ટના રોજ ન્યૂયોર્કના પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડન પરિસરમાં આવેલા ‘ઇન્ફોસિસ થિયેટર’ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા.
જોકે, આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે જ સમયે બહાર ભારતવિરોધી અને ખાલિસ્થાન સમર્થક જૂથો એકઠા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ખાલિસ્થાન સમર્થકોએ દેશની ગરિમા અને રાષ્ટ્રધ્વજ મર્યાદાનો અનાદર કર્યો હતો.
વાયરલ થયેલા વીડિયો મુજબ, પ્રદર્શનકારીઓમાંથી એક વ્યક્તિએ ભારતીય રાષ્ટ્રધ્વજને પોતાના પગમાં બાંધી દીધો હતો અને કેમેરા સામે પોઝ આપી રહ્યો હતો. આ ઉપરાંત, અન્ય કેટલાક વિરોધકર્તાઓએ બીજા એક ત્રિરંગાને બળજબરીથી ખેંચીને ફાડી નાખ્યો હતો. આ કાયરતાપૂર્ણ કૃત્ય કરતી વખતે તેઓ ઢોલના તાલે નાચી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
We always said, you have freedom to criticize RSS, BJP or Govt. but don’t abuse our nation.
ध्यान से सुनें.. हमारे झंडे और मेरे देश का अपमान मत करो। यह तुम्हें बहुत ज़्यादा महंगा पड़ेगा। pic.twitter.com/THH2kT49yc
— Kiren Rijiju (@KirenRijiju) August 30, 2026
મંત્રી કિરેન રિજિજુની કડક ચેતવણી: “દેશ અને ધ્વજનું અપમાન ભારે પડશે”
આ શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર એક આકરી પોસ્ટ શેર કરી હતી. તેમણે દેશવિરોધી તત્વોને આકરા શબ્દોમાં સંભળાવતા લખ્યું:
“અમે હંમેશાં કહ્યું છે કે તમને આરએસએસ (RSS), ભાજપ (BJP) કે ભારત સરકારની નીતિઓની ટીકા કરવાનો અને વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ અમારા દેશનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. કાન ખોલીને સાંભળી લો… અમારા રાષ્ટ્રધ્વજ અને મારા દેશનું અનાદર કરવાનો પ્રયાસ પણ ન કરતા, નહિતર આ હરકત તમને ખૂબ જ ભારે પડશે.”
કિરેન રિજિજુના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત સરકાર વિદેશની ધરતી પરથી ચાલતી ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય પ્રતીકોના અનાદરને બિલકુલ સહન કરવાના મૂડમાં નથી.
ભારત દ્વારા પ્રતિબંધિત ‘SFJ’ જૂથનો હાથ
અહેવાલો અનુસાર, આ હિંસક અને અપમાનજનક પ્રદર્શન પાછળ ‘સિખ્સ ફોર જસ્ટિસ’ (SFJ) નામના સંગઠનનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે SFJ ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદા (UAPA) હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે.
મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર એકઠા થયેલા આ પ્રદર્શનકારીઓએ હાથમાં ભારતવિરોધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત લખાણ ધરાવતા બેનરો અને પોસ્ટરો પકડ્યા હતા. આટલું જ નહીં, પ્રદર્શનકારીઓએ આરએસએસ વડા મોહન ભાગવતનું એક મોટું કટ-આઉટ બનાવ્યું હતું અને તેના ગળામાં જૂતાની માળા પહેરાવીને અસંસ્કારી વિરોધ નોંધાવ્યો હતો. આ જૂથ ભૂતકાળમાં પણ ભારત સરકાર અને દેશના નેતાઓને ધમકીઓ આપવા માટે જાણીતું છે.
મોહન ભાગવતનો અમેરિકા પ્રવાસ અને કાર્યક્રમ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આ વર્ષે પોતાના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આ નિમિત્તે સંઘ દ્વારા વિશ્વભરમાં વૈશ્વિક સંપર્ક અને સંવાદ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ પ્રવાસના ભાગરૂપે સંઘપ્રમુખ મોહન ભાગવત ત્રણ દેશોના પ્રવાસે નીકળ્યા છે અને ગયા મંગળવારે તેઓ અમેરિકા પહોંચ્યા હતા.
ન્યૂયોર્કમાં ‘અમેરિકન હિન્દુઝ ફોર એંગેજમેન્ટ એન્ડ ડાયલોગ’ (AHEAD) દ્વારા “યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન” (વસુધૈવ કુટુમ્બકમ્ / વૈશ્વિક એકતા ઉજવણી) શીરષક હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ, સનાતન વિચારધારા અને વિશ્વ બંધુત્વના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો હતો. પરંતુ ભારતવિરોધી અને ખાલિસ્થાન સમર્થક તત્વોએ આ કાર્યક્રમનો ઉપયોગ પોતાના રાજકીય અને દેશવિરોધી એજન્ડાને આગળ ધપાવવા માટે કર્યો હતો.
યુએસ કમિશન (USCIRF) નો વિવાદિત રોલ
અત્રે નોંધનીય છે કે, મોહન ભાગવતના અમેરિકા આગમન પહેલા જ ‘યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ’ (USCIRF) દ્વારા એક વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. પાકિસ્તાની મૂળના અમેરિકન ડૉ. આસિફ મહમૂદની અધ્યક્ષતાવાળા આ કમિશને યુએસ સરકાર પાસે માંગ કરી હતી કે આરએસએસ (RSS) પર પ્રતિબંધ અથવા સાંકળો મૂકવામાં આવે.
ભારત તરફથી આ પ્રકારના રિપોર્ટો અને નિવેદનોને હંમેશા પક્ષપાતી અને ભારતની આંતરિક બાબતોમાં અયોગ્ય દખલગીરી ગણાવીને ફગાવી દેવામાં આવ્યા છે. તજજ્ઞોનું માનવું છે કે વિદેશમાં બેઠેલા કેટલાક ચોક્કસ જૂથો સતત ભારતની વધતી જતી વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રવાસી ભારતીયોમાં આક્રોશ
ન્યૂયોર્કમાં રાષ્ટ્રધ્વજના થયેલા અનાદરથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં વસતા ભારતીય સમુદાય (NRIs) માં પણ ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક ભારતીયોએ માંગ કરી છે કે અમેરિકન સત્તાવાળાઓ અને ન્યૂયોર્ક પોલીસે રાષ્ટ્રધ્વજનું અનાદર કરનારા અને શાંતિ ભંગ કરનારા આવા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.
કોઈપણ દેશ માટે તેનો રાષ્ટ્રધ્વજ એ તેની સાર્વભૌમત્વ, એકતા અને સ્વાભિમાનનું પ્રતીક હોય છે. વૈચારિક મતભેદો કે રાજકીય વિરોધ ગમે તેટલો હોય, પરંતુ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું એ દેશપ્રેમી નાગરિક માટે અસહ્ય છે. કિરેન રિજિજુના આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે વિદેશી ધરતી પરથી થતી આવી દેશવિરોધી હરકતો સામે મૌન નહીં રહે.
