Gujarat ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજ્યના તમામ હેલીપૅડ સતત ‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવા કડક દિશા-નિર્દેશો જાહેર, દર ત્રણ મહિને સ્થળ તપાસ ફરજિયાત
Gujarat રાજ્યમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management), તબીબી કટોકટી (Medical Emergency), રાહત અને બચાવ કામગીરી તેમજ વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના અતિમહાનુભાવો (VIP/VVIP) ના પ્રવાસ દરમિયાન હેલીપૅડની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક સાબિત થતી હોય છે. કટોકટીના સમયે સમયસર હેલિકોપ્ટર લેન્ડિંગ કે ટેક-ઓફ થઈ શકે અને કોઈ પણ પ્રકારનો વિલંબ કે અકસ્માત ન સર્જાય તે હેતુથી ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક નીતિગત નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ હયાત હેલીપૅડને સતત ઉપયોગી એટલે કે ‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવા માટે તમામ સંબંધિત અધિકારીઓ અને વિભાગોને સ્પષ્ટ અને ચુસ્ત દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ (Roads and Buildings Department) દ્વારા એક સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા દિશા-નિર્દેશો મુજબ હવેથી રાજ્યના તમામ નાના-મોટા હેલીપૅડનું સમયાંતરે નિરીક્ષણ અને જાળવણી કરવાનો કડક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

દર ત્રણ મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ અને ઈજનેરોની જવાબદારી
Gujarat સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર, હવેથી રાજ્યના દરેક હયાત હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણ (On-site Inspection) કરવામાં આવશે. આ સ્થળ તપાસ દરમિયાન હેલીપૅડની ક્ષમતા, સપાટીની મજબૂતી અને સુરક્ષાત્મક પાસાઓની ચકાસણી કરવામાં આવશે. જો તપાસ દરમિયાન હેલીપૅડમાં કોઈ પણ પ્રકારની ખામી, તિરાડ કે મરામતની જરૂરિયાત જણાશે, તો તેને કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની રહેશે.
આ સમગ્ર વ્યવસ્થાને સુચારૂ રૂપે ચલાવવા માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે. રાજ્યના તમામ હેલીપૅડ હંમેશા સંપૂર્ણપણે ઉપયોગલાયક રહે તે સુનિશ્ચિત કરવાની પ્રાથમિક અને સીધી જવાબદારી સંબંધિત ક્ષેત્રના કાર્યપાલક ઈજનેરશ્રી (Executive Engineer) ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, આ જાળવણી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે અધિક્ષક ઈજનેરશ્રીઓ (Superintending Engineers) ને પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ હેલીપૅડની સતત અને નિયમિત સમીક્ષા કરતા રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.
હેલીપૅડની ગુણવત્તા અને આનુષંગિક સુવિધાઓની જાળવણી
હેલીપૅડ માત્ર લેન્ડિંગ પ્લેટફોર્મ પૂરતું સીમિત નથી હોતું, પરંતુ તેની આસપાસની તમામ તકનીકી વ્યવસ્થાઓ ફ્લાઇટ સેફ્ટી માટે જરૂરી હોય છે. નવા પરિપત્ર મુજબ, હેલીપૅડની સપાટી (Surface), પેવમેન્ટ (Pavement), પેઇન્ટેડ માર્કિંગ્સ (જેમ કે ‘H’ સિમ્બોલ અને બાઉન્ડ્રી લાઈન્સ), વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ વ્યવસ્થા અને હેલીપૅડ તરફ આવતા એપ્રોચ રોડ સહિતની તમામ આનુષંગિક સુવિધાઓનું નિયમિતપણે સમારકામ અને જાળવણી કરવામાં આવશે.
ઘણી વખત એવું જોવા મળે છે કે ચોમાસા દરમિયાન ડ્રેનેજ લાઈન પૂરાઈ જવાથી કે સપાટી ધોવાઈ જવાથી હેલીપૅડનો ઉપયોગ જોખમી બની જતો હોય છે. પરંતુ હવે સતત મોનિટરિંગને કારણે આવી સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ શક્ય બનશે.
અનધિકૃત દબાણો અને અવરોધો તાત્કાલિક દૂર કરવા આદેશ
હેલિકોપ્ટરના સુરક્ષિત લેન્ડિંગ અને ટેક-ઓફ માટે હેલીપૅડ અને તેની આસપાસનો ક્લિયરન્સ ઝોન (Clearance Zone) સંપૂર્ણપણે અવરોધમુક્ત હોવો અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે કડક વલણ અપનાવ્યું છે. હેલીપૅડ પર કે તેની આસપાસના પરિસરમાં થતા કોઈપણ પ્રકારના અનધિકૃત દબાણો, ગેરકાયદેસર કાયમી કે અસ્થાયી બાંધકામો, બાંધકામ સામગ્રીનો સંગ્રહ, ખાનગી કે સરકારી વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ, કચરાના ઢગલા, ઝાડી-ઝાંખરાનું ઉગવું તેમજ સરકારી વિભાગો (જેમ કે પોલીસ કેઆરટીઓ) દ્વારા જપ્ત કરવામાં આવેલા બિન-વપરાશી કે ભંગાર વાહનો ખડકવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
જો આવી કોઈ પણ સામગ્રી કે અવરોધ હેલીપૅડ પરિસરમાં જોવા મળશે, તો સંબંધિત અધિકારીઓએ તેને તાત્કાલિક અસરથી દૂર કરવાનો રહેશે. આ માટે સ્થાનિક પ્રશાસન અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સતત કડક દેખરેખ રાખવામાં આવશે.
આપત્તિ વ્યવસ્થાપન અને VVIP મૂવમેન્ટ થશે વધુ સુદ્રઢ
ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરિયાકાંઠાના વાવાઝોડા, અતિવૃષ્ટિ કે પૂર જેવી કુદરતી આપત્તિઓ સમયે એર-લિફ્ટિંગ અને એર-ડ્રોપિંગ (આકાશી રાહત સામગ્રી પહોંચાડવી) માટે હેલિકોપ્ટરનો વ્યાપક ઉપયોગ થાય છે. આ ઉપરાંત, દર્દીઓને તાત્કાલિક ધોરણે એર અંબ્યુલન્સ મારફતે મોટા શહેરોની હોસ્પિટલમાં પહોંચાડવા માટે પણ હેલીપૅડની સુસજ્જતા મહત્વની સાબિત થાય છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના રાજ્યવ્યાપી પ્રવાસો દરમિયાન પણ સુરક્ષા અને સમયના સંચાલન માટે હેલીપૅડ સજ્જ હોવા જરૂરી છે.
Gujarat સરકારના આ પ્રશંસનીય અને દૂરંદેશી પગલાથી રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથકે આવેલા હેલીપૅડ હવે ચોવીસેય કલાક અને બારેય મહિના હંમેશા સંપૂર્ણપણે સજ્જ અને સુરક્ષિત સ્થિતિમાં રહેશે. આ નિર્ણયથી કટોકટીના સમયે થતી રાહત-બચાવ કામગીરી વધુ ઝડપી, સુદ્રઢ અને સુરક્ષિત બનશે.
