ભારત સામેની મેચમાં આક્રમક વલણ દાખવવું પાકિસ્તાની કેપ્ટનને પડ્યું મોંઘું: ICCએ ફાતિમા સના પર લીધા આકરા પગલાં
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) મહિલા એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચમાં એક વિવાદ સામે આવ્યો છે. ભારતીય વિસ્ફોટક ઓપનર બેટ્સમેન શેફાલી વર્માને આઉટ કર્યા બાદ પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ફાતિમા સનાએ જે આક્રમક ઈશારો (Send-off) કર્યો હતો, તેના કારણે તેણે મોટો દંડ ભોગવવો પડ્યો છે. મેદાન પર રમતગમતની ભાવના અને ખેલાડીઓ માટેના આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આકરી કાર્યવાહી કરી છે.
દુબઈ ખાતે રમાયેલી આ મેચમાં પાકિસ્તાની કેપ્ટનના વર્તનને લઈને કડક વલણ અપનાવતા ICC એ તેને મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે. આ સાથે જ તેના સત્તાવાર શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરી દેવામાં આવ્યો છે.

શેફાલી વર્માની વિકેટ લીધા બાદ પેવેલિયન તરફ ઈશારો કરવો પડ્યો ભારે
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ દરમિયાન આ ઘટના બની હતી. ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલી શેફાલી વર્માએ હંમેશની જેમ આક્રમક અંદાજમાં ચોગ્ગા-છગ્ગા ફટકારીને રન બનાવવાનું શરૂ કર્યું હતું. જોકે, પાકિસ્તાની બોલર અને કેપ્ટન ફાતિમા સનાની ઓવરના છઠ્ઠા બોલ પર શેફાલીએ સામે તરફ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ બોલ સીધો ફાતિમાના હાથમાં ગયો અને તેણે સરળ કેચ ઝડપી લીધો હતો.
શેફાલીને આઉટ કર્યા બાદ ખુશીમાં અંધ બનેલી ફાતિમા સનાએ બેટ્સમેન તરફ જોઈને પેવેલિયન તરફ પાછા જવાનો ઉશ્કેરણીજનક ઈશારો કર્યો હતો. ICC એ આ વર્તનને પોતાની આચારસંહિતાની કલમ 2.5 નું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ નિયમ અનુસાર, કોઈ પણ ખેલાડી એવા શબ્દો, હાવભાવ કે ક્રિયાઓ કરી શકતો નથી જે આઉટ થયેલા બેટ્સમેનને અપમાનિત કરે અથવા તેનામાં આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરે.
મેચ રેફરી સુપ્રિયા દાસ દ્વારા આ ગુના માટે લેવલ-1 ના ઉલ્લંઘન હેઠળ દંડનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને ફાતિમા સનાએ પોતાની ભૂલ સ્વીકારીને ગ્રાહ્ય રાખ્યો હતો. ગુનો અને દંડ સ્વીકારી લેવાને કારણે આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી ન હતી. નિયમ મુજબ લેવલ-1 ના આચારસંહિતા ભંગ બદલ ખેલાડીને સત્તાવાર ઠપકો આપવાથી લઈને તેની 50 ટકા સુધીની મેચ ફી કાપવાની અને 1 કે 2 ડિમેરિટ પોઈન્ટ આપવાની જોગવાઈ હોય છે.
ફાતિમાના ખાતામાં ડિમેરિટ પોઈન્ટની સંખ્યા વધીને બે થઈ
છેલ્લા 24 મહિનાના ગાળામાં પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના દ્વારા શિસ્તભંગનો આ બીજો ગુનો છે. આ પહેલાં તેને 6 ઓગસ્ટ, 2025 ના રોજ ડબલિન ખાતે આયર્લેન્ડ સામે રમાયેલી T20I મેચ દરમિયાન ICC આચારસંહિતાનો ભંગ કરવા બદલ પ્રથમ ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. ભારત સામે મળેલા આ નવા ડિમેરિટ પોઈન્ટ સાથે હવે તેના ખાતામાં કુલ બે ડિમેરિટ પોઈન્ટ નોંધાઈ ચૂક્યા છે.
Fatima Sana has been sanctioned following an incident in Pakistan’s Asia Cup contest against India.https://t.co/QfFS6ezNJT
— ICC (@ICC) September 7, 2026
રસપ્રદ વાત એ છે કે ભારત સામેની આ મેચમાં પાકિસ્તાનની સમગ્ર ટીમનું પ્રદર્શન અત્યંત શરમનાક રહ્યું હતું. ભારતીય બોલરો સામે પાકિસ્તાની ટીમ કડડભૂસ થઈ ગઈ હતી અને આખી ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, વ્યક્તિગત રીતે બોલિંગમાં ફાતિમા સનાનું પ્રદર્શન સારું રહ્યું હતું; તેણે ભારતીય ઇનિંગ્સની શરૂઆતમાં જ શેફાલી વર્માને આઉટ કરીને ભારતને પ્રથમ ઝાટકો આપ્યો હતો અને મેચમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. પરંતુ રમત દરમિયાન પોતાના ગુસ્સા અને આક્રમકતા પર કાબૂ ન રાખી શકવાના કારણે તેને આ સફળતાનો મોટો દંડ ચૂકવવો પડ્યો છે.
હવે સેમિફાઇનલની રેસ માટે હોંગકોંગ સામેનો પડકાર
ભારત સામેની કારમી હાર અને ICC ના દંડ બાદ હવે પાકિસ્તાની ટીમ પાસે સંભાળવા માટે બહુ ઓછો સમય બચ્યો છે. ટૂર્નામેન્ટની તેમની આગામી મેચ 7 સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ સામે રમાવાની છે.
પાકિસ્તાન માટે આ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ છે. જો પાકિસ્તાન હોંગકોંગ સામે વિજય મેળવવામાં સફળ રહે છે, તો જ તે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત, જો પાકિસ્તાન સેમિફાઇનલમાં ક્વોલિફાય થાય છે, તો મહિલા એશિયા કપની આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર હાઇ-વોલ્ટેજ ટક્કર જોવા મળી શકે છે. જોકે, કેપ્ટન ફાતિમા સનાએ હવે પછીની મેચોમાં મેદાન પર પોતાના વર્તનને લઈને વધુ સાવચેત રહેવું પડશે, કારણ કે વધુ એક ડિમેરિટ પોઈન્ટ તેને આગામી મેચોમાંથી સસ્પેન્ડ પણ કરાવી શકે છે.
