અમદાવાદના જમાલપુર બ્રિજ પર યુવતીએ ભર્યું મોટું પગલું, પછી હોર્ડિંગના ૧ ફોનથી સર્જાયો ચમત્કાર!
ક્યારેક જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર માત્ર એક ફોનકોલ જેટલું હોય છે. કોઈ અજાણી વ્યક્તિના શબ્દોમાં રહેલી હૂંફ, કોઈની ધીરજપૂર્વક સાંભળેલી વાત કે યોગ્ય સમયે મળેલી મદદ કોઈ વ્યક્તિનું આખું જીવન બદલી નાખે છે. આવી જ માનવતાની હૂંફ અને જીવન જીવવાની નવી આશા ગુજરાત સરકારની ‘જીવન આસ્થા સુસાઇડ પ્રિવેન્શન એન્ડ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન’ પૂરી પાડી રહી છે.
ગુજરાત સરકારના પ્રજાકલ્યાણલક્ષી અભિગમ અને ગૃહ વિભાગના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે ‘સુરક્ષા સેતુ પ્રોજેક્ટ’ અંતર્ગત શરૂ કરેલી આ હેલ્પલાઇન આજે માત્ર એક ટેલિફોન નંબર નથી રહી, પરંતુ માનસિક તણાવ, હતાશા અને જીવન પ્રત્યે નિરાશા અનુભવતા નાગરિકો માટે વિશ્વાસ અને આશરાનો એક મજબૂત આધાર બની છે.

૧૧ વર્ષની વણથંભી સેવા અને 24 કલાકનો સાથ
૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૫ (વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ) ના રોજ શરૂ થયેલી ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન છેલ્લા ૧૧ વર્ષથી રાજ્યના નાગરિકોની સેવામા સતત કાર્યરત છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક, ગાંધીનગર દ્વારા સંચાલિત આ સેવા દિવસ-રાત, અઠવાડિયાના સાતેય દિવસ (24×7) સંપૂર્ણપણે નિઃશુલ્ક અને ગોપનીય રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
અહીં આવતો દરેક કોલ માત્ર એક ટેલિફોનિક સંવાદ નથી હોતો, પરંતુ એક વ્યક્તિની વ્યથા, એક આખા પરિવારની ચિંતા અને ઘણી વખત એક અમૂલ્ય માનવજીવનને બચાવવાની છેલ્લી તક હોય છે.
માત્ર કાઉન્સેલિંગ નહીં, પણ સ્થળ પર ત્વરિત રેસ્ક્યૂ!
‘જીવન આસ્થા’ની સૌથી મોટી સફળતા એ છે કે તે માત્ર ફોન પર સલાહ કે કાઉન્સેલિંગ આપવા પૂરતી સીમિત નથી. જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર માનસિક સંકટમાં હોય કે પોતાનો જીવ જોખમમાં મૂકવા જઈ રહી હોય, ત્યારે કાઉન્સેલર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધીને સ્થળ પર મદદ પહોંચાડે છે. એક તરફ ફોન પર કાઉન્સિલર સંવેદનશીલ સંવાદ જાળવી રાખીને વ્યક્તિને શાંત રાખે છે, તો બીજી તરફ જમીન પર પોલીસની ટીમ પહોંચીને જીવન બચાવવાની કામગીરી શરૂ કરી દે છે.
આ સિસ્ટમના આંકડા જ તેની સફળતાની સાક્ષી પૂરે છે:
વર્ષ ૨૦૨૫: ૧૮,૦૦૦ થી વધુ કોલ્સ પ્રાપ્ત થયા હતા.
વર્ષ ૨૦૨૬ (અત્યાર સુધી): ૧૯,૫૨૬ કોલ્સ જીવન આસ્થા સુધી પહોંચ્યા છે.
ત્વરિત રેસ્ક્યૂ: વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજરાત પોલીસ અને જીવન આસ્થાની સંયુક્ત ટીમોએ આશરે ૪૦ અત્યંત ગંભીર અને કટોકટીના કિસ્સાઓમાં સ્થળ પર પહોંચીને નાગરિકોના અમૂલ્ય જીવ બચાવ્યા છે.

જમાલપુર બ્રિજ પર હોર્ડિંગ બન્યું સંજીવની
અમદાવાદના જમાલપુર બ્રિજ પર બનેલો એક પ્રસંગ જીવન આસ્થાની સંવેદનશીલ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. બપોરના ૧૨:૦૬ વાગ્યે ગાંધીનગર હેલ્પલાઇન પર ચાંદખેડાની ૨૭ વર્ષીય એક યુવતીનો ફોન આવ્યો. ગંભીર પારિવારિક અને માનસિક તણાવથી કંટાળેલી આ યુવતી આત્મહત્યા કરવાના ઈરાદાથી જમાલપુર બ્રિજ પર પહોંચી ગઈ હતી.
પોતાનું જીવન ટૂંકાવવાના વિચારો વચ્ચે રસ્તા પર લગાવેલા ગુજરાત સરકારના જીવન આસ્થા હેલ્પલાઇનના હોર્ડિંગ પર તેની નજર પડી. એ ક્ષણે એ હોર્ડિંગ તે યુવતી માટે જીવન તરફ પાછા ફરવાનો એક સંકેત બની ગયું અને તેણે તરત જ હેલ્પલાઇન નંબર ડાયલ કર્યો. કાઉન્સેલરે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંપર્ક કર્યો. પોલીસ ટીમ સમયસર સ્થળ પર પહોંચી ગઈ અને સમજાવટથી યુવતીને સલામત રીતે બચાવી લેવાઈ. એક ફોનકોલે નિરાશાની ક્ષણને આશામાં બદલી નાખી.
ઝુંડાલ કેનાલ પર બે બાળકો માટે માતાને મળ્યું જીવનનું કારણ
બીજો એક હૃદયસ્પર્શી પ્રસંગ ઝુંડાલ કેનાલનો છે. મોડી રાત્રે શારીરિક અને માનસિક ત્રાસથી વ્યથિત એક મહિલા, જે પોતે એક દિવ્યાંગ બાળકની માતા પણ હતી, તે આત્મહત્યા કરવા માટે કેનાલ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ અંતિમ ઘડીએ તેણે જીવન આસ્થા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો.
કંટ્રોલ રૂમે ત્વરિત કૌન્સેલર સાથે વાત કરાવી. કાઉન્સેલરે સતત વાતોમાં પરોવી રાખીને મહિલાને કેનાલથી દૂર રહેવા પ્રેરિત કરી. આ સાથે જ નજીકની પીસીઆર વાનને સ્થળ પર રવાના કરવામાં આવી. શબ્દોની હૂંફ અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે તે મહિલાને સહીસલામત બચાવી લેવામાં આવી. તેની સાથે તેના બે નિર્દોષ બાળકોનું ભવિષ્ય પણ અંધકારમાં જતાં બચી ગયું.
મદદ માટે હંમેશા એક રસ્તો ખુલ્લો છે: ૧૮૦૦-૨૩૩-૩૩૩૦
માનસિક તણાવ કે જીવન પ્રત્યેની નિરાશા એ કોઈ વ્યક્તિની નબળાઈ નથી. આવા મુશ્કેલ સમયે વ્યક્તિને સલાહ આપવા કરતાં પહેલાં તેને ધીરજથી સાંભળવાની, ચુકાદો આપવાને બદલે તેને સમજવાની અને એકલતા દૂર કરીને સાથ આપવાની જરૂર હોય છે.
ગુજરાત સરકારની નિઃશુલ્ક ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન નંબર: ૧૮૦૦-૨૩૩-૩૩૩૦ (1800-233-3330) ૨૪ કલાક પ્રજાની સેવામાં ઉપલબ્ધ છે. મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, પણ મદદ માટે એક રસ્તો હંમેશા ખુલ્લો હોય છે. જરૂરિયાતની ક્ષણે આ નંબર પર કોલ કરવો એટલે નિરાશાના અંધકારમાં આશાનો હાથ પકડવો.
