25 ડિસેમ્બરે થશે સન્માન: ગુજરાતના ઉત્કૃષ્ટ અધિકારીઓને મળશે ‘અટલ સુશાસન પુરસ્કાર’
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ, પારદર્શી અને નાગરિકકેન્દ્રિત બનાવવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને અધિકારીઓને બિરદાવવા માટે ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત પ્રજાકીય સેવાઓ સાથે સીધા જોડાયેલા મહત્વના ૭ વિભાગોના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ દર વર્ષે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને જાહેર સન્માનિત કરવામાં આવશે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી શરૂ થતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી અધિકારીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરવાની તંદુરસ્ત સ્પર્ધાત્મકતા કેળવવાનો અને રાજ્યમાં સુશાસન (Good Governance)ના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવવાનો છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ યોજનાની આધારશિલા મૂકવામાં આવી છે.
યાગનાનું માળખું અને પુરસ્કારની રકમ
‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના હેઠળ વહીવટી તંત્રના બે મુખ્ય સ્તરના અધિકારીઓને આવરી લેવામાં આવ્યા છે. સરકારે સંવર્ગ મુજબ પુરસ્કારની રકમ અને સન્માન પત્ર નિર્ધારિત કર્યા છે:
વર્ગ-૧ (Class-1) ના અધિકારીઓ: ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વર્ગ-૧ના દરેક વિજેતા અધિકારીને રૂ. ૩૧,૦૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવશે.
વર્ગ-૨ (Class-2) ના અધિકારીઓ: ઉત્કૃષ્ટ સેવા આપનાર વર્ગ-૨ના દરેક વિજેતા અધિકારીને રૂ. ૨૧,૦૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવશે.
રોકડ પુરસ્કાર ઉપરાંત તમામ વિજેતાઓને ‘Certificate of Excellence – Atal Good Governance Award’ પ્રદાન કરવામાં આવશે. આ પ્રમાણપત્ર અધિકારીની નિષ્ઠા, લોકસેવા પ્રત્યેની સમર્પિતતા અને વહીવટી સુધારણામાં તેમના વિશેષ યોગદાનની સત્તાવાર ઓળખ બનશે.
પ્રજા સાથે સીધા જોડાયેલા ૭ મુખ્ય વિભાગોનો સમાવેશ
આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ગ્રામીણ, તાલુકા અને જિલ્લા કક્ષાએ સામાન્ય નાગરિકો સાથે સીધો સંપર્ક ધરાવતા ૭ મહત્વના વિભાગોને જ આવરી લેવામાં આવ્યા છે. આ વિભાગો અને પુરસ્કાર માટે પાત્ર અધિકારીઓની વિગતો નીચે મુજબ છે:
૧. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: જિલ્લા કક્ષાએ આરોગ્ય સેવાઓનું સુકાન સંભાળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO – વર્ગ-૧).
૨. શિક્ષણ વિભાગ: શિક્ષણના ક્ષેત્રમાં પાયાની સુધારણા લાવતા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO – વર્ગ-૧).
૩. માર્ગ અને મકાન વિભાગ: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસલક્ષી બાંધકામ સાથે સંકળાયેલા કાર્યપાલક ઇજનેર (Executive Engineer – વર્ગ-૧).
૪. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ: જાહર વિતરણ વ્યવસ્થા અને પુરવઠાનું સંચાલન કરતા જિલ્લા પુરવઠા અધિકારી (DSO – વર્ગ-૧).
૫. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ: યુવા કૌશલ્ય અને રમતગમતને પ્રોત્સાહન આપતા જિલ્લા રમતગમત અધિકારી (DSO – વર્ગ-૨).
૬. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ: તાલુકા સ્તરે ગ્રામીણ વિકાસની ધુરા સંભાળતા તાલુકા વિકાસ અધિકારી (TDO – વર્ગ-૨).
૭. મહેસૂલ વિભાગ: જમીન અને મહેસૂલી વહીવટમાં પ્રજા સાથે સતત સંપર્કમાં રહેતા મામલતદાર (વર્ગ-૨).

પારદર્શી અને તટસ્થ મૂલ્યાંકન પ્રક્રિયા
અધિકારીઓની પસંદગી સંપૂર્ણપણે તટસ્થ, ગુણવત્તાસભર અને પૂર્વ-નિર્ધારિત માપદંડોના આધારે થાય તે માટે રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ત્રિ-સ્તરીય મૂલ્યાંકન સમિતિઓની રચના કરવામાં આવી છે.
રાજ્ય કક્ષાની સમિતિ (ક્રમાંક ૧ થી ૫ ના વિભાગો માટે): સંબંધિત વિભાગના સચિવની અધ્યક્ષતામાં સમિતિ ગઠિત થશે, જેમાં ખાતાના વડા અને અધિક/સંયુક્ત સચિવનો સમાવેશ થશે.
જિલ્લા કક્ષાની સમિતિ (TDO અને મામલતદાર માટે): તાલુકા સ્તરના અધિકારીઓની મૂલ્યાંકન પ્રક્રિયા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં થશે, જેમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અને નિવાસી નાયબ કલેક્ટર (RAC) સભ્યો તરીકે રહેશે.
વિભાગીય કક્ષાની સમિતિ: પંચાયત અને મહેસૂલ વિભાગના વિભાગીય સ્તરે પણ અધિક મુખ્ય સચિવ અથવા અગ્ર સચિવની અધ્યક્ષતામાં આખરી આંકડાઓ ચકાસવામાં આવશે.
મૂલ્યાંકન બાદ શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને ગુણવત્તા આધારે ૧ થી ૩ ક્રમ આપવામાં આવશે.
સમયબદ્ધ અમલીકરણ અને સન્માન સમારોહ
સરકારે આ યોજના હેઠળ માત્ર પુરસ્કાર જાહેર કરવા પૂરતી મર્યાદા રાખી નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયા માટે એક કડક અને સમયબદ્ધ સમયપત્રક પણ જાહેર કર્યું છે:
મૂલ્યાંકન સમયગાળો: દર વર્ષે ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીની કામગીરી ધ્યાને લેવાશે.
મૂલ્યાંકન પૂર્ણ કરવાની તારીખ: સંબંધિત વિભાગોએ દર વર્ષે ૩૦ નવેમ્બર સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આખરી યાદી મોકલવી: ૧૦ ડિસેમ્બર પહેલા વિજેતાઓના નામનો હુકમ, ચેક અને પ્રમાણપત્ર સામાન્ય વહીવટી વિભાગ (GAD) ને સુપ્રત કરવાના રહેશે.
વિશેષ એવોર્ડ સમારોહ: દર વર્ષે ૨૫ ડિસેમ્બરે ‘સુશાસન દિવસ’ (Good Governance Day) ના રાજ્યકક્ષાના વિશેષ કાર્યક્રમમાં વિજેતા અધિકારીઓને મંચ પરથી આ પુરસ્કાર એનાયત કરી બિરૂદ આપવામાં આવશે.
આ પુરસ્કાર માટે થનારો તમામ ખર્ચ સંબંધિત વિભાગોના પોતાના બજેટ હેડ ‘૦૫૦૦ – એવોર્ડ્સ’ હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.
વહીવટી તંત્ર અને નાગરિક સેવાઓ પર સકારાત્મક અસર
‘અટલ સુશાસન પુરસ્કાર’ એ માત્ર એક નાણાકીય પ્રોત્સાહન કે સન્માન પત્ર નથી, પરંતુ સરકારી વહીવટમાં ઉત્કૃષ્ટતા લાવવા માટેનું એક સંસ્થાકીય માળખું છે. અત્યાર સુધી વહીવટી તંત્રમાં સારી કામગીરી ઘણીવાર આંતરિક નોંધ સુધી જ સીમિત રહી જતી હતી, પરંતુ આ યોજનાથી સરકારી અધિકારીઓની મહેનતને જાહેર સ્વીકૃતિ અને સત્તાવાર ઓળખ મળશે.
જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓમાં આ યોજનાના કારણે વધુ સારી સેવાઓ આપવાની અને પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવાની હરીફાઈ શરૂ થશે. અંતતઃ, આનો સીધો લાભ રાજ્યના સામાન્ય નાગરિકોને મળશે, કારણ કે સરકારી સેવાઓ વધુ સુલભ, ઝડપી અને પારદર્શી બનશે. રાજ્ય સરકારનું આ કદમ “સુશાસનથી સમૃદ્ધિ” તરફનું એક મજબૂત અને દિશાસૂચક પગલું સાબિત થશે.
