સ્વિગીના ગોડાઉનમાં વિખરાયેલા ચોખા અને લોટ પર ફરતા મળ્યા જીવતા ઉંદર અને વંદા, FDA એ લીધા કડક પગલાં!
મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ વહીવટ (FDA) વિભાગે આગામી તહેવારોની મોસમ પહેલાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે એક મોટું અને આક્રમક અભિયાન શરૂ કર્યું છે. આ કડક ઝુંબેશનું નેતૃત્વ FDA કમિશનર અને વરિષ્ઠ આઈએએસ અધિકારી તુકારામ મુંઢે કરી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ખાદ્ય સુરક્ષાના ગંભીર ઉલ્લંઘનો સામે આવતાં રાજ્યના પાટનગર મુંબઈમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન વેરહાઉસ સહિત કુલ 10 જેટલી પ્રખ્યાત ખાદ્ય સંસ્થાઓના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ દરોડા અને કાર્યવાહી માત્ર ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ સુધી જ સીમિત નથી રહી, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં ભેળસેળયુક્ત, અસ્વચ્છ અને અસુરક્ષિત ખાદ્યપદાર્થોના વેચાણ સામે જંગી ઝુંબેશ ચલાવવામાં આવી છે.

સ્વિગી ઇન્સ્ટામાર્ટના ડાર્ક સ્ટોરમાંથી ઉંદર અને વંદા મળી આવ્યા
દરોડા દરમિયાન સૌથી વધુ ચોંકાવનારી વિગતો સાઉથ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ સ્થિત મેસર્સ સ્વિન્સ્ટા ઈએનટી પ્રાઇવેટ લિમિટેડ (M/s Swinsta ENT Private Limited) માંથી સામે આવી છે, જે ‘સ્વિગી ઇન્સ્ટામાર્ટ’નો ડાર્ક સ્ટોર ચલાવે છે. તપાસ કરવા ગયેલા અધિકારીઓને અહીં ખાદ્ય પદાર્થો રાખવાની અને હેન્ડલ કરવાની જગ્યા પર જીવંત ઉંદરો મુક્તપણે ફરતા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત, 10 કિલોના ચોખાના અનેક કોથળાઓ ઉંદરોએ કોતરી ખાધા હતા, જેના કારણે દૂષિત ફ્લોર પર અનાજ વિખરાયેલું પડ્યું હતું. સ્ટોરેજ વિસ્તારમાંથી ઉંદરોના મળમૂત્ર પણ મળી આવ્યા હતા. એટલું જ નહીં, ગ્રાહકોને મોકલવામાં આવતા ખાદ્ય પદાર્થો પર મોટા પ્રમાણમાં વંદાઓનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. ફૂડ ટ્રોલીઓમાં જીવતી માખીઓ, રેફ્રિજરેશન યુનિટમાં મૃત કીડા-મકોડા, ધૂળ અને ગંદકીનો જમાવડો જોવા મળતા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ સ્ટોરનું લાયસન્સ તાત્કાલિક સ્થગિત કરી દેવાયું છે.
એમેઝોન વેરહાઉસ અને મુંબઈના પ્રખ્યાત આઉટલેટ્સ સામે પણ કડક પગલાં
અન્ન અને ઔષધ વહીવટ વિભાગે અન્ય મુખ્ય ખાદ્ય સંસ્થાઓ સામે પણ કડક હાથે કામ લીધું છે. કંદીવલીમાં એમેઝોન માટે કામ કરતા ‘મેસર્સ એક્યુલોજિક્સ સપ્લાય ચેઈન સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ’ (M/s Acculogicx Supply Chain Solutions Pvt Ltd) ના વેરહાઉસનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે. તપાસ દરમિયાન ત્યાં ડ્રેનેજ પાસે તૂટેલું ફ્લોરિંગ, ગંદુ પાણી, અને ખાદ્ય પદાર્થોની સાથે જ કેમિકલ્સનો સંગ્રહ કરવા જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.
આ ઉપરાંત મુંબઈની જાણીતી ખાદ્ય દુકાનો અને સ્વીટ માર્ટ્સ પણ આ કાર્યવાહીની ચપેટમાં આવ્યા છે. જેમાં મલાડનું ‘મેસર્સ સદગુરુ સ્વીટ્સ એન્ડ ફરસાણ માર્ટ’, મોહમ્મદ અલી રોડનું ‘મેસર્સ સુલેમાન ઉસ્માન મીઠાઈવાલા’, કંદીવલીનું ‘જૈન સ્વીટ એન્ડ ભેલપુરી હાઉસ’, ચેમ્બુરનું ‘નાઇસ એન્ટરપ્રાઇઝ’ તેમજ વર્સોવા સ્થિત ‘લખનૌવી કબાબ’ અને ‘ઝાયકા મુરાદાબાદી હોટેલ’ જેવી સંસ્થાઓ સામે હાઇજીન નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરાઈ છે.
સમગ્ર રાજ્યમાંથી ₹1.36 કરોડનો અસુરક્ષિત ખોરાક જપ્ત
તહેવારોની સીઝનમાં નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી મળે તે હેતુથી FDA દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ આશરે ₹1.36 કરોડની કિંમતનો ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે.
જપ્ત કરાયેલી સામગ્રીમાં મુખ્યત્વે માવો (ખોયા), પેંડા, બરફી, ઘી, તેલ, કાજુ, બદામ, કિસમિસ, ગોળ અને વિવિધ ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મીરાજમાંથી જ ₹6.53 લાખની કિંમતનો 1,868 કિલો હળદર પાવડરનો જથ્થો શંકાસ્પદ મળતાં જપ્ત કરવામાં આવ્યો છે.
ગુટખા, પાન મસાલા અને દૂધના દૂષિત જથ્થા પર પણ દરોડા
મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલાના ગેરકાયદેસર વેચાણ સામે પણ સરકારે આક્રમક વલણ અપનાવ્યું છે. નાગપુર વિભાગમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન FDA ના અધિકારીઓએ ₹4,10,782 ની કિંમતનો ગુટખા અને પાન મસાલા તથા તેનો પરિવહન માટે ઉપયોગ થતો ₹8 લાખની કિંમતના બે વાહનો જપ્ત કર્યા છે. આ કેસમાં 3 સંસ્થાઓની તપાસ કરીને 3 એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે અને 3 લોકોની ધરપકડ કરાઈ છે.

તેમજ, નાગપુરમાંથી જ ₹7.38 લાખની કિંમતનું 2,813 કિલો દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ જપ્ત કરાયા છે. સાથે જ સોપારી, નમકીન અને તાડીનો મોટા પ્રમાણમાં જથ્થો કબજે લેવામાં આવ્યો છે.
કોંકણ, પુણે અને મુંબઈના હોટેલ્સમાં સઘન તપાસ
કોંકણ ક્ષેત્રમાં તલાશી દરમિયાન મીરા રોડ નજીક કાશીમીરા ખાતેથી એક વાહનમાંથી અસ્વચ્છ વાતાવરણ અને તાપમાન નિયંત્રણ વગર લઈ જવાતો ₹3.16 લાખની કિંમતનો 479 કિલો ખોયા અને 958 કિલો સ્વીટ માવો જપ્ત કરાયો હતો. અન્ય એક વાહનમાં લઈ જવાતો ₹2.69 લાખનો માવો પણ અસુરક્ષિત જાહેર કરાયો છે. પાલઘરના ચારોટી ટોલ પ્લાઝા પાસેથી પણ ₹48,720 નો નબળી ગુણવત્તાનો માવો જપ્ત કરવામાં આવ્યો હતો.
પુણે વિભાગના સતારા (કરાડ) વિસ્તારમાંથી અસ્વચ્છ સ્થિતિમાં બનેલી ₹63,000 ની મીઠાઈ અને કોલ્હાપુરમાંથી લાયસન્સ વગરના સંગ્રહ બદલ માવો અને રબડી જપ્ત કરવામાં આવ્યા છે.
મુંબઈ શહેરમાં જ FDA અધિકારીઓએ 27 જેટલી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક તપાસ કરી હતી. જેમાંથી ખાદ્ય સુરક્ષાના ધારાધોરણો પૂરા ન કરવા બદલ 14 હોટેલોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા અને 13 અન્ય આઉટલેટ્સને સુધારા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
તુકારામ મુંઢેના આ કડક વલણથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ અને ગ્રાહકોની સુરક્ષા સાથે રમત રમતી મોટી ઓનલાઈન કંપનીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. FDA એ સ્પષ્ટ કર્યું છે કે આગામી તહેવારો દરમિયાન પણ આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ કે કંપનીને બક્ષવામાં આવશે નહીં.
