સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતની ગર્વભેર છલાંગ: 1 ઓક્ટોબરે અવકાશમાં લૉન્ચ થશે સ્વદેશી ‘તપસ-1’ કેમેરો
ભારતની ઝડપથી વિકસતી સ્પેસટેક ઇકોસિસ્ટમમાં ગુજરાતે એક નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદ સ્થિત ‘Satleo’ નામના સ્ટાર્ટઅપે ઘરઆંગણે તૈયાર કરેલો દેશનો પ્રથમ સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલૉડ—એટલે કે થર્મલ ઇન્ફ્રારેડ કેમેરો—1 ઓક્ટોબરે અમેરિકાથી સ્પેસએક્સના ‘ફાલ્કન 9’ રૉકેટ દ્વારા અવકાશમાં પ્રસ્થાન કરશે. આ ગર્વની બાબત સાથે ગુજરાતે સ્પેસટેક ક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યો છે.
‘તપસ-1’ કેમેરાની વિશેષતાઓ અને તેનું કાર્ય
આ અદભુત કેમેરાને ‘તપસ-1’ (TAPAS-1) નામ આપવામાં આવ્યું છે. પૃથ્વીથી લગભગ 500 કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણકક્ષામાં સ્થાપિત થનાર આ સેટેલાઇટ પેલૉડ સામાન્ય કેમેરાથી અલગ છે. સામાન્ય સેટેલાઇટ કેમેરા જે વસ્તુઓ કે દ્રશ્યો ન જોઈ શકે, તે પૃથ્વી પરની ગરમી અને તાપમાનના ફેરફારોને સ્પષ્ટપણે પકડી શકવામાં સક્ષમ છે.
માત્ર 3 કિલોગ્રામ વજન ધરાવતો આ કેમેરો પૃથ્વીની સપાટીમાંથી નીકળતા થર્મલ ઇન્ફ્રારેડ રેડિયેશનને કેપ્ચર કરશે. આ ડેટા દ્વારા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ અર્બન હીટ મેનેજમેન્ટ, કૃષિ અને પાણીનું સ્ટ્રેસ મોનિટરિંગ, ઔદ્યોગિક તેમજ આપદા સમયનું નિરીક્ષણ અને જંગલોમાં લાગતી આગ (ફોરેસ્ટ ફાયર) ની સમયસર ઓળખ કરી શકશે.
અનુભવી દિગ્ગજોની મહેનત અને માત્ર 12 મહિનામાં નિર્માણ
આ મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી પાછળ અમદાવાદના ત્રણ પ્રબુદ્ધ મગજોની મહેનત રહેલી છે. વર્ષ 2023માં શ્રવણસિંઘ ભાટી, ડૉ. રાનેન્દુ ઘોષ અને ઊર્મિલ બખાઈ દ્વારા આ સ્ટાર્ટઅપની શરૂઆત કરવામાં આવી હતી. કંપનીના CEO શ્રવણસિંઘ પાસે ઉપગ્રહ ઇનોવેશનનો 16 વર્ષથી વધુનો અનુભવ છે. જ્યારે ડૉ. રાનેન્દુ ઘોષે 27 વર્ષ સુધી ઇસ્રો (ISRO) માં કૃષિ અને માટી વિજ્ઞાનના સેટેલાઇટ પેલૉડ પર કામ કર્યું છે. ચીફ સ્ટ્રેટેજી ઓફિસર ઊર્મિલ બખાઈ પાસે કોર્પોરેટ ક્ષેત્રનો 22 વર્ષથી વધુનો અનુભવ છે.
આ ત્રણેયની આગેવાની હેઠળ માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં સંપૂર્ણપણે ગુજરાતની લેબમાં આ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાર્થક કરે છે.
વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિકારી ઉપયોગ અને ભવિષ્યની યોજનાઓ
આ ટેક્નોલોજી પૃથ્વી માટે એક ડિજિટલ થર્મોમીટર તરીકે કામ કરશે. તેના ઉપયોગથી ખેડૂતો પાકનું આયોજન વધુ સચોટ રીતે કરી શકશે, તો બીજી તરફ શહેરોમાં ગરમીના પ્રમાણને રિયલ-ટાઇમમાં ટ્રેક કરીને ‘અર્બન હીટ સ્ટ્રેસ’ સામે યોગ્ય આયોજન કરી શકાશે. ખાસ વાત એ છે કે આ ડેટા મેળવવા માટે કોઈ મોટું જમીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂર નથી, કારણ કે બધી માહિતી સીધી સેટેલાઇટથી જ ઉપલબ્ધ થશે.
આજની તારીખમાં Satleo પાસે 40 થી વધુ નિષ્ણાતોની ટીમ છે અને અત્યાર સુધીમાં કંપનીએ આશરે ₹60 કરોડનું ફંડિંગ મેળવ્યું છે. તપસ-1 આગામી 3 વર્ષ સુધી અવકાશની ભ્રમણકક્ષામાં રહીને સેવા આપશે. એટલું જ નહીં, કંપનીએ વર્ષ 2029 સુધીમાં આવા વધુ 8 સેટેલાઇટ લૉન્ચ કરવાનું ભવ્ય આયોજન કર્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ અને ગુજરાત સરકારની નીતિઓ
આ સ્ટાર્ટઅપની ક્ષમતા માત્ર દેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવાઈ છે. કંપની પાસે હાલમાં જ અંદાજે 52 મિલિયન ડૉલરના લેટર ઓફ ઇન્ટેન્ટ આવ્યા છે, જેમાંથી લગભગ 60 ટકા જેટલી કંપનીઓ વિદેશી છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને પણ આ સ્ટાર્ટઅપે શહેરમાં તાપમાનના મેપિંગ માટે સફળ પાયલટ પ્રોજેક્ટ કર્યો હતો.
ગુજરાત સરકારે સ્પેસટેક ક્ષેત્રના વિકાસ માટે વિશેષ ગુજરાત સ્પેસટેક પોલિસી (2025-30) અમલમાં મૂકી છે. આવી વિશિષ્ટ નીતિ જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ પોલિસી હેઠળ સ્ટાર્ટઅપ્સને લૉન્ચિંગ ખર્ચ માટે સહાય, IP રાઇટ્સ અને ટેસ્ટિંગ માટે સબસિડી જેવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતે સોફ્ટવેર એપ્લિકેશન્સથી આગળ વધીને સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને સ્પેસ જેવા અત્યાધુનિક હાર્ડવેર ક્ષેત્રોમાં પણ ઝંપલાવ્યું છે. ‘તપસ-1’નું આ સફળ પ્રક્ષેપણ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ સાબિત થશે.
