પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની તાતી જરૂરિયાત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને અન્નદાતાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ગાંધીનગર ખાતે એક ભવ્ય ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ’ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રાજ્યભરમાંથી આવેલા ૯૩ જેટલા તેજસ્વી અને પ્રગતિશીલ ખેડૂતોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની તાતી જરૂરિયાત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતો અને મહાનુભાવોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે “પહેલું સુખ તે જાતે નર્યા” અર્થાત્ શરીરનું સ્વાસ્થ્ય એ જ સૌથી મોટું ધન છે. આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેકને કારણે જમીન, પાણી અને પર્યાવરણ ગંભીર રીતે જોખમાઈ રહ્યા છે. માનવ સ્વાસ્થ્ય અને આપણી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની સૌથી મોટી માંગ છે.
ડેનમાર્કનું ઉદાહરણ આપતાં રાજ્યપાલએ સમજાવ્યું કે ત્યાં યુરિયા કે ડીએપી પર કોઈ સબસિડી અપાતી નથી, છતાં ગાયના છાણ-મૂત્રમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને જમીનનો કાર્બન રેશિયો ઉત્તમ રીતે જાળવી રખાયો છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરતા દરેક ખેડૂતને આગ્રહ કર્યો કે તેઓ ઓછામાં ઓછા એક નવા ખેડૂતને આ અભિયાન સાથે ચોક્કસ જોડે, જેથી આ યજ્ઞ વ્યાપક બને.

વિકાસનો અર્થ નાગરિકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં સુશાસન, વિકાસ, ટેકનોલોજી અને જનકલ્યાણને હંમેશાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વિકાસનો અર્થ માત્ર મોટી ઇમારતો કે માળખાકીય સુવિધાઓનું નિર્માણ નથી, પરંતુ સામાન્ય માનવીના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવવાનો છે.
વડાપ્રધાને આપેલા ‘જય અનુસંધાન’ના મંત્રને દોહરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે આજે પ્રાકૃતિક ખેતી, આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણના રક્ષણના ત્રિવેણી સંગમથી ગુજરાતના અન્નદાતાઓ આત્મનિર્ભર બની રહ્યા છે. જમીનનું સ્વાસ્થ્ય અને માનવ સ્વાસ્થ્ય એકબીજાના પૂરક છે, તેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને જળસંચય સાથે પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે.
૧૦૦ નવા વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ અને ઇસ્રો (ISRO) સાથે મહત્વપૂર્ણ કરાર
કાર્યક્રમ દરમિયાન ખેડૂતો દ્વારા ઉત્પાદિત શુદ્ધ પ્રાકૃતિક પેદાશો ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે રાજ્યમાં વધુ ૧૦૦ નવા વેચાણ કેન્દ્રો ખુલ્લાં મૂકવામાં આવ્યા હતા, જેથી કુલ કેન્દ્રોની સંખ્યા વધીને ૧,૨૦૦ પર પહોંચી છે. આ વેચાણ કેન્દ્રો માત્ર ખરીદ-વેચાણના સ્થળો નહીં પરંતુ ગ્રાહકોના વિશ્વાસના પ્રતિક બનવા જોઈએ તેવો મત વ્યક્ત કરાયો હતો.

આ ઉપરાંત, કૃષિ ક્ષેત્રે આધુનિક સેટેલાઇટ અને જિયો-સ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ‘ખેતી નિયામકની કચેરી’ અને ‘સાસ-ઇસ્રો (SAC-ISRO)’ વચ્ચે એક ઐતિહાસિક એમ.ઓ.યુ. (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાથે જ, કૃષિ ક્ષેત્રની સેવાઓને વેગ આપવા નવનિયુક્ત ૧૪ મદદનીશ ખેતી નિયામકોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા અને કૃષિ વિભાગના વિવિધ ઉપયોગી પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
કૃષિ મંત્રીનું આહ્વાન અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે અભિનંદન
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે શિક્ષિત યુવાનો પણ ઉત્સાહભેર પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેમણે ખેડૂતોને સરકારના સાચા ‘બ્રાન્ડ એમ્બેસેડર’ ગણાવીને દરેક ખેડૂતને બીજા પાંચ ખેડૂતોને આ પદ્ધતિથી જોડવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે ઉત્તરાખંડ બાદ ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળવા બદલ સમગ્ર જનતા તરફથી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
