૫ લાખ રૂપિયાનું ઈમરજન્સી ફંડ કેવી રીતે વહેંચવું? નાણાકીય સુરક્ષા અને સ્માર્ટ બચતની ચાવી
જીવનમાં ક્યારે કઈ મુશ્કેલી આવી પડે તે કહી શકાતું નથી. અચાનક નોકરી જતી રહે, પરિવારમાં કોઈ સભ્યની તબિયત લથડતાં તબીબી ઈમરજન્સી આવી પડે કે પછી ઘરમાં કોઈ મોટો અણધાર્યો ખર્ચ સામે આવીને ઊભો રહી જાય, ત્યારે આવી સ્થિતિમાં સૌથી વધુ જરૂરિયાત એવા પૈસાની હોય છે જેને કોઈ પણ ઝંઝટ વગર તરત જ વાપરી શકાય. આ જ મુખ્ય કારણ છે કે દરેક વ્યક્તિ માટે એક મજબૂત ‘ઈમરજન્સી ફંડ’ બનાવવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

પરંતુ, જો તમારી પાસે ૫ લાખ રૂપિયાનું ઈમરજન્સી ફંડ અથવા બચત હોય, તો તેને ક્યાં રાખવું વધુ યોગ્ય ગણાશે? સામાન્ય બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં, ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં કે પછી લિક્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં? યોગ્ય વિકલ્પ પસંદ કરતા પહેલા આ ત્રણેય માધ્યમોના ફાયદા અને તેની મર્યાદાઓ સમજવી ખૂબ જ જરૂરી છે.
બેંક સેવિંગ્સ એકાઉન્ટ: ત્વરિત લિક્વિડિટી પણ મર્યાદિત વળતર
ઈમરજન્સી ફંડનો એક ચોક્કસ ભાગ બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં રાખવો હંમેશા ઉપયોગી સાબિત થાય છે. આ વિકલ્પનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અડધી રાત્રે પણ જો પૈસાની જરૂર પડે, તો તમે એટીએમ (ATM) કે યુપીઆઈ (UPI) દ્વારા ક્ષણભરમાં પૈસા ઉપાડી કે ટ્રાન્સફર કરી શકો છો. અચાનક હોસ્પિટલનું બિલ ચૂકવવાનું હોય કે કોઈ અત્યંત જરૂરી રોકડ ચુકવણી કરવાની હોય, તો તમારે તમારું રોકાણ વટાવવાની કે રાહ જોવાની જરૂર પડતી નથી.
આ ફાયદાની સાથે તેની એક મર્યાદા પણ છે. સામાન્ય રીતે સેવિંગ્સ એકાઉન્ટ પર બેંકો દ્વારા આપવામાં આવતું વ્યાજ ખૂબ જ ઓછું હોય છે. તેથી જો તમે તમારી આખી ૫ લાખ રૂપિયાની રકમ માત્ર બચત ખાતામાં જ રાખી મુકશો, તો ફુગાવા સામે વધુ સારો રિટર્ન મેળવવાની તકો ખૂબ મર્યાદિત થઈ જશે.
ફિક્સ્ડ ડિપોઝિટ (FD): નિશ્ચિત વ્યાજ પરંતુ સમય પહેલાં ઉપાડ પર પેનલ્ટી
બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એવા લોકો માટે શ્રેષ્ઠ અને સુરક્ષિત વિકલ્પ છે જેઓ પોતાની જમા રકમ પર પહેલેથી જ નક્કી થયેલું ચોક્કસ વ્યાજ મેળવવા માંગે છે. એફડીનો વ્યાજ દર અલગ-અલગ બેંકો અને જમા કરાવવાના સમયગાળા (ટેન્યોર) મુજબ અલગ-અલગ હોય છે. તે સલામત રોકાણ ગણાય છે.
આ છતાં, ઈમરજન્સી ફંડ તરીકે એફડી પસંદ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો તમને અચાનક પૈસાની જરૂર પડે અને તમે મેચ્યોરિટી (પાકતી મુદત) પહેલાં એફડી તોડો છો, તો બેંક તમારી પાસે થી પેનલ્ટી વસૂલે છે અથવા વ્યાજનો દર ઘટાડી દે છે. આ સિવાય ઘણીવાર પૂરેપૂરી એફડી કેન્સલ કરવી પડે છે. તેથી, આખી ઈમરજન્સી રકમ લાંબા ગાળાની એક જ એફડીમાં રોકી દેવી એ વ્યવહારુ નિર્ણય નથી.
લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ: વધુ વળતરની શક્યતા પણ થોડું જોખમ
લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સ મુખ્યત્વે ખૂબ જ ટૂંકા ગાળાના ડેટ (Debt) અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં નાણાંનું રોકાણ કરે છે. આ ફંડ્સમાં રહેલા પૈસાને જરૂર પડે ત્યારે ઝડપથી ઉપાડી શકાય છે. સામાન્ય રીતે વિથડ્રોઅલની વિનંતી કર્યા પછી ૧ થી ૨ કામકાજના દિવસોમાં પૈસા તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે.

લિક્વિડ ફંડ્સનું વળતર બેંક સેવિંગ્સ એકાઉન્ટ કરતાં સારું હોઈ શકે છે, પરંતુ તે સહેજ બજારના જોખમો સાથે જોડાયેલું હોય છે. આમાં વળતરની કોઈ ગેરંટી હોતી નથી. આથી જ લિક્વિડ ફંડ્સને ૧૦૦% જોખમ-મુક્ત વિકલ્પ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ.
૫ લાખ રૂપિયાનું આદર્શ વિભાજન કેવી રીતે કરી શકાય?
બેંકબજાર (BankBazaar) ના સીઈઓ અધિલ શેટ્ટીના સૂચન અને નાણાકીય નિષ્ણાતોની સલાહ મુજબ, ૫ લાખ રૂપિયાના ઈમરજન્સી ફંડને જોખમ અને જરૂરિયાત અનુસાર ત્રણ અલગ-અલગ ભાગોમાં વહેંચી શકાય છે:
૧ લાખ રૂપિયા – સેવિંગ્સ એકાઉન્ટમાં: આ રકમ તમારા ખાતામાં તરત જ ઉપલબ્ધ રહેશે, જેથી કોઈપણ અચાનક આવી પડેલી તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળાય.
૨ લાખ રૂપિયા – ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં: આ રકમ સુરક્ષિત રહેશે અને તમને નક્કી કરેલા દર મુજબ સુનિશ્ચિત વ્યાજ પણ આપતી રહેશે. તમે તેને નાની-નાની એફડીમાં પણ વહેંચી શકો છો.
૨ લાખ રૂપિયા – લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં: આ ભાગથી તમને બેંક કરતાં વધુ સારું વળતર મળવાની શક્યતા રહેશે અને થોડા સમયગાળાની નોટિસ પર પૈસા પાછા મેળવવાનો વિકલ્પ પણ મળશે.
નોંધ: આ વહેંચણી એક આદર્શ ઉદાહરણ માત્ર છે. દરેક વ્યક્તિ માટે આ જ પ્રમાણ હોવું જરૂરી નથી. યોગ્ય ગુણોત્તર તમારી માસિક જરૂરિયાતો, તમારી નોકરી કે વ્યવસાયની સ્થિરતા અને તમારી જોખમ લેવાની ક્ષમતા પર નિર્ભર કરે છે.
સૌથી વધુ વળતર નહીં, નાણાંની સુરક્ષા અને સરળ ઉપાડ જ પ્રાથમિકતા
ઈમરજન્સી ફંડ બનાવવાનો મુખ્ય હેતુ મહત્તમ નફો કે રિટર્ન કમાવાનો નથી, પરંતુ મુશ્કેલ સમયમાં આર્થિક ટેકો અને માનસિક શાંતિ આપવાનો છે. તેથી, તમારા ઈમરજન્સી ફંડનું રોકાણ કરતી વખતે નીચેની ત્રણ બાબતોને હંમેશા પ્રાથમિકતા આપવી જોઈએ:
૧. પૈસાની તાત્કાલિક ઉપલબ્ધતા (Liquidity)
૨. મુળ રકમની સુરક્ષા (Safety)
૩. પૈસા ઉપાડવા માટેની સરળ શરતો (Flexibility)
આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, તમારી વ્યક્તિગત સ્થિતિ અનુસાર સેવિંગ્સ એકાઉન્ટ, એફડી અને લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડનો એક સંતુલિત અને સ્માર્ટ ઉપયોગ કરવો એ જ નાણાકીય આયોજનની સાચી ચાવી છે.
