મુંબઈ ઈન્ડિયન્સનો આગામી કેપ્ટન કોણ બનશે? દિનેશ કાર્તિકે રોહિત શર્માનું સમર્થન કરતા આપ્યું મોટું નિવેદન
આઈપીએલ (IPL) ની સૌથી સફળ અને લોકપ્રિય ફ્રેન્ચાઇઝી પૈકીની એક એવી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આગામી સિઝન પહેલા ટીમની કેપ્ટનશીપ કોના હાથમાં જશે તેને લઈને ક્રિકેટ જગતમાં અત્યારથી જ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. ભલે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ હજુ સુધી સત્તાવાર રીતે ટીમ છોડી નથી, પરંતુ ક્રિકેટ વર્તુળોમાં એવી પ્રબળ અટકળો ચાલી રહી છે કે IPL 2027 ની હરાજી અગાઉ તેમને અન્ય કોઈ ફ્રેન્ચાઇઝીમાં ટ્રેડ કરવામાં આવી શકે છે.
આ બધા ઘટનાક્રમ વચ્ચે ટીમ ઇન્ડિયાના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે એક મોટું નિવેદન આપતા પૂર્વ કેપ્ટન રોહિત શર્માને ફરીથી મુંબઈ ઈન્ડિયન્સના નેતૃત્વ તરીકે જોવાના પોતાના સમર્થનની જાહેરાત કરી છે.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અને ટીમનું પ્રદર્શન
વર્ષ ૨૦૨૪ ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે મોટો નિર્ણય લેતા પાંચ વખત આઈપીએલ ટાઇટલ જીતાડનાર રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવીને ગુજરાત ટાઇટન્સ પાસેથી ટ્રેડ કરીને આવેલા હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. હાર્દિકે અગાઉ પોતાની આગેવાનીમાં ગુજરાતને પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનાવ્યું હતું અને બીજા વર્ષે ફાઇનલ સુધી પહોંચાડ્યું હતું.

પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ કારગર સાબિત થઈ શકી નહીં. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન (૨૦૨૪ થી ૨૦૨૬ ની સિઝન સુધી) મુંબઈની ટીમ બે વખત પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. આ ખરાબ પ્રદર્શન અને મેદાન પર તેમજ ડ્રેસિંગ રૂમમાં સર્જાયેલા તણાવના કારણે ફ્રેન્ચાઇઝી હવે નવા વિકલ્પોની શોધમાં હોવાનું માનવામાં આવે છે.
શું હાર્દિક પંડ્યા હવે માત્ર IPL જ રમી શકશે?
દિનેશ કાર્તિકે રોહિત શર્માને કેપ્ટન બનાવવાનું કેમ સમર્થન આપ્યું?
તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન વાતચીત કરતા દિનેશ કાર્તિકે મુંબઈ ઈન્ડિયન્સની આગામી રણનીતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “મને પૂરો વિશ્વાસ છે કે તેઓ એક નવા અને યોગ્ય કેપ્ટનની શોધમાં છે અને ફ્રેન્ચાઇઝીએ યોગ્ય સમયે આ અંગે જાહેરાત કરવી જોઈએ. પરંતુ સવાલ એ છે કે રોહિત શર્મા કેમ નહીં? તે આ લીગના સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે. જો રોહિત ઉપલબ્ધ છે, તો કમાન સંભાળવામાં કોઈ નુકસાન નથી.”
કાર્તિક, રોહિત શર્મા પાસે અદ્ભુત ક્ષમતા છે, તે એક ઉત્કૃષ્ટ નેતા છે અને ખેલાડીઓ કુદરતી રીતે જ તેની આગેવાની તરફ આકર્ષાય છે. તેથી રોહિત ફરીથી કેપ્ટન પદ સંભાળે તો તે ટીમ માટે શ્રેષ્ઠ પસંદગી સાબિત થઈ શકે છે.

કીરોન પોલાર્ડની નવી ભૂમિકા અને અન્ય દાવેદારો
મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં જ પોતાના દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. પોલાર્ડ અને હાર્દિક પંડ્યા વચ્ચે સારા સંબંધો રહ્યા છે, પરંતુ નવા કોચની આગમન સાથે ટીમમાં નવા સમીકરણો પણ રચાવાની શક્યતા છે.
કેપ્ટનશીપની આ રેસમાં રોહિત શર્મા ઉપરાંત યુવા બેટ્સમેન તિલક વર્માનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે. ફ્રેન્ચાઇઝી ભવિષ્યના યુવા નેતા તૈયાર કરવાના હેતુથી તિલક વર્મા પર પણ મોટો દાવ લગાવી શકે છે. જોકે, જ્યાં સુધી મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત સામે નથી આવતી, ત્યાં સુધી હાર્દિક પંડ્યાનું ટીમમાં રહેવું કે ન રહેવું અને આગામી કેપ્ટન કોણ બનશે તે અંગે અનેક તર્ક-વતર્ક લાગી રહ્યા છે. આગામી ઓક્શન પહેલા આ અંગે સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
