મોદી સરકારનો મોટો નિર્ણય: ઓનલાઈન ગેમિંગ પર કડક કાયદો, રિયલ મની ગેમ્સ થશે બંધ
લોકસભાએ ચોમાસુ સત્ર દરમિયાન કોઈપણ ચર્ચા વિના “પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025″ને પસાર કરી દીધું. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઈ-સ્પોર્ટ્સ અને કેઝ્યુઅલ ગેમિંગને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે અસલી પૈસાવાળી ગેમ્સ અને ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ લગાવવાનો છે.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું કે લોકો ઓનલાઈન મની ગેમિંગમાં પોતાની જીવનભરની કમાણી ગુમાવી રહ્યા છે. સરકાર આ વ્યસન અને નાણાકીય નુકસાનને રોકવા માંગે છે. આ ઉપરાંત, ઘણા પ્લેટફોર્મનો ઉપયોગ મની લોન્ડરિંગ, આતંકી ફંડિંગ અને મેસેજિંગ ચેનલ તરીકે પણ કરવામાં આવે છે.

આ બિલ હેઠળ જો કોઈ વ્યક્તિ ઓનલાઈન મની ગેમિંગ ઉપલબ્ધ કરાવે છે અથવા તેને પ્રમોટ કરે છે, તો તેને 3 વર્ષ સુધીની જેલ અને/અથવા ₹1 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. સાથે જ આવી ગેમ્સની જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બેંકો તથા નાણાકીય સંસ્થાઓને તેનાથી સંબંધિત લેવડ-દેવડ રોકવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
કઈ ભારતીય એપ્સ પર થશે અસર?
ભારતનું ઓનલાઈન મની ગેમિંગ માર્કેટ 2029 સુધીમાં 3.6 અબજ ડોલરનું થવાનો અંદાજ છે. આ બિલની સૌથી વધુ અસર નીચેની કંપનીઓ પર પડશે:
- Dream11 – 8 અબજ ડોલરની કિંમત ધરાવતી આ એપ IPL સીઝનમાં સૌથી લોકપ્રિય હોય છે.
- Mobile Premier League (MPL) – 2.5 અબજ ડોલરની કિંમતવાળી કંપની.
- My11Circle અને Howzat – ફેન્ટેસી ક્રિકેટ ગેમ્સ.
- WinZO, Games24x7 (My11Circle, RummyCircle)
- Junglee Games (Rummy & Poker)
- PokerBaazi, GamesKraft (RummyCulture)
- Nazara Technologies (PokerBaaziમાં રોકાણકાર)

બિલની અસરથી નઝારા ટેકનોલોજીના શેર 13% સુધી ઘટી ગયા. જ્યારે, ડેલ્ટા કોર્પના શેર શરૂઆતમાં ઘટ્યા પણ અંતે લગભગ 1%ના વધારા સાથે બંધ થયા.
આ બિલ હવે રાજ્યસભા અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે. તેમાં ઇ-સ્પોર્ટ્સ, શૈક્ષણિક પ્લેટફોર્મ અને સોશિયલ ગેમ્સને રેગ્યુલેટ કરવા માટે એક સ્વતંત્ર રેગ્યુલેટર બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

