દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે બાંગ્લાદેશની ટેસ્ટ ટીમ જાહેર, 22 વર્ષના અનકેપ્ડ બેટ્સમેનને મળી મોટી તક!
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ માટે પોતાની 16 સભ્યોની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. બે મેચની આ ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં યુવા બેટર મહફુઝુલ ઇસ્લામને પ્રથમ વખત તક આપવામાં આવી છે. 22 વર્ષીય આ ખેલાડીએ સ્થાનિક ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ, અનુભવી બેટર મોહમ્મદ નઈમ શેખ પણ ચાર વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે.
આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિયમિત ઓપનર શાદમાન ઇસ્લામ ઈજાને કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે મોમિનુલ હક પણ કન્કશન પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ ટીમમાં પાછો ફર્યો છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં ખાલિદ અહેમદને સ્થાન મળ્યું છે. બાંગ્લાદેશ માટે આ પ્રવાસ દક્ષિણ આફ્રિકાની ધરતી પર પોતાની ક્ષમતા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક બની રહેશે.

મહફુઝુલ ઇસ્લામનું શાનદાર પ્રદર્શન, નઈમની પણ વાપસી
બાંગ્લાદેશની ટેસ્ટ ટીમમાં સૌથી વધુ ચર્ચા 22 વર્ષીય મહફુઝુલ ઇસ્લામના સમાવેશને લઈને થઈ રહી છે. તેણે સ્થાનિક ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનના આધારે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. હાલમાં રમાઈ રહેલી નેશનલ ક્રિકેટ લીગમાં મયમનસિંહ તરફથી રમતા મહફુઝુલે 10 ઇનિંગ્સમાં 74.67ની પ્રભાવશાળી સરેરાશથી 672 રન બનાવ્યા છે.
તેના આ પ્રદર્શનમાં ચટ્ટોગ્રામ સામે રમાયેલી 217 રનની અણનમ ઇનિંગ પણ સામેલ છે. આ ઇનિંગે તેની બેટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો હતો. મહફુઝુલે અત્યાર સુધીમાં 19 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં 33.67ની સરેરાશથી 1,000થી વધુ રન બનાવ્યા છે. હવે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં તેને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે.મહફુઝુલ ઉપરાંત મોહમ્મદ નઈમ શેખની વાપસી પણ ટીમ માટે મહત્વપૂર્ણ છે. નઈમે વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડ સામે ક્રાઈસ્ટચર્ચ ખાતે પોતાની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ તે લાંબા સમય સુધી ટેસ્ટ ટીમની બહાર રહ્યો હતો. હવે પસંદગીકારોએ તેના પર ફરી વિશ્વાસ મૂક્યો છે.
નઈમને ટીમમાં સ્થાન મળવાનું એક કારણ નિયમિત ઓપનર શાદમાન ઇસ્લામની ગેરહાજરી પણ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શાદમાનના પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ હતી. ઈજાની ગંભીરતાને કારણે તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. પરિણામે તે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ભાગ લઈ શકશે નહીં.
મોમિનુલ હકની વાપસી, ખાલિદ અહેમદને પણ તક
બાંગ્લાદેશની ટીમમાં અનુભવી બેટર મોમિનુલ હકનું પુનરાગમન પણ મહત્વપૂર્ણ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન તેને માથામાં ઈજા થઈ હતી. ત્યારબાદ કન્કશન સંબંધિત સમસ્યાને કારણે તે બીજી ટેસ્ટમાં રમી શક્યો નહોતો. ફરજિયાત સાત દિવસનો કન્કશન પ્રોટોકોલ પૂર્ણ થયા બાદ હવે તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.ફાસ્ટ બોલર ખાલિદ અહેમદને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે, ઓફ સ્પિનર નઈમ હસન અને વિકેટકીપર-બેટર અમિત હસન આ વખતે ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. બીજી તરફ, ખભાની ઈજામાંથી સાજા થઈ રહેલા ઝડપી બોલર નાહિદ રાનાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
બાંગ્લાદેશના બોલિંગ વિભાગમાં તસ્કીન અહેમદ, હસન મહમુદ, શરીફુલ ઇસ્લામ, ઈબાદોત હુસૈન અને ખાલિદ અહેમદ જેવા ઝડપી બોલરોને સ્થાન મળ્યું છે. જ્યારે મેહિદી હસન મિરાજ અને તૈજુલ ઇસ્લામ સ્પિન વિભાગની જવાબદારી સંભાળશે. નજમુલ હુસૈન શાંતો ટીમના કેપ્ટન તરીકે યથાવત્ રહેશે, જ્યારે મેહિદી હસન મિરાજને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
The Bangladesh Cricket Board (BCB) announces the 16-member Test squad for the upcoming tour of South Africa! 🏏🔥
Squad: Najmul Hossain Shanto (Captain), Tanzid Hasan Tamim, Naim Sheikh, Mominul Haque Showrab, Mushfiqur Rahim, Litton Kumer Das, Tawhid Hridoy, Jaker Ali Anik, Mehidy Hasan Miraz (Vice Captain), Taijul Islam, Taskin Ahmed, Hasan Mahmud, Shoriful Islam, Ebadot Hossain Chowdhury, Syed Khaled Ahmed and Mahfijul Islam.
#BCB #BangladeshCricket #TestCricket
— Bangladesh Cricket (@BCBtigers) November 9, 2026
15 નવેમ્બરથી શરૂ થશે બે ટેસ્ટ મેચની શ્રેણી
બાંગ્લાદેશના દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ 15 નવેમ્બરથી જોહાનિસબર્ગમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 23 નવેમ્બરથી સેન્ચુરિયનમાં શરૂ થશે.ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ બંને ટીમો વચ્ચે ત્રણ વનડે અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી પણ રમાશે. આમ, બાંગ્લાદેશના ખેલાડીઓ માટે આ પ્રવાસ લાંબા ફોર્મેટની સાથે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પણ પોતાની પ્રતિભા બતાવવાની તક પૂરી પાડશે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે બાંગ્લાદેશની 16 સભ્યોની ટેસ્ટ ટીમ:
1. નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન)
2. તન્ઝિદ હસન તમીમ
3. મોહમ્મદ નઈમ
4. મોમિનુલ હક
5. મુશફિકુર રહીમ
6. લિટન દાસ
7. તૌહિદ હૃદય
8. ઝાકિર અલી અનિક
9. મેહિદી હસન મિરાજ (વાઇસ કેપ્ટન)
10. તૈજુલ ઇસ્લામ
11. તસ્કીન અહેમદ
12. હસન મહમુદ
13. શરીફુલ ઇસ્લામ
14. ઈબાદોત હુસૈન
15. ખાલિદ અહેમદ
16. મહફુઝુલ ઇસ્લામ
