સોનિયા ગાંધીનો દર્દનાક ખુલાસો: પ્રથમ સંતાનના નિધન બાદ રાજીવ ગાંધી સાથે જોડાયેલી યાદો કરી તાજી

6 Min Read

સોનિયા ગાંધીનો વર્ષો જૂનો દર્દનાક ખુલાસો: પ્રથમ સંતાનના જન્મ બાદ થયું હતું મોત, મેહરૌલીના ફાર્મહાઉસમાં દફનાવ્યો હતો દીકરો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પોતાના જીવનની એક એવી અંગત અને દુઃખદ ઘટના વિશે ખુલાસો કર્યો છે, જેના વિશે અત્યાર સુધી બહુ ઓછા લોકો જાણતા હતા. તેમણે પોતાના નવા આત્મકથાત્મક પુસ્તક ‘Belonging: A Journey of Love’ માં પ્રથમ સંતાન ગુમાવવાની પીડા વર્ણવી છે. જાન્યુઆરી 1969માં સોનિયા ગાંધીએ સાતમા મહિનામાં એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મના થોડા કલાકો બાદ જ તેનું મોત થયું હતું. આ ઘટનાએ સોનિયા ગાંધી અને તેમના પતિ રાજીવ ગાંધીને અંદરથી હચમચાવી દીધા હતા. સૌથી ભાવુક વાત એ છે કે પોતાના નવજાત બાળકના અંતિમ સંસ્કારને લઈને પરિવારે મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો હતો. અંતે રાજીવ ગાંધી અને સંજય ગાંધીએ દિલ્હીના મેહરૌલી સ્થિત ફાર્મહાઉસમાં એક ગુલાબી બોગનવેલના છોડ નીચે બાળકને દફનાવ્યો હતો.

સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં આ ઘટનાનું વર્ણન કરતાં તે સમયની લાગણીઓ, પરિવારના સભ્યોનો સહકાર અને બાળકને ગુમાવ્યા બાદ થયેલા માનસિક આઘાત વિશે લખ્યું છે. આ પુસ્તક 10 નવેમ્બર, 2026ના રોજ રજૂ થયું છે. તેમના આ ખુલાસાથી ગાંધી પરિવારના જીવન સાથે જોડાયેલો એક એવો અધ્યાય સામે આવ્યો છે, જે લાંબા સમય સુધી અંગત અને અજાણ્યો રહ્યો હતો.

- Advertisement -

sunya.jpg

ગર્ભાવસ્થાના સમાચારથી પરિવારમાં ખુશીનો માહોલ હતો

સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 1968માં જ્યારે તેમને ખબર પડી કે તેઓ માતા બનવાનાં છે, ત્યારે તેઓ અને રાજીવ ગાંધી ખૂબ ખુશ થયા હતા. આ સમાચારથી સાસુ અને દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ ખૂબ ઉત્સાહિત હતાં. તેમણે એક મિત્રને પત્ર લખીને દાદી બનવાની ખુશી વ્યક્ત કરી હતી.

- Advertisement -

ઇન્દિરા ગાંધી સોનિયાની ગર્ભાવસ્થાને લઈને ખાસ કાળજી રાખતાં હતાં. તેમણે સોનિયાના ખોરાક, કસરત અને નિયમિત ચાલવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. બાળક માટે કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓની તૈયારી પણ કરવામાં આવી રહી હતી. બાળક માટે નરમ કપડાં તૈયાર કરાવવા અને નામ શોધવા સુધીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

જોકે, સોનિયા ગાંધી માટે આ સમય થોડો મુશ્કેલ પણ હતો. તેમને પાલક ખાવાનું ખાસ પસંદ નહોતું, પરંતુ ઇન્દિરા ગાંધી અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત પાલક ખાવાની સલાહ આપતાં હતાં. આ ઉપરાંત દરરોજ બે ગ્લાસ દૂધ પીવું પણ જરૂરી બનાવવામાં આવ્યું હતું. સોનિયાએ પુસ્તકમાં લખ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમને જાંબુ, ફાલસા અને ફેન્ટા પીણાની ખાસ ઇચ્છા થતી હતી.શરૂઆતમાં ગર્ભાવસ્થા સામાન્ય રીતે આગળ વધી રહી હતી અને નિયમિત તબીબી તપાસ પણ થતી હતી. પરંતુ સાતમા મહિનાની શરૂઆતમાં અચાનક તેમની તબિયત બગડવા લાગી. પેટમાં હળવો દુખાવો શરૂ થયો, જે ધીમે ધીમે વધતો ગયો. ડૉક્ટરની સલાહ છતાં સ્થિતિમાં સુધારો ન થતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

સાતમા મહિને દીકરાનો જન્મ, પરંતુ થોડા કલાકોમાં જ મોત

18 જાન્યુઆરી, 1969ના રોજ સોનિયા ગાંધીએ એક દીકરાને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ સામાન્ય પ્રસૂતિથી થયો હતો. જન્મ બાદ તેને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યો હતો. સોનિયાએ લખ્યું છે કે તેમણે બાળકનો પહેલો અવાજ સાંભળ્યો હતો અને બાદમાં રાજીવ ગાંધી તેમને બાળકને બતાવવા લઈ ગયા હતા.તેમણે પોતાના દીકરાનું વર્ણન કરતાં લખ્યું છે કે તે નાનું અને સુંદર બાળક હતું. તેના માથા પર ઘાટા કાળા વાળ હતા અને આંગળીઓ લાંબી તથા પાતળી હતી. બાળકને જોઈને સોનિયા અને રાજીવ બંને તેના પ્રેમમાં પડી ગયા હતા.

- Advertisement -

જોકે, ડૉક્ટરોએ રાજીવ ગાંધીને અગાઉથી જ બાળકના બચવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 19 જાન્યુઆરીની સવારે લગભગ 6:30 વાગ્યે બાળકનું મોત થયું હતું. આ સમાચાર સાંભળીને સોનિયા ગાંધી ભાંગી પડ્યાં હતાં. તેમણે વારંવાર આ વાત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને રાજીવ ગાંધી પણ પોતાનાં આંસુ રોકી શક્યા નહોતા.આ મુશ્કેલ સમયમાં ઇન્દિરા ગાંધી પણ પરિવારની પડખે ઊભાં રહ્યાં હતાં. તેઓ તે સમયે પ્રવાસ પર હતાં, પરંતુ દુઃખદ સમાચાર મળતાં પ્રવાસ અધવચ્ચે છોડીને હોસ્પિટલ પહોંચ્યાં હતાં. તેમણે સોનિયા અને રાજીવને ભેટીને સાંત્વના આપી હતી. સંજય ગાંધી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બંનેને હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો.

sunya0.jpg

નદીમાં વિસર્જનનો ઇનકાર, મેહરૌલીમાં કરાયું દફન

બાળકના મોત બાદ પરિવાર સામે સૌથી મોટો પ્રશ્ન તેના અંતિમ સંસ્કારનો હતો. સોનિયા ગાંધીએ પુસ્તકમાં લખ્યું છે કે રાજીવ ગાંધીએ તેમને સમજાવ્યું હતું કે હિંદુ પરંપરા મુજબ નવજાત બાળકના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાને બદલે નદીમાં પધરાવવામાં આવે છે. કબ્રસ્તાનમાં દફનાવવાનો વિકલ્પ પણ સરળ નહોતો.પરંતુ સોનિયા ગાંધી આ વાત સ્વીકારવા તૈયાર નહોતાં. તેમણે અગાઉ ઓખલા બેરેજ પાસે નદીમાં એક મૃતદેહ તરતો જોયો હતો. તેની આસપાસ કચરો અને મૃતદેહને ખેંચવાનો પ્રયાસ કરતા કૂતરાઓનું દૃશ્ય તેમના મનમાં વસી ગયું હતું. આ યાદને કારણે તેઓ પોતાના બાળકને નદીમાં પધરાવવાની કલ્પના પણ કરી શકતાં નહોતાં.

તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે ગમે તે થાય, તેઓ પોતાના બાળકને નદીમાં પધરાવવા દેશે નહીં. ત્યારબાદ રાજીવ ગાંધી અને સંજય ગાંધીએ ચર્ચા કરીને બાળકને મેહરૌલી સ્થિત ફિરોઝ ગાંધીના ફાર્મહાઉસમાં દફનાવવાનો નિર્ણય લીધો હતો.બંને ભાઈઓએ ફાર્મહાઉસની અંદરની દીવાલ પાસે ખીલેલા ગુલાબી બોગનવેલના છોડ નીચે બાળકને દફનાવ્યો હતો. સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી તેઓ અને રાજીવ જ્યારે પણ ફાર્મહાઉસ જતા ત્યારે તે જગ્યા પર થોડી ક્ષણો રોકાઈને ફૂલ મૂકતા હતા.

Share This Article