PM મોદીની બે ખાસ ભેટોની ચર્ચા, ટ્રમ્પ માટે સોનાની પેઇન્ટિંગ અને જાપાન માટે બનારસી દુપટ્ટો!

4 Min Read

ટ્રમ્પને રાજસ્થાનની સોનાની પિછવાઈ પેઇન્ટિંગ, જાપાનના PMને બનારસી સ્ટોલ: મોદી ભેટમાં લઈ ગયા ભારતની કલા-સંસ્કૃતિની ઝલક

વિદેશી નેતાઓને આપવામાં આવતી ભેટો ઘણીવાર માત્ર ઔપચારિકતા પૂરતી સીમિત રહેતી હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનીલા પ્રવાસ દરમિયાન પસંદ કરેલી ભેટોમાં ભારતની કલા, પરંપરા અને કારીગરોની મહેનતની ખાસ ઝલક જોવા મળી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાજસ્થાનના નાથદ્વારાની સોનેરી પિછવાઈ પેઇન્ટિંગ આપવામાં આવી, જ્યારે જાપાનનાં વડાંપ્રધાન સાને તાકાઈચીને વારાણસીની પ્રસિદ્ધ બનારસી કતાન સિલ્કની રોયલ બ્લૂ સ્ટોલ ભેટમાં અપાઈ. આ ભેટો દ્વારા ભારતનાં વિવિધ પ્રદેશોની પરંપરાગત હસ્તકલા અને પેઢીઓથી ચાલતી આવતી કારીગરીને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં આવી.

મોદી 16 અને 17 નવેમ્બર, 2026ના રોજ ફિલિપાઈન્સની રાજધાની મનીલાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે 23મી આસિયાન-ભારત સમિટ, 21મી ઈસ્ટ એશિયા સમિટ અને ક્વાડ નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન વિશ્વના નેતાઓને ભારતનાં અલગ-અલગ રાજ્યોની કલા અને હસ્તકલા સાથે જોડાયેલી ભેટો આપવામાં આવી હતી.

- Advertisement -

modi.jpg

ટ્રમ્પને નાથદ્વારાની પિછવાઈ પેઇન્ટિંગ, જાપાનનાં PMને બનારસી કતાન સ્ટોલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાજસ્થાનના નાથદ્વારાની ગોલ્ડન પિછવાઈ પેઇન્ટિંગ ભેટ આપવામાં આવી. પિછવાઈ ચિત્રકલા ખાસ કરીને શ્રીનાથજીની ઉપાસના સાથે જોડાયેલી પરંપરાગત કાપડ આધારિત કલા છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો, કમળ, ગાયો, વૃક્ષો અને સુંદર સુશોભિત કિનારીઓ જેવા ચિત્રો જોવા મળે છે. આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે ખાસ રીતે તૈયાર કરેલા કાપડ પર ખનિજ રંગો અને સોનાની બારીક કારીગરીનો ઉપયોગ થાય છે. તેની ઝીણી વિગતો, ચમકદાર રંગો અને સોનેરી આભા તેને વિશેષ બનાવે છે.

- Advertisement -

જાપાનનાં વડાંપ્રધાન સાને તાકાઈચીને રોયલ બ્લૂ રંગની બનારસી કતાન સિલ્ક સ્ટોલ ભેટ આપવામાં આવી. આ સ્ટોલને સુંદર સાદેલી બોક્સમાં મૂકીને રજૂ કરવામાં આવી હતી. કતાન સિલ્ક અત્યંત બારીક રેશમી દોરામાંથી તૈયાર થાય છે અને બનારસની જૂની વણાટ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ટોલ પરની ઝીણી ડિઝાઇન અને વણાટ કારીગરોની કુશળતા દર્શાવે છે. રોયલ બ્લૂ રંગને ગૌરવ, સમજદારી અને સૌહાર્દ સાથે સાંકળવામાં આવે છે.

કાશ્મીરી પશ્મીનાથી લઈને કચ્છની રોગન કલા સુધીની ભેટો

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરને હાથથી વણાયેલો કાશ્મીરી સિલ્ક કાર્પેટ આપવામાં આવ્યો. તેની ડિઝાઇનમાં કાશ્મીરની પ્રકૃતિથી પ્રેરિત ફૂલ, ચિનારનાં પાંદડાં અને ભૌમિતિક આકૃતિઓ જોવા મળે છે. આવા કાર્પેટ તૈયાર કરવામાં કારીગરોને મહિનાઓથી લઈને ક્યારેક વર્ષો સુધીનો સમય લાગી શકે છે.

ફિલિપાઈન્સનાં ફર્સ્ટ લેડી લિઝા અરનેટા-માર્કોસને કાશ્મીરી પશ્મીના શાલ ભેટ અપાઈ. આ શાલને હાથથી સજાવેલા પેપર-મેશે બોક્સમાં મૂકવામાં આવી હતી. પશ્મીના ચાંગથાંગી બકરીના નરમ રેસામાંથી બને છે અને હળવાશ, ગરમાશ તથા કોમળતા માટે જાણીતી છે. આમ, આ ભેટમાં કાશ્મીરની બે જાણીતી હસ્તકલાનો સંગમ જોવા મળ્યો.

- Advertisement -


અન્ય નેતાઓને પણ ભારતના વિવિધ પ્રદેશોની કલાકૃતિઓ આપવામાં આવી. બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાને કર્ણાટકના બીદરની ચાંદીની જડતરની બિદરીવેર કળાથી બનેલું ફૂલદાન ભેટ અપાયું. કંબોડિયાના વડાંપ્રધાન હુન માનેતને ડોકરા કળાથી બનેલી હોડીની કલાકૃતિ આપવામાં આવી, જ્યારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને ચોલા શૈલીની કાંસ્ય મૂર્તિ ભેટ આપવામાં આવી. ગુજરાતની કચ્છી રોગન કળા અને ખંભાતની અગેટ પથ્થરની કારીગરી જેવી પરંપરાઓનો પણ આ ભેટસંગ્રહમાં સમાવેશ થયો હતો.

ભેટો દ્વારા ભારતીય કારીગરો અને પરંપરાને વૈશ્વિક ઓળખ

આ ભેટોની ખાસિયત એ છે કે દરેક વસ્તુ પોતાની સાથે એક પ્રદેશનો ઇતિહાસ, પરંપરા અને કારીગરોની કુશળતા લઈને જાય છે. પિછવાઈ, બનારસી સિલ્ક, પશ્મીના, બિદરીવેર અને રોગન જેવી કલાઓ માત્ર શોભાની વસ્તુઓ નથી; તે પેઢીઓથી જળવાયેલી પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

Share This Article