Video: ચીનના કરોડો રૂપિયા પાણીમાં: સિચુઆન પ્રાંતમાં નવો બનેલો પુલ ભૂસ્ખલનની ઝપેટમાં, જુઓ પુલ ધસી પડવાનો ખતરનાક વીડિયો!
ચીનના સિચુઆન પ્રાંતમાં નવો ઉદ્ઘાટન થયેલો હોંગચી પુલ ભૂસ્ખલનની ઝપેટમાં આવીને તૂટી પડ્યો. પુલનો મોટો હિસ્સો નદીમાં ગરકાવ થઈ ગયો. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેને લાખો લોકોએ જોયો છે. તપાસમાં ભૂસ્ખલનને અકસ્માતનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે.
ચીનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત સિચુઆનમાં નવો ઉદ્ઘાટન થયેલો હોંગચી પુલ અચાનક ધસી પડ્યો. આ અકસ્માત મંગળવારે બપોરે થયો, જ્યારે એક ભયાનક ભૂસ્ખલને (Landslide) પુલના એક ભાગને પોતાની ઝપેટમાં લીધો. પુલનો મોટો ભાગ નદીમાં જઈ પડ્યો અને જોતજોતામાં ધૂળ અને કાટમાળનું વાદળ હવામાં છવાઈ ગયું.
તબાહીનો વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ દુર્ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક વિશાળ ભૂસ્ખલન પુલના નીચેના ભાગ પર પડે છે અને થોડી જ સેકન્ડોમાં પુલના થાંભલા નદીમાં ધસી પડે છે. આ પુલ લગભગ 758 મીટર લાંબો હતો અને તે મધ્ય ચીનથી તિબેટને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ હતો.
JUST IN: 🇨🇳 Hongqi bridge collapses in southwest China, months after opening. pic.twitter.com/EK3YcWEjUy
— BRICS News (@BRICSinfo) November 11, 2025
અહેવાલ મુજબ, સ્થાનિક અધિકારીઓએ સોમવારે બપોરે જ પુલને બંધ કરી દીધો હતો કારણ કે નજીકની ટેકરીઓ અને રસ્તાઓ પર તિરાડો અને જમીનમાં હલચલ જોવા મળી હતી. જોકે વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે ટ્રાફિક અટકાવી દીધો હતો, પરંતુ મંગળવારે પરિસ્થિતિ અચાનક વણસી ગઈ અને ભારે ભૂસ્ખલને પુલના હિસ્સાને તબાહ કરી દીધો.
સ્થાનિક પ્રશાસને તપાસ શરૂ કરી
લોકોએ આ અંગે જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ કહ્યું કે બાંધકામની ઝડપ પર ગર્વ કરવાને બદલે ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. તો કોઈએ કહ્યું કે આ સંપૂર્ણપણે પુલની ભૂલ નથી લાગતી, પરંતુ લેન્ડસ્લાઇડ વધુ ગંભીર હતી.
પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે દુર્ઘટનાનું મુખ્ય કારણ ભૂ-વૈજ્ઞાનિક અસ્થિરતા છે. આ વિસ્તાર પહાડી અને ભૂસ્ખલન-પ્રવણ ક્ષેત્રમાં આવે છે, જ્યાં વિકાસ કાર્યો હંમેશા પડકારજનક રહ્યા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનાની તકનીકી તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી એ જાણી શકાય કે ક્યાંક ડિઝાઇન કે નિર્માણ સંબંધિત કોઈ ખામી તો જવાબદાર નહોતી.

