મહેસાણાની નવી પહેલ ‘જતન પ્રોજેક્ટ’ – કુપોષણમુક્ત ગુજરાત તરફનું મજબૂત પગલું
Jatan Project Mehsana: મહેસાણા જિલ્લો વર્ષોથી કુપોષણની ગંભીર સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. ખાસ કરીને આર્થિક રીતે પછાત ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું હતું. આ સમસ્યાનો અંત લાવવા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે ડિસેમ્બર 2024માં “જતન પ્રોજેક્ટ” નામની અનોખી પહેલ શરૂ કરી. આ અભિયાનનો મુખ્ય હેતુ કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડીને તેમને સ્વસ્થ અને ખુશ જીવન તરફ લઈ જવાનો હતો.
આ પહેલ અંતર્ગત આરોગ્ય વિભાગે દરેક ગામ અને વિસ્તારની વિગતવાર તપાસ કરી અતિ કુપોષિત (SAM) અને સામાન્ય કુપોષિત (MAM) બાળકોની ઓળખ કરી. SAM (Severe Acute Malnutrition – SAM) બાળકોને “વ્હાલા બાળક” તરીકે તથા MAM (Moderate Acute Malnutrition – MAM) બાળકોને “પ્રિય બાળક” તરીકે ઓળખ અપાઈ. શરૂઆતમાં જિલ્લામાં 388 SAM અને 1,113 MAM બાળકો નોંધાયા હતા. આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી બહેનો અને RBSK ટીમના સતત સંયુક્ત પ્રયાસોથી આ બાળકોની આરોગ્ય દેખરેખ શરૂ થઈ.

પ્રોજેક્ટનો મુખ્ય આધાર હતો – પોષણયુક્ત આહાર. અઠવાડિયામાં મંગળવાર, બુધવાર અને શુક્રવારે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ત્રણ વખત ગરમ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. સવારે નાસ્તો, બપોરે ભોજન અને સાંજે ફરી એકવાર પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. બાકી દિવસોમાં “ટેક હોમ રેશન (THR)”ની વ્યવસ્થા કરી બાળકોને ઘરે પણ પોષણયુક્ત ખોરાક મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નિયમિત મેડિકલ ચેકઅપ, જરૂરી દવાઓ અને આરોગ્ય સલાહ પણ આપવામાં આવે છે.
ડૉ. સુજલ શાહ જણાવે છે કે, “જતન પ્રોજેક્ટ જિલ્લા વિકાસ અધિકારીની આગેવાની હેઠળ શરૂ થયો અને શરૂઆતના થોડા મહિનામાં જ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. બાળકોના વજનમાં વધારો અને તેમની તંદુરસ્તીમાં સ્પષ્ટ ફેરફાર આવ્યો.” માત્ર એક વર્ષમાં આ પ્રોજેક્ટે ચમત્કારિક પરિણામ આપ્યા. ડિસેમ્બર 2024માં 388 SAM બાળકો હતા, જે ઓક્ટોબર 2025 સુધી માત્ર 46 રહ્યા. તે જ રીતે 1,113 MAM બાળકોની સંખ્યા ઘટીને 510 થઈ ગઈ. એટલે કે અતિ કુપોષિત બાળકોમાં 88% ઘટાડો અને સામાન્ય કુપોષિતોમાં 54% સુધારો નોંધાયો.

આ અદ્ભુત સિદ્ધિ પાછળ આરોગ્ય વિભાગ, આંગણવાડી બહેનો અને સ્થાનિક પ્રશાસનના અવિરત પ્રયત્નો છે. ‘જતન પ્રોજેક્ટ’ મહેસાણા જિલ્લામાં કુપોષણ સામેની લડતમાં મિશાલરૂપ બન્યો છે. હવે રાજ્ય સરકાર આ સફળ મોડલને અન્ય જિલ્લાઓમાં પણ અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ જણાવે છે, “આવી પહેલ માત્ર યોજના નહીં, પરંતુ માનવતા માટેની જવાબદારી છે.” બાળકોના ચહેરા પર ફરી દેખાતું સ્મિત અને તંદુરસ્તીનું તેજ ‘જતન પ્રોજેક્ટ’ની સાચી સફળતા છે. મહેસાણાનું આ પગલું હવે કુપોષણમુક્ત ગુજરાત અને કુપોષણમુક્ત ભારત તરફના માર્ગમાં પ્રેરણારૂપ બની રહ્યું છે.

