તપાસમાં ટ્વિસ્ટ! I20 કાર ઉપરાંત લાલ ‘ઇકો સ્પોર્ટ્સ’નો ઉપયોગ! દિલ્હી બ્લાસ્ટનું રહસ્ય ખોલશે આ બીજી કાર?
દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે કે શંકાસ્પદ આતંકવાદીઓ પાસે I20 કાર ઉપરાંત અન્ય એક લાલ રંગની કાર પણ હતી.
દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને સરહદી ચેકપોસ્ટોને લાલ રંગની ફોક્સવેગન ઇકો સ્પોર્ટ્સ કાર શોધવા માટે સતર્ક કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસને પણ આ લાલ કાર અંગે એલર્ટ મોકલવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદો એક નહીં પણ બે કારનો ઉપયોગ કરી રહ્યા હતા.
દિલ્હી પોલીસની પાંચ ટીમો શંકાસ્પદ કારની શોધમાં
શંકાસ્પદ લાલ રંગની કારનો નંબર DL10CK0458 છે, જે દિલ્હીના રાજૌરી ગાર્ડન ખાતેના એક સરનામે નોંધાયેલ છે. આ કાર 22 નવેમ્બર 2017ના રોજ ખરીદવામાં આવી હતી. દિલ્હી પોલીસ સક્રિય રીતે આ લાલ રંગની ફોક્સવેગન ઈકો સ્પોર્ટ્સ કારની શોધ કરી રહી છે, જે શંકાસ્પદ આતંકવાદીઓની હોવાનું માનવામાં આવે છે. દિલ્હી પોલીસની પાંચ ટીમો આ શંકાસ્પદ વાહનની શોધખોળમાં લાગેલી છે.

ડો. શાહીનના ભાઈ ડો. પરવેઝના ઘરેથી મળ્યા મહત્વના દસ્તાવેજો અને ગેજેટ્સ
આ તરફ, પોલીસે ડો. શાહીનના ભાઈ ડો. પરવેઝના બંધ ઘરની તપાસ કરતાં ત્યાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ગેજેટ્સ મળી આવ્યા છે. પરવેઝના ઘરમાંથી ચાકુ, કીપેડ મોબાઇલ અને લેપટોપ જેવી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
ગઈકાલે, યુપી એટીએસ (ATS) અને જમ્મુ પોલીસ ડો. પરવેઝ અને ડો. શાહીનના પિતાના ઘરે પહોંચી હતી. પિતાના ઘરેથી કંઈ મળ્યું ન હતું, અને તપાસ ટીમે તેમનો ફોન ચેક કરીને પરત કરી દીધો હતો. જોકે, ડો. પરવેઝના બંધ ઘરમાંથી તપાસ ટીમને ઘણા મહત્વના સંકેતો મળ્યા છે. ટીમે અહીં લગભગ પાંચ કલાક વિતાવ્યા હતા અને ઘણા દસ્તાવેજો અને ગેજેટ્સ તપાસ માટે પોતાની સાથે લઈ ગયા છે.

ડો. પરવેઝના ઘરેથી મળેલા લેપટોપની તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે ડો. પરવેઝ, ડો. શાહીન અને ડો. મુઝમ્મિલ ઓનલાઈન જોડાયેલા રહેતા હતા. ડો. મુઝમ્મિલ દ્વારા ડો. શાહીન સાથે ડો. પરવેઝને પણ કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા (radicalized). તેઓ છેલ્લા બે-ત્રણ વર્ષથી આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા અને કેટલીક જગ્યાઓની રેકી પણ કરી હતી. ડો. પરવેઝના ઘરની બહાર જે ગાડી મળી છે તે સહારનપુરથી ખરીદવામાં આવી હતી.

