સરકારી સહાય અને સર્જનાત્મકતાથી બનેલું સ્વાવલંબી જીવન
મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં રહેતા રાજેશ્વરીબેન દંતાણી આજે પોતાના વિસ્તારમાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનું પ્રતિક બની ગયાં છે. વર્ષ 2019માં સખી મંડળ સાથે જોડાયા પછી તેમના જીવનમાં એવો ફેરફાર આવ્યો કે જેના વિશે તેઓએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય. નારિયેળના છોતરાથી બનાવેલા ગણપતિ, રંગીન ચકલીના માળા, ડેકોરેટિવ પીસ, ઊનના તોરણ અને જન્માષ્ટમી માટે મટકી જેવી અનેક સર્જનાત્મક વસ્તુઓ તેઓ ઘરમાં જ બનાવીને વેચે છે. સરકારની મફત તાલીમથી શીખેલો આ હુન્નર આજે તેમનું મજબૂત આવકસ્રોત બની ગયું છે.
લસણ વેચવાથી લઈને સર્જનાત્મક ઉદ્યોગસાહસિક સુધી
એક સમય એવો હતો જ્યારે રાજેશ્વરીબેન સૂકું લસણ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ નફો ખૂબ ઓછો મળતો હોવાથી રોજગારી અસ્થિર હતી. સખી મંડળ સાથે જોડાયા બાદ તેમને મફતમાં મળેલી તાલીમે તેમના જીવનને નવી દિશા આપી. શરૂઆતમાં તેઓ થોડાં સાદા પીસ બનાવતા, પરંતુ સમય જતા તેમણે નવી નવી ડિઝાઇન અને વસ્તુઓ બનાવવાનું શીખી લીધું. આજે તેઓ પચાસથી વધુ પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓ માત્ર મહેસાણા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના મેળાઓમાં સફળતાપૂર્વક વેચે છે.
રાજેશ્વરીબેન જણાવે છે કે સરકારે પૂરી પાડેલી સુવિધાઓ તેમના માટે સાચી આશીર્વાદરૂપ છે. મેળામાં મફત સ્ટોલ, રહેવાની વ્યવસ્થા, જમવાનું અને ક્યારેક ટ્રાવેલ ખર્ચ પણ સરકાર જ આપે છે. આવા મેળાઓમાં તેઓ એક દિવસમાં 25,000થી 30,000 રૂપિયાનું વેચાણ કરે છે. તેમની બનાવેલી વસ્તુઓ હવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજ્ય બહાર પણ લોકપ્રિય બની છે, જે તેમના કાર્યને નવી ઓળખ આપી રહ્યું છે.
આર્થિક સ્થિરતાથી જીવનનો નવી દિશામાં પ્રવેશ
સખી મંડળની તાલીમ અને તેમની મહેનતના સહારે આજે રાજેશ્વરીબેનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બની છે, બાળકો સારી શાળામાં ભણે છે, અને તેઓએ શંખલપુરમાં પોતાનું ઘર પણ ખરીદ્યું છે. વાર્ષિક બે લાખ રૂપિયા કરતાં વધુ કમાણી કરતા તેઓ હવે પરિવાર માટે આશ્ચર્યજનક સ્તંભ બની ગયા છે. તેમની પ્રેરણાથી આજુબાજુની 5–6 બહેનો પણ આ જ કામમાં જોડાઈને માસિક સારો નફો મેળવી રહી છે. તેઓ આવી બહેનોને હોલસેલમાં સામાન પૂરો પાડે છે અને રસ ધરાવતી બહેનોને તાલીમ આપે છે, જેમાં તેમના પતિનો સહયોગ પણ અગત્યનો છે.

શિક્ષણથી લઈને નફાકારક વ્યવસાય સુધીનો પ્રવાસ
34 વર્ષીય રાજેશ્વરીબેન પાંચમા ધોરણ બાદ અભ્યાસ છોડ્યો હતો, પરંતુ જીવન બદલવાની ઇચ્છાએ તેમને તાજેતરમાં દસમા ધોરણની પરીક્ષા પાસ કરાવી. તેઓ કહે છે કે પહેલા 5–10 ટકા નફો મળતો, જ્યારે આજે તેઓ 50 ટકા કરતા વધુ નફો કમાય છે. તેમના ઉત્પાદનોમાં નાના માળા 50 રૂપિયા, મોટા 150 રૂપિયા, ઊનના તોરણ 350 રૂપિયા અને નારિયેળ છોતરાના ગણપતિ 250 રૂપિયામાં વેચાય છે. ખાસ કરીને દિવાળીના સમયમાં તોરણ અને માળાના ઓર્ડરમાં ભારે વધારો જોવા મળે છે, તેથી તેઓ છ મહિના અગાઉથી તૈયારી શરૂ કરે છે.
તાલીમ, મહેનત અને સહયોગ—સફળતાનું ત્રિકોણ
વર્ષ 2019થી મેળવેલી તાલીમ, ગ્રામ વિકાસ એજન્સીનો સહકાર અને મળેલી લોનની મદદથી તેઓનો વ્યવસાય વધી રહ્યો છે. આજે તેઓ સંપૂર્ણપણે સ્વાવલંબી બની ચૂક્યા છે. રાજેશ્વરીબેન ગર્વથી કહે છે, “સખી મંડળ, સરકારની તાલીમ અને અમારી સતત મહેનત—આ ત્રણ બાબતોએ અમારું સમગ્ર જીવન બદલી નાખ્યું છે.”


