લેઉવા પાટીદાર સમાજના સંમેલનમાં ચાર નવ નિયુક્ત મંત્રીઓનું સન્માન
અમદાવાદ શહેરમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક ભવ્ય યુવા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જે સમગ્ર સમાજ માટે મહત્વપૂર્ણ ઘટના બની રહેશે. વિશ્વ ઉમિયાધામ ખાતે આગામી 28 ડિસેમ્બરના રોજ આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનનો મુખ્ય હેતુ યુવા બિઝનેસમેનને એક મંચ પર લાવી વ્યવસાય, વિકાસ અને સમાજની એકતા અંગે વિચારવિમર્શ કરવાનો છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે, જેથી મહાસંમેલનનું મહત્વ વધુ વધી ગયું છે.
દેશ-વિદેશથી યુવા બિઝનેસમેનની વિશાળ હાજરી
આ યુવા મહાસંમેલનમાં માત્ર ગુજરાત કે ભારત પૂરતું જ નહીં, પરંતુ અમેરિકા સહિત સાત વિદેશી દેશોમાંથી પણ પાટીદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે. આયોજકોના જણાવ્યા અનુસાર, 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં હાજરી આપશે. 28 ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાટીદાર સમાજના અનેક મંત્રીઓ, આગેવાનો અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલન યુવા શક્તિને નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નિકોલમાં લેઉવા પાટીદાર સમાજનું અલગ સંમેલન
આ સાથે જ પાટીદાર સમાજનું બીજું એક મહત્વપૂર્ણ સંમેલન અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની વિશેષ હાજરી રહેશે. આ કાર્યક્રમ દરમિયાન લેઉવા પાટીદાર સમાજના ચાર નવ નિયુક્ત મંત્રીઓનું સન્માન કરવામાં આવશે, જે સમાજ માટે ગૌરવની બાબત છે. સાથે સાથે પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરવામાં આવનાર છે.
ચાર નવ નિયુક્ત મંત્રીઓનું વિશેષ સન્માન
નિકોલ ખાતે યોજાનાર સંમેલનમાં નવનિયુક્ત મંત્રી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ્લ પાનસેરિયા અને કમલેશ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવશે. અમદાવાદના સમસ્ત લેઉવા પાટીદાર સમાજ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરાયું છે. સંમેલનના આયોજન માટે સમાજના પ્રમુખો અને કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ ચૂકી છે, જેમાં કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મનદુઃખ દૂર થતાં સમાજમાં આનંદની લાગણી
તાજેતરમાં કાગવડ ખાતે ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે લાંબા સમયથી ચાલતા મનદુઃખનો અંત આવ્યો હતો. બંને મોભીઓ વચ્ચે સમાધાન થતા સમગ્ર લેઉવા પાટીદાર સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે. સમાજના અગ્રણીઓએ આ સમાધાનને એકતા અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. આવનારા મહાસંમેલનો દ્વારા સમાજની એકતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

