ટ્રસ્ટની જમીનની અદલાબદલીમાં ખેલ? લુન્સીકુઈ વિરુદ્ધ એરુની જમીન વિવાદમાં ટ્રાન્ઝિટ ડેવલપર્સને મોટો ઝટકો
નવસારીનાં પોશ એરિયામાં સમાવેશ કરાતા લૂન્સૂીકૂઈ ખાતે આવેલી જાહેર ટ્રસ્ટની જમીનની અદલાબદલી કરી એરુ ગામમાં ઓછી કિંમત અને ઓછા ક્ષેત્રફળવાળી વિવાદિત જમીન ફાળવી દેવાનો મામલો ગરમાયો છે. ગુજરાત મહેસુલ પંચે 23 ડિસેમ્બર,2025ના રોજ ઓર્ડર કરી લૂન્સીકૂઈ ખાતેની જમીન પર સ્ટેટક્વો(જૈસે થે) રાખવાનો આદેશ કરતા નવસારીના ટ્રાન્ઝિટ ડેવલોપર્સનાં 15 માળનાં ટાવર સ્વિસ પિનાકલને લઈ મોટો ઝટકો લાગ્યો છે.
વિગતો મુજબ નવસારી હાઈસ્કૂલ પાસે રહેતા અમૃત પટેલ અને અશોક પટેલ સહિતનાં ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ વતી ગુજરાત મહેસુલ પંચમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદમાં જમીનને લઈ કેટલીક બાબતો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. કોળી હિતવર્ધક મંડળનો આરોપ છે નવસારીના લૂન્સીકૂઈ ખાતે આવેલી ટ્રસ્ટની જમીનને ટ્રાન્ઝિટ ડેવલોપર્સનાં માલવ ધ્રુવ અને બાબુભાઈ ઉર્ફે રામભાઈ પટેલ તથા ટ્રસ્ટનાં સભ્ય ઠાકોરભાઈ પટેલ(હાલનાં પ્રમુખ) સહિતનાં લોકોએ લૂન્સીકૂઈ ખાતેની ટ્રસ્ટની જમીનને નવસારીથી આશરે પાંચેક કિમીનાં અંતરે આવેલા એરુ ગામની જમીનના બદલામાં આપી હતી.ટ્રાન્ઝિટ ડેવપોપર્સે લૂન્સીકૂઈ ખાતે આવેલી કોળી હિતવર્ધક મંડળની 70 હજરા ચોરસ ફૂટ જમીનનાં બદલામાં એરુ ગામનાં 70 હજાર ચોરસ ફૂટ જમીન આપીને જમીનની અદલાબદલી કરી હતી. ત્યાર બાદ લુન્સીકૂઈ ખાતે આવેલી જમીન પર ટ્રાન્ઝિટ ડેવલોપર્સે 15 માળનો સ્વિસ પિનાકલના નામે ટાવર બાંધી દીધો છે.
આ અંગે અરજદર અશોક પટેલે જણાવ્યું કે લૂન્સીકૂઈની 70 હજાર ચો.ફૂટની જમીનાં બદલામાં એરુ ગામમાં આપેલી જમીનની કિંમત ઓછી છે, આ ઉપરાંત એરુ ગામમાં ફાળવવામાં આવેલી જમીનનું ક્ષેત્રફળ પણ સંપૂર્ણપણે 70 હજાર ચો.ફૂટ જેટલું થતું નથી. આના કારણે જાહેર હિતનાં ટ્રસ્ટને સમાજનાં હિતમાં નુકસાન થઈ રહ્યું છે. સમાજના હિતને ધ્યાને લઈ મહેસુલ વિભાગમાં અરજી કરવામાં આવી હતી, અને મહેસુલ વિભાગે હવે પછીની સુનાવણી સુધી સ્ટેટક્વો (જૈસે થે) રાખવાનો હુકમ કર્યો છે.
વિવાદનું કારણ
તેમણે કહ્યું કે 2016માં કેસ કરવામાં આવ્યો હતો. સુરતના સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરીમાં સંયુક્તચેરિટી કમિસનર સુરતની કચેરીમાં ફેર તપાસ અને અપીલ કરી હતી. તેમનું કહેવું છે કે એરુ ગામમાં ફાળવવામાં આવેલી જમીનમાં ટ્રાન્ઝિટ ડેવલોપર્સનાં પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે અને ફાળવવામાં આવેલી જમીનમાં રોડ અને કોમન પ્લોટને પણ કોળી હિતવર્ધક મંડળને ફાળવવામાં આવેલી જમીનમાં ગણી લેવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ઓછી કિમત અને ઓછા માપવાળી જમીન આપવામાં આવી છે તેને લઈને કેસ ચાલી રહ્યો છે અને આના આધારે મહેસુલ પંચે હુકમ કર્યો છે.
બીજી તરફ ટ્રાન્ઝિટ ડેવલોપર્સના માલવ ધ્રુવે જણાવ્યું કે કોળી સમાજ હિતવર્ધક મંડળનાં હોદ્દેદારોને કોઈ સમસ્યા નથી. જે લોકોએ અરજી કરી છે તેમને આ કેસથી કશું લાગતું વળતગતું નથી. બધી પ્રોસિજર કરીને જમીનની અદલાબદલી કરવામાં આવી છે.
