વલસાડના કોસંબામાં ૩૧ દિવસીય મેદસ્વિતામુક્ત યોગ શિબિર યોજાઈ

2 Min Read

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ શિબિરાર્થીઓનું સુગર, પ્રેશર અને વજન પણ તપાસવામાં આવ્યુ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં” સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત યોગ બોર્ડના કોચ શ્રીમતી ચંગુનાબેન સુરવાસે દ્વારા વલસાડના કોસંબા ગામ ખાતે ૩૧ દિવસીય મેદસ્વિતામુક્ત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક શિબિરાર્થીઓનું બીએમઆઈ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, આ સાથે સુગર- પ્રેશરની તપાસ અને દરેકનું વજન પણ માપવામાં આવ્યું હતું.

IMG 20251229 WA0004.jpg

- Advertisement -

શિબિરમાં મેદસ્વિતા (વજન) ઘટાડવા માટે શિબિરના મુખ્ય સંચાલિકા અને યોગ કોચ ચંગુના સુરવાસે દ્વારા આસન, પ્રાણાયામ, ધ્યાન, ભોજન શૈલી અને દિનચર્યા વિશે જાણકારી આપવામાં આવી હતી. મેદસ્વિતા ઘટાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક પાઠ્યક્રમ બનાવવામાં આવ્યો છે તેનું સંપૂર્ણ પાલન આ શિબિરમાં કરવામાં આવ્યું હતું. શિબિર પૂર્ણ થયા બાદ આરોગ્ય તપાસણીમાં જે શિબિરાર્થીઓને સુગર અને પ્રેશર જણાયુ હોય તો તેઓને તે મુજબના આસન કરવા અને આહાર લેવા પણ ચંગુનાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વડાપ્રધાનશ્રી દ્વારા ખોરાકમાં ઓછા તેલના વપરાશ કરવા અંગે જે સૂચન કરાયું હતુ તેના ઉપર વિશેષ ભાર મુકાયો હતો. ૩૧ દિવસની યોગ શિબિરમાં નિયમિત આવનાર શિબિરાર્થીઓ અને યોગ શિબિરને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર સાધકોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ૩૧ દિવસની શિબિરના અંતે અનેક લાભાર્થીઓએ પોતાને શારીરિક રીતે થયેલા ફાયદા તેમજ વજન ઘટવા અંગેના અભિપ્રાય આપી યોગને જીવનમાં નિત્યક્રમનો ભાગ બનાવવા માટે સંકલ્પ લીધો હતો. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શિબિરાર્થીઓને રોજ ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

IMG 20251229 WA0005.jpg

- Advertisement -

સંપૂર્ણ શિબિર ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવી હતી. શિબિરને સફળ બનાવવા માટે સહ સંચાલક ચંદનબેન ટંડેલ અને યોગ ટ્રેનર મનિષ ટંડેલે ભારે જહેમત ઉઠાવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ભાગ લીધો હતો.

Share This Article