ગુજરાતના ૫ શહેરો બનશે ‘સેટેલાઇટ ટાઉન’, અમદાવાદ-સુરત જેવા મહાનગરો જેવી મળશે સુવિધા

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
4 Min Read

નાના શહેરોમાં ખુલશે રોજગારીના દ્વાર, ‘વિકસિત ગુજરાત@2047’ માટે સરકારનો મોટો માસ્ટર પ્લાન

વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતના તમામ રાજ્યોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીયર-૨ અને ટીયર-૩ શહેરોના વ્યૂહાત્મક વિકાસને ગતિ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઓક્ટોબર-૨૦૨૫માં પાંચ સેટેલાઇટ ટાઉન વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે હવે આ શહેરોના માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ માટે ટેન્ડર દ્વારા અર્બન પ્લાનર્સની નિમણૂક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આ શહેરોમાં મહાનગરો જેવી સુવિધાઓ વિકસાવી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું આયોજન છે, જેથી મોટા શહેરો પરનું ભારણ ઘટાડી શકાય.

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ માં ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ નો મંત્ર સાકાર કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે દરખાસ્ત કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સને માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આમંત્રિત કર્યા છે. આગામી બે મહિનામાં કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેઓ એક વર્ષની અંદર આ શહેરો માટે માસ્ટર પ્લાન તૈયાર કરીને રજૂ કરશે.

Gujarat satellite towns development 2.png

- Advertisement -

સેટેલાઇટ ટાઉન એટલે શું?

સેટેલાઇટ ટાઉન એટલે મોટા શહેર કે મહાનગરની નજીક આવેલું એવું શહેર, જ્યાં મોટા શહેરથી એક કલાકમાં પહોંચી શકાય છે. આવા શહેરોની ઓળખ કરીને તેમને આર્થિક રીતે વ્યસ્ત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવવાનો ઉદ્દેશ્ય છે, જેનાથી મોટા શહેરો પરનું ભારણ ઘટે અને આ શહેરોમાં રોજગારીની તકોના દ્વાર ખુલે. આ શહેરોમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વિકસાવવામાં આવશે.

ગુજરાતના પાંચ સેટેલાઇટ ટાઉન

રાજ્ય સરકારે પ્રારંભિક તબક્કે અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ શહેરોમાં માસ્ટર ટાઉન પ્લાનિંગ સાથે પરિવહન, ઉદ્યોગો, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ વિકસાવવામાં આવશે.

- Advertisement -

Gujarat satellite towns development 1.png

સેટેલાઇટ ટાઉનમાં વિકસિત થનારી સુવિધાઓ

સેટેલાઇટ ટાઉનમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવ્યવસ્થિત જાહેર પરિવહન સુવિધા (ઇલેક્ટ્રિક બસ સુવિધા સહિત), જલાપૂર્તિ અને વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિંગ રોડ, અર્બન ફોરેસ્ટ પાર્ક, સુંદર તળાવ, મોડેલ ફાયર સ્ટેશન અને મિક્સ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઓફિસ, ઘર, દુકાનો; બધું નજીકમાં) નું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધાઓની કામગીરી ઝડપથી શરૂ કરવા માટે મંજૂરી અને દેખરેખ સમિતિની રચના કરવામાં આવી છે.

અર્બન એરિયા દેશનું ગ્રોથ સેન્ટર છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

શહેરી વિકાસના વિઝનને રજૂ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, “અર્બન એરિયા દેશનું ગ્રોથ સેન્ટર છે, ત્યારે વિકસિત ભારતના નિર્માણ માટે શહેરોને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવવા જોઈએ અને ટાર્ગેટ નિર્ધારિત કરી તે મુજબ નવા ઉત્પાદનો અને ક્વોલિટી વર્ક પર કાર્ય કરી વિકાસ સાધવો જોઈએ. આજે દેશમાં બે લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાં મોટાભાગના સ્ટાર્ટઅપ ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાં સ્થિત છે. આમાંના અનેક સ્ટાર્ટઅપનું નેતૃત્વ દીકરીઓ કરી રહી છે. એટલું જ નહીં; આ શહેરોના બાળકો શિક્ષણ ઉપરાંત અન્ય અનેક પ્રવૃત્તિઓમાં પણ અપેક્ષાકૃત આગળ છે. તેથી આવા નાના શહેરોમાં વિકાસની અનેક ક્ષમતાઓ રહેલી છે.”

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.