વલસાડમાં ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાનો રાફડો: માટી ખનનથી પર્યાવરણને જોખમ, તપાસની માંગ

2 Min Read

વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા અને માટી ખનનનો વ્યાપ, વહીવટી તપાસની ઉગ્ર માંગ

વલસાડ જિલ્લાનાં કપરાડા, નાનાપોઢા, પારડી, વલસાડ તેમજ ધરમપુર તાલુકાઓમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ધમધમતા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. આ ભઠ્ઠાઓ માટે મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થતાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

દર વર્ષે વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં બિનમંજૂરીથી હજારોની સંખ્યામાં ઈંટના ભઠ્ઠાઓ કાર્યરત રહેતા હોવાના કારણે ખેતીલાયક જમીન, જંગલ વિસ્તાર તેમજ ભૂગર્ભ જળસ્તર પર માઠી અસર પડી રહી છે, જેને લઈને લોકોમાં ચિંતા વધી છે.

- Advertisement -

IMG 20260109 WA0008.jpg

ખાસ કરીને નાનાપોઢા તાલુકાના નાનાપોઢા ગામ ઉપરાંત બાલચોઢી, ચિવલ, ધગડમાળ, અનાલા, સામરપાડા, નેવરી, લખમણપુર, ડહેલી, બાબરખડક, પાનસ, જોગવેલ, વારોલી તલાટ, કોઠાર, ભંડારકાસ, વારણા, અંધારપાડા, પંચલાઈ, ઓઝર, કાકડકોપર, સુખેશ, વાગશિપા, સુખાલા, અંબેટી, મોટાપોઢા, અંબાડી, કરવડ, મનાલા સહિતના મોટાભાગના ગામડાઓમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ચાલતા હોવાની ફરિયાદો છે.

- Advertisement -

સ્થાનિકોનું કહેવું છે કે કેટલાક ગામોમાં બે થી ત્રણ હજાર જેટલા ઈંટના ભઠ્ઠાઓ ગેરકાયદેસર રીતે કાર્યરત છે અને તેમાં હજારો ભઠ્ઠાટાવાળા સંકળાયેલા છે. ગેરકાયદેસર માટી ખનનના કારણે કુદરતી સંસાધનોનો બેફામ નાશ થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા ગામેગામ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિક ગ્રામજનો અને જાગૃત નાગરિકોમાંથી ઉઠી છે.

Share This Article