આદિવાસી વારસાનું જતન: રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડના ફલધરામાં “આદિવાસી આંગણે-૨૦૨૬” કાર્યક્રમ યોજાયો

4 Min Read

ડૉ. હેમંત પટેલ અને ફલધરા ગ્રામજનો દ્વારા નવી પેઢીને આદિવાસી કળા, ભોજન અને રમતગમતથી પરિચિત કરાવવાનો સ્તુત્ય પ્રયાસઃ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

વિસરાતી આદિવાસી સંસ્કૃતિ, કળા, ભોજન અને રમતને પુનઃ યાદ કરી નવી પેઢી સુધી પહોંચાડવાના એક અનોખા પ્રયત્નના ભાગરૂપે વલસાડ તાલુકાના ફલધરા ગામમાં રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડૉ. હેમંત પટેલ તથા સમસ્ત ફલધરા ગામવાસીઓ દ્વારા આયોજીત “આદિવાસી આંગણે”-૨૦૨૬ ઉત્સવ સંસ્કૃતિના નામે ભવ્ય મેળો યોજાયો હતો, જેમાં વિસરાતી પરંપરાઓનો સંગમ જોવા મળ્યો હતો. ફલધરા પુરણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાયેલા “આદિવાસી આંગણે”માં ડૉ. ડી. સી. પટેલ, રશ્મિબેન પટેલ, ડૉ. હેમંત પટેલ, ડૉ. નિતલ પટેલ પરિવાર તથા ગામના આગેવાનોએ પ્રકૃતિ પૂજા કર્યા બાદ ઉત્સવની પરંપરાગત શરૂઆત કરી હતી. સરકારના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ પણ તુર ઉપર તાલ મેળવ્યા હતા.

આ અવસરે રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું કે, ખૂબ સારા વિઝન સાથે એક નવી પેઢીને પ્રેરણા મળે આપણી સંસ્કૃતિનું જતન થાય એવા ભાવ સાથે ડૉ. હેમંત પટેલ તથા તેમની ટીમ અને ડૉ. ડી. સી. પટેલનું માર્ગદર્શન તેમજ આગેવાનો, ગ્રામજનોના પ્રયત્નોથી ગુજરાતમાં આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત થઇ રહ્યો છે. તેમણે આદિવાસી સંસ્કૃતિ, કલા, ભાષાના જતન માટેના તમામ પ્રયત્નો માટે પોતાનો સહયોગ આપવાની ખાતરી આપી હતી.

- Advertisement -

IMG 20260112 WA0010.jpg

વલસાડ-ડાંગના સાંસદશ્રી અને લોકસભાના દંડકશ્રી ધવલભાઇ પટેલે આદિવાસી સમાજની પ્રતિભાઓને નિખારવા માટે સારુ પ્લેટફોર્મ આદિવાસી આંગણે બન્યું છે એના માટે ડૉ. હેમંત પટેલ તથા ટીમને શુભકામના આપી સરાહના કરી હતી.

- Advertisement -

સમગ્ર ફલધરાના ગામવાસીના સહયોગથી આયોજન કરનાર ડૉ. હેમંત પટેલે જણાવ્યું કે, આપણા પરદાદા, પૂર્વજો, દાદા-દાદી, ભાઇ-બહેન આપણો સમાજ ઓટલા, આંગણે બેસી સમાજની વ્યવસ્થા ગોઠવતા હતા. સારા-ખરાબ, શુભ – અશુભ, સુખ :દુઃખ દરેક નિર્ણયો આપણા ઓટલા પર થતા હતા. આજે સમયના પરિવર્તન સાથે આદિવાસી આંગણું ભુલાયું છે. આપણું આંગણું આપણી માનસિક હોસ્પિટલ છે. આજનો કાર્યક્રમ કાર્યક્રમ નથી પણ એક જોરદાર શરૂઆત છે. રેહણીકરણી ભૂલવાથી હાર્ટએટેક, કેન્સર, લકવો, ડાયાબીટીસ અને પ્રેસરની બીમારી વધી છે. નાગલી, ભુજયુ, આંબીલ, દાળ, કઠોળ, પેજવું, લીલા શાકભાજી અપનાવી સ્વાસ્થ્ય બાબતે જાગૃત થવું પડશે. ભવ્ય ભારતના ઘડતર કરી શકીએ એ માટે મા-બાપ સાથે રહેવા અપીલ કરી હતી. વધુમાં તબીબે સમાજ, પરિવાર સાથે ઉભા થઇ આવનારા ૧૦ વર્ષમાં અહીંથી IAS, IPS બને એવા સહિયારા પ્રયાસ કરીશું એમ કહી આદિવાસી સમાજને યોગ્ય દિશામાં લઇ જશું અને યુવાધનને ભાવિ ભારતના ઘડતરમાં લાવવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમના સંચાલક જાણીતા સાહિત્યકાર, લેખક કુલીન પટેલે કહ્યું કે, આ પુર્ણાહુતી નથી પણ શરૂઆત થઇ છે.

કાર્યક્રમમાં ઘેરીયા, તારપા નાચ, લગ્ન ગીત,, ઢોલ નાચ, ઠાકરે નૃત્ય, માવલી માતાની પૂજા અને તુર હરીફાઈ જેવા પરંપરાગત લોકનૃત્યોની રજૂઆત પરંપરાગત કલાકારો દ્વારા થઇ હતી. આદિવાસી સમાજના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર, યુટ્યુબરે મનોરંજનની સાથે ધુમ્રપાન, તમાકુ, દારૂ સહિતના વ્યસનથી મુક્તિ, બેફામ ગતિથી વાહન હંકારવાથી અકસ્માતની સ્થિતિમાં સમગ્ર પરિવારને મુશ્કેલી સહિતના અનેક સમાજ ઉપયોગી સંદેશ લોકોને આપ્યા હતા. આ અનોખા મેળામાં દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના વિવિધ લોકગીત, લોકધૂન, લોકનૃત્યની જાણીતી મંડળીઓએ કરેલી પ્રસ્તુતિ હજારોની જનમેદનીએ માણી વધાવી હતી. બાળકોએ લંગડી, પથરા, લખોટી-લખોટા, ગિલ્લી દંડા, કુંદાણિયું, સાત ઠીકરી, ચોસર, મુળી જેવી પરંપરાગત રમતો રમી હતી. આદિવાસીના પારંપરિક ભોજન વાનગીના ઉભા કરાયેલા વિશેષ સ્ટોલ પર પરંપરાગત આદિવાસી આરોગ્યપ્રદ વાનગીઓ સૌ એ માણી હતી.

IMG 20260112 WA0008.jpg

- Advertisement -

આ કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, વલસાડ જીલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંતભાઇ કંસારા, ધરમપુર શહેર સંગઠન પ્રમુખ અમિત ચોરેરા, ખેરલાવ સરપંચ મયંક પટેલ, ફલધરાના સામાજીક કાર્યકર ભુપેન પટેલ, વિજય પટેલ, કમલેશ પટેલ, તથા અગ્રણીઓ, યુવાનો તેમજ ડૉ. વિપુલ પટેલ, સાહિત્યકાર ડાહ્યાભાઇ વાઢુ, ભગીરથભાઇ, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત પ્રમુખ ડૉ. પ્રદીપ ગરાસિયા, લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબાના સંસ્થાપક ગાંધીવાદી નિલમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article