IND vs NZ: રવિન્દ્ર જાડેજા બન્યો હારનો ‘વિલન’! હોમ ગ્રાઉન્ડ પર ફ્લોપ શો બાદ વનડે કરિયર પર લટકતી તલવાર

3 Min Read

રવિન્દ્ર જાડેજા: T20 માંથી નિવૃત્તિ, હવે વનડે કરિયર પર પણ ખતરો! રાજકોટ હારનો અસલી ‘વિલન’ કોણ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર બાદ સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ પંડિતો સુધી માત્ર એક જ ખેલાડી નિશાના પર છે – વિન્દ્ર જાડેજા. વર્ષ 2026ની પહેલી હારનો સામનો કરી રહેલી ભારતીય ટીમ માટે જાડેજાનું પ્રદર્શન ચિંતાનો વિષય બન્યું છે. ટી-20 માંથી તો તે નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પરંતુ જે રીતે તે વનડેમાં રમી રહ્યો છે, તે જોતા લાગે છે કે વનડેમાં પણ તેની સફર હવે લાંબી નહીં ચાલે.

હોમ ગ્રાઉન્ડ પર ફ્લોપ શો: ન રન બન્યા, ન વિકેટ મળી

રાજકોટ જાડેજાનું ઘરઆંગણું છે, પરંતુ અહીં પણ તે સાવ નિષ્ફળ સાબિત થયો. મેચના આંકડા તેની કથળતી સ્થિતિની ચાડી ખાય છે:

- Advertisement -
  • બેટિંગમાં ધીમી ઇનિંગ: જ્યારે ટીમ ઈન્ડિયાને ઝડપી રનની જરૂર હતી, ત્યારે જાડેજાએ 44 બોલમાં માત્ર 27 રન બનાવ્યા. તેની આ ઇનિંગમાં માત્ર એક જ ચોગ્ગો હતો. મિડલ ઓર્ડરમાં તેની આ ધીમી બેટિંગને કારણે ભારત 300ના સ્કોર સુધી પહોંચી શક્યું નહીં.
  • બોલિંગમાં ધારનો અભાવ: 8 ઓવરની બોલિંગમાં તેણે 44 રન આપ્યા અને એક પણ વિકેટ મેળવી શક્યો નહીં. કિવી બેટ્સમેનોએ તેની ઓવરોમાં ખૂબ જ આસાનીથી રન બનાવ્યા.

ravindr1.jpg

ન્યુઝીલેન્ડ શ્રેણીમાં અત્યાર સુધીનું કંગાળ પ્રદર્શન

માત્ર બીજી વનડે જ નહીં, પણ પ્રથમ મેચમાં પણ જાડેજા પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો. પ્રથમ વનડેમાં તેણે 9 ઓવરમાં 56 રન આપ્યા અને ત્યાં પણ તેનું વિકેટનું ખાતું ખાલી રહ્યું હતું. બેટિંગમાં તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. એટલે કે, બે મેચોમાં જાડેજાએ હજુ સુધી એક પણ વિકેટ ઝડપી નથી.

શું 2027 વર્લ્ડ કપ રમી શકશે જાડેજા?

વિરાટ કોહલી અને રોહિત શર્મા જે રીતે રમી રહ્યા છે તે જોતા લાગે છે કે તેઓ 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ટકી રહેશે. પરંતુ જાડેજા માટે આ રસ્તો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. તેની વધતી ઉંમર અને ઘટતી ધાર હવે પસંદગીકારો માટે માથાનો દુખાવો બની રહી છે. બીજી તરફ, અક્ષર પટેલ જેવો યુવા ઓલરાઉન્ડર સતત બહાર બેસીને પોતાની તકની રાહ જોઈ રહ્યો છે. અક્ષર બેટિંગ અને બોલિંગ બંનેમાં અત્યારે જાડેજા કરતા વધુ આક્રમક દેખાઈ રહ્યો છે.

- Advertisement -

ravindr.jpg

તલવાર લટકી રહી છે: ત્રીજી વનડે અગ્નિપરીક્ષા સમાન

ઈન્દોરમાં રમાનારી ત્રીજી અને નિર્ણાયક વનડે હવે જાડેજાના વનડે કરિયરનું ભવિષ્ય નક્કી કરશે. જો અહીં પણ તે નિષ્ફળ જશે, તો BCCIની પસંદગી સમિતિ તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. એમાં પણ હવે વનડે મેચો લાંબા ગાળે રમાવાની હોવાથી, ટીમ ઈન્ડિયા હવે ફોર્મમાં હોય તેવા ખેલાડીઓને જ પ્રાથમિકતા આપશે.

Share This Article