અખાત્રીજ અને સમૂહ લગ્ન પહેલા વય ચકાસણી પર ભાર, અધિકારીઓની સ્પષ્ટ ચેતવણી
આણંદ જિલ્લાને બાળ વિવાહના કુરિવાજમાંથી મુક્ત કરવાના હેતુથી ઉમરેઠ નગરપાલિકા ખાતે એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એમ.પી. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી નીચેની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા એ ‘બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬’ મુજબ ગંભીર ગુનો છે. જો આવા લગ્ન થશે તો માત્ર માતા-પિતા જ નહીં, પરંતુ લગ્ન કરાવનાર ગોર મહારાજ, મંડપ ડેકોરેટર્સ, ડી.જે. સંચાલકો અને જાનૈયાઓ સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અનાથ દીકરીઓના લગ્ન માટે સરકાર આપશે ૨ લાખની સહાય
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકરે સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે ‘પાલક માતા-પિતા યોજના’ હેઠળ અનાથ બાળકોને ૧૮ વર્ષ સુધી માસિક રૂ. ૩,૦૦૦ની સહાયની વિગતો આપી હતી. વિશેષમાં, જો આવી અનાથ દીકરી ૧૮ વર્ષ પૂર્ણ કર્યા બાદ અને યુવક ૨૧ વર્ષનો હોય ત્યારે લગ્ન કરે, તો સરકાર દ્વારા તેને રૂ. ૨,૦૦,૦૦૦ (બે લાખ) ની માતબર આર્થિક સહાય પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ લગ્ન અટકાવી દીકરીઓને પગભર કરવાનો છે.
સમૂહ લગ્નના આયોજકો માટે ખાસ સૂચના
લગ્નની સીઝન અને અખાત્રીજ જેવા મુહૂર્તોને ધ્યાને રાખીને સમૂહ લગ્નના આયોજકોને તાકીદ કરવામાં આવી છે કે, વર-કન્યાના જન્મ તારીખના દાખલાની અચૂક ચકાસણી કરવી. કાયદા મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા જોડકાંઓના જ લગ્ન કરાવવા. કાર્યશાળામાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા બાળ લગ્નના શારીરિક અને માનસિક ગેરફાયદાઓ વિશે પણ સમજણ આપવામાં આવી હતી.
ક્યાં કરશો ફરિયાદ? (માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે)
જો તમારી આસપાસ ક્યાંય બાળ લગ્ન થતા હોય, તો તાત્કાલિક નીચેના નંબરો પર સંપર્ક કરવા અનુરોધ છે:
-
પોલીસ કંટ્રોલ રૂમ: ૧૦૦
-
ચાઈલ્ડ હેલ્પલાઈન: ૧૦૯૮
-
મહિલા અભયમ હેલ્પલાઈન: ૧૮૧
-
જિલ્લા બાળ સુરક્ષા એકમ: ૦૨૬૯૨-૨૫૦૯૧૦
-
ઈ-મેઈલ: [email protected]
આ કાર્યશાળામાં તાલુકા વિકાસ અધિકારી એમ.જી. મકવાણા સહિત રસોઈયા, ગોર મહારાજ અને મંડપ સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બાળ લગ્ન અટકાવવા સામૂહિક શપથ લીધા હતા.

