ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર મોસ્ટ જસ્ટિસ એ. વાય. કોગ્જેની ઉપસ્થિતીમાં વલસાડમાં ડ્રગ્સ અવેરનેસ ઉપર મેગા લીગલ લીટ્રસી કેમ્પ યોજાયો

2 Min Read

વલસાડમાં પોલીસ અને ન્યાયતંત્રએ સાથે મળીને યુવાનોને અપાવ્યા શપથ

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ- નાલ્સા અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડ દ્વારા મોંઘાભાઇ દેસાઇ હોલ, વલસાડ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં‌ કારોબારી અધ્યક્ષ અને નામદાર ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર મોસ્ટ જજ જસ્ટીસ એ. વાય. કોગ્જે તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં‌ સભ્ય સચીવ એચ. એમ. પવારની વિશેષ ઉપસ્થિતીમાં NALSA (DAWN – Drug Awareness and Wellness Navigation – For Drug Free India) Scheme, 2025 અંગે મેગા લીગલ લીટ્રસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજમાં નશા મુક્તિ અંગેની જાગૃતિનો પ્રચાર-પ્રસાર થાય અને ખાસ કરીને સમાજનાં યુવાનો ખોટી સંગતોમાં‌ આવી કે દેખા દેખીમાં નશાનાં રવાડે ન ચડે તેવા આશયથી પ્રવર્તમાન કાયદાકીય જોગવાઇઓ તથા ઉપલબ્ધ કાનૂની સહાયની વિસ્તારમાં જાણકારી પ્રદાન થાય તે હેતુથી આ લીટ્રસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ન્યાયાલયનાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશ નિપા સી. રાવલે ડ્રગ્સ અવેરનેસ વકતવ્ય રજુ કર્યું હતું. શાહ કે. એમ. લો કોલેજ, વલસાડનાં ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. નિકીતા રાવલે પણ નશાબંધીનાં વિવિધ કાયદાઓ તથા નામદાર હાઇકોર્ટનાં અને નામદાર સુપ્રિમકોર્ટનાં વિવિધ ચુકાદાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી. વલસાડ એસ.ઓ.જી. નાં પી.એસ.આઇ.એ ડ્રગ્સ અવેરનેસ અંગે વિસ્તારમાં માહિતી આપી ડ્રગ્સ અવેરનેસ માટેની શપથ અપાવી હતી.

- Advertisement -

IMG 20260119 WA0002.jpg

કેન્દ્ર સરકારશ્રીનાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ચાલી રહેલ બાળ વિવાહ મુક્ત ભારત ઝુંબેશ અંતર્ગત પણ શાહ કે. એમ. લો કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર ટુંકુ નાટક રજુ કરવામાં‌ આવ્યું. કાર્યક્રમનાં અંતમાં મુખ્ય મહેમાન અને નામદાર હાઇકોર્ટનાં જસ્ટિસ શ્રી એ. વાય. કોગ્જેએ પણ ડ્રગ્સનાં‌ દુષણ અંગે તથા તેને કેવી રીતે દુર કરવું તે અંગે તેઓને પોતાના કોલેજ જીવન અને વકિલાતનાં‌ સમયમાં થયેલ અંગત અનુભવનું ઉદાહરણ આપીને સૌને સમજાવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને મુખ્ય મહેમાનશ્રીનાં વરદ હસ્તે લાભન્વિત કરવામાં આવ્યા હતા. એક સ્વસ્થ સમાજની રચના થાય અને દેશના યુવાધનનું સંવર્ધન થાય તેવા દ્રઢ સંકલ્પ સાથે આ લીગલ લીટ્રસી કેમ્પમાં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનશ્રીઓ તથા વિદ્યાર્થીઓનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડનાં સચીવ બી. જી. પોપટે આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
Share This Article