વલસાડ જિલ્લામાં ૨૧ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી: ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

2 Min Read

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ માટે ખેડુતો જોગ સંદેશ

હવામાન ખાતાની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી તા.૨૧-૦૧-૨૦૨૬ થી ૨૫-૦૧-૨૦૨૬ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની અને કોઈ કોઈ જગ્યાએ હળવા કમોસમી વરસાદની શક્યતા છે જેના કારણે હાલ આંબા પાકમાં મોર આવવાના તબક્કે ખેડૂતોને નુકશાન થવાની શક્યતા છે. આંબાના મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે અને આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધાણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે.

કમોસમી વરસાદથી મોર લાંબો સમય ભીનો રહેવાથી ફૂલ અને નાની કણી ઝડી જવી, પરાગ નયન પ્રક્રિયામાં અડચણ આવવી, તેમજ પાઉડરી મિલ્ડ્યુ(ભૂકી છારો)અને એન્થ્રાક્નોઝ(કાળવણ)જેવા રોગો ઝડપથી ફેલાવાની શક્યતા વધી જાય છે. પરિણામે કેરી બેસાણ ઉપર નકારાત્મક અસર પડી શકે છે.

- Advertisement -

contentimage49683baf 954b 4eaf a3b2 11794a9be8c5 1761399694.jpeg

આવા સંજોગોમાં ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, વરસાદ આવવાના પહેલા અથવા વરસાદ બંધ થયા બાદ ૨૪ કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. આં માટે કાર્બેંડેઝિમ (૧ ગ્રામ પ્રતિ લીટર) અથવા હેક્સાકોનાઝોલ (૧ મીલી પ્રતિ લીટર) અથવા વેટેબલ સલ્ફર (૨ ગ્રામ પ્રતિ લીટર)માંથી કોઈ એક દવાનો છાંટકાવ કરવાથી રોગોનું નિયંત્રણ થઇ શકે છે. દવા સાથે સ્ટિકર ભેળવવાથી વધુ સારી અસર મળે છે.

- Advertisement -

વરસાદ પહેલાં મોર નબળો ના પડે અથવા ફૂલ ખરી ના જાય તે માટે બોરોન (0.૫%) અને ઝીંક (0.૫%) જેવા સૂક્ષ્મ પોષક તત્વોના ફોલિયર સ્પ્રે કરવાથી મોર મજબૂત બને છે. ખેતરમાં પાણીનો ભરાવો ના થાય તે માટે યોગ્ય પાણી નિકાલ વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.

બાગાયત વિભાગ ખેડૂતોને અપીલ કરી છે કે બપોરની ગરમીમાં છંટકાવ ટાળવો, વરસાદની આગાહી મુજબ આયોજન કરવું અને દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો. સમયસર યોગ્ય પગલાં લેવાથી કમોસમી વરસાદથી થતું નુકશાન ઘણી હદ સુધી અટકાવી શકાય છે. તેમ નાયબ બાગાયત નિયામક, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share This Article