જીવામૃતથી મિશ્ર પાક સુધી પાંચ આયામ સમજાવી સ્વદેશી અપનાવવાનો સંદેશ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ આંબાતલાટ ગામમાં ખેડૂતોના કલ્યાણ અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કમ્યુનિટી રિસોર્સ પર્સન રમેશભાઈ ગાયકવાડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોને પરંપરાગત ખેતી પદ્ધતિથી દૂર થઈ, કુદરતને અનુકૂળ એવી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રાકૃતિક ખેતીના પાંચ પાયાના આયામો
તાલીમ દરમિયાન રમેશભાઈએ પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય સ્તંભો વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી:
-
બીજામૃત: વાવેતર પહેલા બીજને રોગમુક્ત કરવા માટેનું કુદરતી દ્રાવણ.
-
જીવામૃત: જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારવા માટે ગૌમૂત્ર અને ગોબરમાંથી બનેલું ખાતર.
-
ઘનજીવામૃત: જમીનને પોષક તત્વો પૂરા પાડતું શુષ્ક સેન્દ્રિય ખાતર.
-
આચ્છાદન: જમીનનો ભેજ જાળવી રાખવા અને નીંદણ ઘટાડવા માટેનું કુદરતી આવરણ.
-
મિશ્ર પાક પદ્ધતિ: જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે એક સાથે વિવિધ પ્રકારના પાકોનું વાવેતર.
સ્વદેશી અભનાવો અને આત્મનિર્ભર બનો
આ તાલીમ માત્ર ખેતી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે ‘સ્વદેશી’ના મંત્ર પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ખેડૂતોને રોજિંદા જીવનમાં આયાતી અથવા વિદેશી વસ્તુઓને બદલે ભારતીય અને સ્થાનિક સ્તરે બનેલી સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આનાથી સ્થાનિક રોજગારી વધશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે તેવી સમજ પૂરી પાડવામાં આવી હતી.
જ્ઞાનના પ્રસાર માટે સામૂહિક અનુરોધ
કાર્યક્રમના અંતે રમેશભાઈએ તાલીમ મેળવનાર તમામ ખેડૂતોને વિનંતી કરી હતી કે, તેઓ માત્ર પોતાના ખેતર પૂરતું મર્યાદિત ન રહેતા, આ જ્ઞાનને ગામના અન્ય ખેડૂતો અને ઘર-ઘર સુધી પહોંચાડે. આ સંકલ્પ સાથે આંબાતલાટ ગામના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સ્વાસ્થ્યપ્રદ અનાજ પકવવા અને પ્રકૃતિનું જતન કરવા સજ્જ થયા છે.
