ચોંકાવનારો રેકોર્ડ! અદાણીના આ ટર્મિનલે માત્ર દોઢ વર્ષમાં કરી દીધું અસંભવ લાગતું કામ!
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) દ્વારા શ્રીલંકાના કોલંબો બંદર પર આવેલા કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) ના બીજા તબક્કાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કુલ ૭૫૦ મિલિયન યુએસ ડોલરના વિશાળ રોકાણ સાથે હાથ ધરવામાં આવેલા આ વિસ્તરણ કાર્ય બાદ ટર્મિનલની ક્ષમતા ૧.૬ મિલિયન TEUs થી વધીને સીધી બેગણી એટલે કે ૩.૨ મિલિયન TEUs થઈ ગઈ છે. શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાના વરદ હસ્તે આ નવા તબક્કો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સીમાચિહ્નરૂપ વિકાસથી વર્ષ ૨૦૨૮ સુધીમાં કોલંબો બંદર પરથી ૧૩ મિલિયન TEU કાર્ગો પરિવહનના રાષ્ટ્રીય લક્ષ્યાંકના ૨૫% જેટલો હિસ્સો એકલા CWIT દ્વારા પૂરો પાડવામાં આવશે.’

અસાધારણ ગતિ અને રેકોર્ડબ્રેક કામગીરી
CWIT એ પોતાની સ્થાપનાના પ્રારંભિક વર્ષ એટલે કે ૨૦૨૪માં જ ૧ મિલિયન TEUs કાર્ગોનું સફળ સંચાલન કરીને સૌથી ઝડપી ટર્મિનલ બનવાનો વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો હતો. આ સિદ્ધિની હણફૂટ હજુ શાંત પણ નથી થઈ ત્યાં ટર્મિનલે કામકાજના માત્ર દોઢ વર્ષ જેવા ટૂંકા સમયગાળામાં જ બે મિલિયન TEUs કાર્ગો હેન્ડલ કરી કોલંબો બંદરના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ અધ્યાય જોડ્યો છે. આ અવિશ્વસનીય ગતિ અને કાર્યક્ષમતા દર્શાવે છે કે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ ભાગીદારોની મહેનત અને વ્યુહરચના કેટલી સચોટ રહી છે.
શ્રીલંકાની આર્થિક પ્રગતિ અને મેરીટાઇમ હબ બનવાની દિશામાં મજબૂત પગલું
ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સાહસિક દ્રષ્ટિકોણ, અતૂટ વિશ્વાસ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયનું જીવંત ઉદાહરણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ વિસ્તરણ માત્ર કોલંબો બંદર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે આખા રાષ્ટ્રના ઉજ્જવળ આર્થિક ભવિષ્યનો આધારસ્તંભ છે. આંતરરાષ્ટ્રીય વેપારને આકર્ષવા અને નવી રોજગારીનું સર્જન કરવા માટે CWITમાં થઈ રહેલાં રોકાણો અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. આનાથી હિંદ મહાસાગરના અગ્રણી મેરીટાઇમ અને લોજિસ્ટિક્સ હબ તરીકે શ્રીલંકાનું સ્થાન વધુ મજબૂત બનશે.
વૈશ્વિક શિપિંગ ક્ષેત્રે કોલંબોનું વધતું કદ અને ભવિષ્યની સંભાવનાઓ
અદાણી પોર્ટ્સ અને સેઝના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સીઈઓ શ્રી અશ્વિની ગુપ્તાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વધેલી ક્ષમતાને કારણે હવે આ ટર્મિનલ એક સાથે ત્રણ મહાકાય કન્ટેનર જહાજોને લાંગરવાની સુવિધા પૂરી પાડી શકશે. આનાથી પૂર્વ-પશ્ચિમ વેપાર માર્ગ પર કોલંબોનું ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકેનું સ્થાન અજેય બનશે. USD ૭૫૦ મિલિયનનું આ રોકાણ વૈશ્વિક શિપિંગ કંપનીઓનો અદાણી જૂથ અને શ્રીલંકાની ભાગીદારી પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. સંપૂર્ણ ઓટોમેશન અને ડીપ-વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે CWIT વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ સેવાઓ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
જ્હોન કિલ્સ ગ્રુપ અને BOT કન્સેશન હેઠળ સુરક્ષિત રોજગારી
જ્હોન કિલ્સ ગ્રુપના ચેરપર્સન શ્રી ક્રિશન બાલેન્દ્રએ જણાવ્યું હતું કે માત્ર ૧૮ મહિનામાં બે મિલિયન TEUsનો આંકડો પાર કરવો એ આ ભાગીદારીની સાચી સફળતા છે. APSEZ, જ્હોન કિલ્સ હોલ્ડિંગ્સ અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી વચ્ચે ૩૫ વર્ષના BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) કન્સેશન હેઠળ વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે ૩,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે.

પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતા અને સુરક્ષાના ઉચ્ચ ધોરણો
શ્રીલંકાનું આ પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત (Fully Automated) અને ડીપ-વોટર કન્ટેનર ટર્મિનલ છે. ખાસ વાત એ છે કે આ ટર્મિનલ સંપૂર્ણપણે વીજળીથી સંચાલિત છે અને તેમાં શૂન્ય ‘ટેલપાઇપ’ ઉત્સર્જન (Zero Emission) ની નીતિ અપનાવવામાં આવી છે, જે પર્યાવરણની રક્ષા માટે એક મોટું પગલું છે. ટર્મિનલે અત્યાર સુધીમાં સુરક્ષિત કામકાજના ૧.૭ કરોડ કલાકો પૂરા કર્યા છે, જે તેની શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા, ઉત્તમ કર્મચારી-સંબંધો અને ઉચ્ચ સ્તરીય ઓપરેશનલ ક્ષમતાને પુષ્ટિ આપે છે.
