ખુલ્લેઆમ ખેલ: એરપોર્ટ પર ‘ગ્રીન ચેનલ’ના નામે સ્મગલિંગનો ‘રેડ કાર્પેટ’ વહીવટ!
અમદાવાદ: કહેવાય છે કે કાયદો બધા માટે સમાન હોય છે, પરંતુ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે કંઈક અલગ જ અને ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યું છે. દુબઈ, શારજાહ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે હવે આ એરપોર્ટ માત્ર મુસાફરીનું માધ્યમ નહીં, પણ ગેરકાયદેસર રીતે સોનું અને આધુનિક ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ડ્યુટી ચોરી કરવાનું એક સુરક્ષિત ‘સ્વર્ગ’ બની ગયું છે. આ ખેલમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, જેમના ખભા પર દેશની આર્થિક સરહદોની રક્ષા કરવાની જવાબદારી છે, તેવા કસ્ટમ અધિકારીઓની રહેમનજર હેઠળ જ આ કરોડોનો વહીવટ ચાલી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ટોક વગરના ‘ફંટરો’ અને સેટિંગનો માયાવી ખેલ
એરપોર્ટના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાડી દેશોથી આવતી ફ્લાઈટ્સમાં મોટી સંખ્યામાં એવા ‘કેરિયર્સ’ (જેને સ્થાનિક ભાષામાં ‘ફંટરો’ કહેવાય છે) ઉતરે છે, જેમના સામાનમાં લાખો-કરોડોનું બિનહિસાબી સોનું અને લેટેસ્ટ આઈફોન્સ છુપાયેલા હોય છે. આશ્ચર્યની વાત એ છે કે, જો કોઈ સામાન્ય મધ્યમવર્ગીય નાગરિક વિદેશથી પોતાના સ્વજન માટે એક વધારાની ચીજવસ્તુ લાવે, તો કસ્ટમ અધિકારીઓ તેની કડક પૂછપરછ કરે છે અને કાયદાનું ભાન કરાવે છે. પરંતુ, આ પ્રોફેશનલ સ્મગલરો કોઈપણ રોકટોક કે તપાસ વગર ‘ગ્રીન ચેનલ’ પાર કરી સન્માનપૂર્વક બહાર નીકળી જાય છે. આ ‘સેફ પેસેજ’ પાછળ મોટું ‘ફિક્સ સેટિંગ’ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભ્રષ્ટ મિલીભગત: ટેકનોલોજી પણ લાચાર?
સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે એરપોર્ટ પર અત્યાધુનિક સ્કેનર્સ, મેટલ ડિટેક્ટર્સ અને સેંકડો સીસીટીવી કેમેરા હોવા છતાં, આ ચોક્કસ ટોળકીઓ કેવી રીતે આસાનીથી પસાર થઈ જાય છે? જાણકારોનું કહેવું છે કે સ્મગલરો અને અધિકારીઓ વચ્ચેનો ‘વહીવટ’ ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલા જ નક્કી થઈ જતો હોય છે. કયા સમયે કયો પેસેન્જર, કયા વેશમાં અને કયા બેલ્ટ પરથી નીકળશે, તેની તમામ વિગતો ‘કોડ વર્ડ’માં વહેંચવામાં આવે છે. જ્યારે આ ‘ખાસ મહેમાનો’ નીકળે છે, ત્યારે ફરજ પરના અધિકારીઓ કાં તો બીજી તરફ જોવાનું પસંદ કરે છે અથવા જાણીજોઈને ટેકનિકલ ખામીનું બહાનું ધરી તેમને જવા દે છે.
સરકારી તિજોરીને કરોડોનો ધૂંબો
એક તરફ ભારત સરકાર દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને માળખાગત સુવિધાઓ માટે સામાન્ય જનતા પાસેથી ટેક્સ અને ડ્યુટી વસૂલે છે, ત્યારે બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર બેઠેલા કેટલાક ખાઈબદકેલા અધિકારીઓ પોતાની અંગત તિજોરીઓ ભરવા માટે સરકારી આવકને લાત મારી રહ્યા છે. ડ્યુટી ચોરી કરીને લાવવામાં આવેલા હજારો આઈફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અમદાવાદના ગ્રે-માર્કેટમાં સસ્તા ભાવે વેચાય છે, જેના કારણે જે પ્રામાણિક વેપારીઓ ટેક્સ ભરીને ધંધો કરે છે, તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.
જવાબદારી અને સુરક્ષા પર સવાલ
શું અમદાવાદ એરપોર્ટ હવે દેશ વિરોધી તત્વો અને સ્મગલરો માટે પ્લેટફોર્મ બની ગયું છે? જો સોનું અને મોબાઈલ આટલી આસાનીથી અંદર આવી શકતા હોય, તો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી એવી વસ્તુઓ પણ આ રીતે જ અંદર ઘૂસી શકે છે. હવે સમય પાકી ગયો છે કે કેન્દ્રીય એજન્સીઓ (DRI/CBI) આ બાબતે ઊંડી તપાસ કરે. કસ્ટમના કયા ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી આ આખું મસમોટું રેકેટ ધમધમી રહ્યું છે, તેનો પર્દાફાશ થવો અત્યંત જરૂરી છે. જો સરહદના રખેવાળ જ ચોરો સાથે હાથ મિલાવી લેશે, તો દેશની આંતરિક સુરક્ષા અને આર્થિક કરોડરજ્જુ બંને જોખમમાં મુકાશે.
