ઉડ્ડયન ક્ષેત્રે મોટા સુધારાની તૈયારીઓ: ટેરિફ નિયમો સરળ થશે
ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર (Aviation Sector) માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશન્સને વધુ ઝડપી તેમજ સરળ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા સુધારાઓની તૈયારીઓ ચાલી રહી છે. રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી ઉચ્ચ-સ્તરીય સમિતિએ નીતિગત નિયમોને હળવા કરવા અને સેલ્ફ-સર્ટિફિકેશન પ્રક્રિયા દાખલ કરવાની મહત્વપૂર્ણ ભલામણો કરી છે.
દેશમાં હવાઈ મુસાફરીનો ક્રેઝ અને એરપોર્ટ નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર એરપોર્ટ મેનેજમેન્ટ અને વિમાન સેવાઓને વધુ સુવ્યવસ્થિત કરવા માટે ક્રાંતિકારી સુધારાઓ લાવવાની તૈયારી કરી રહી છે.
સરકાર દ્વારા રચવામાં આવેલી એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ એરપોર્ટ ઓપરેશન્સના જટિલ નિયમોને સુગમ બનાવવા, ટેરિફ પ્રક્રિયાને સરળ કરવા અને મંજૂરીઓમાં સ્વ-પ્રમાણપત્ર (Self-Certification) દાખલ કરવા માટે મહત્વની ભલામણો રજૂ કરી છે. આ સુધારાઓ મંજૂર થતાં જ દેશના એરપોર્ટ ડેવલપમેન્ટમાં વેગ આવશે અને તેની સીધી સકારાત્મક અસર શેરબજારમાં સૂચિબદ્ધ ઉડ્ડયન કંપનીઓ પર જોવા મળશે.
અલગ-અલગ ચાર્જની ઝંઝટનો આવશે અંત
હાલના તબક્કે દેશના એરપોર્ટ્સ પર ટેરિફ માળખું ખૂબ જ જટિલ છે. હાલમાં એરપોર્ટ એકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA) દ્વારા વિમાનના લેન્ડિંગ ચાર્જ, પાર્કિંગ ફી અને પેસેન્જર યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) જેવી દરેક નાની-મોટી સુવિધા માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવે છે.
પૂર્વ કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની આગેવાની હેઠળની સમિતિએ પોતાના અહેવાલમાં આ પરંપરાગત પદ્ધતિ બદલવાની ભલામણ કરી છે. સમિતિના સૂચન મુજબ, દરેક સુવિધા માટે અલગ દરો નક્કી કરવાને બદલે સમગ્ર ફી માળખાને ત્રણ મુખ્ય સરળ શ્રેણીઓમાં વિભાજિત કરી દેવું જોઈએ. આ ફેરફારથી એરપોર્ટ ઓપરેટરોને ટેરિફ નક્કી કરવામાં મોટી વ્યવહારિક રાહત મળશે અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે.
બાંધકામ અને મંજૂરીઓ માટે સેલ્ફ-સર્ટિફિકેશન નીતિ
માત્ર આર્થિક અને ટેરિફ નિયમો જ નહીં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ આપવા માટે પણ મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે. એરપોર્ટ પરિસરની અંદર કોમર્શિયલ ફ્લોર પ્લાન તૈયાર કરવા માટે હવે સત્તાવાળાઓ પાસે વારંવાર જવું નહીં પડે, પરંતુ સ્વ-પ્રમાણપત્રથી કામ થઈ શકશે.
આ ઉપરાંત, એરપોર્ટની આસપાસની નિર્ધારિત ત્રિજ્યામાં થતા નવા બાંધકામો માટે ઓટોમેટેડ પરમિશન (સ્વચાલિત મંજૂરી) આપવાની ભલામણ કરાઈ છે. આનાથી કંપનીઓએ મંજૂરી પત્રો મેળવવા માટે સરકારી કચેરીઓના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે અને એરપોર્ટ નજીક રિયલ એસ્ટેટ તથા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થઈ શકશે.
ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને ડ્રોન ક્ષેત્રે ફ્લેક્સિબિલિટી
ફ્લાઇટમાં થતા વિલંબને રોકવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે સમિતિએ એક વ્યવહારિક સૂચન કર્યું છે. જો કોઈ એરલાઇન ઈમરજન્સી કે જરૂરિયાતના સમયે મુશ્કેલીમાં હોય, તો તે અન્ય એરલાઇનની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ કે ગ્રાઉન્ડ સ્ટાફની મદદ લઈ શકશે.
સાથે જ, ભવિષ્યની ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ૩૦ કિલોગ્રામ સુધીના ઓછા જોખમ ધરાવતા કમર્શિયલ અને રિસર્ચ ડ્રોન માટે પણ સ્વ-પ્રમાણપત્ર નીતિ અમલી બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન ઝડપી બને.
શેરબજારના કયા સ્ટોક્સ પર દેખાશે અસર?
જ્યારે પણ સરકાર કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિયમનકારી પ્રક્રિયા હળવી કરે છે, ત્યારે તેનું પરિણામ શેરબજારની સૂચિબદ્ધ કંપનીઓના ગ્રોથ પ્રોફાઈલ પર સકારાત્મક જોવા મળે છે. બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ નીતિગત સુધારાથી ખાસ કરીને જીએમઆર એરપોર્ટ્સ (GMR Airports Infrastructure), ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન (InterGlobe Aviation) અને એરપોર્ટ બિઝનેસમાં મોટું રોકાણ ધરાવતી અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterprises) ના શેરમાં મોટી હલચલ જોવા મળી શકે છે.
તાજેતરના બજાર કારોબાર પર નજર કરીએ તો, જીએમઆર એરપોર્ટ્સનો શેર થોડા ઘટાડા સાથે ₹૧૦૭ ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો, જેણે દિવસ દરમિયાન ₹૧૦૮.૪૫ ની ઉપલી અને ₹૧૦૬.૩૬ ની નીચલી સપાટી સ્પર્શ કરી હતી.
બીજી તરફ, અદાણી એન્ટરપ્રાઇઝના સ્ટોકમાં સુધારો જોવા મળ્યો હતો. અદાણીનો શેર ૦.૫૪ ટકાના વધારા સાથે ₹૩,૦૨૦ ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો, જેણે દિવસ દરમિયાન ₹૩,૦૪૦.૫૦ નું હાઈ અને ₹૨,૯૭૨.૭૦ નું લો લેવલ દર્શાવ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે નવી નીતિ અમલમાં આવતાની સાથે જ આ કંપનીઓના માર્જિન અને કામગીરીમાં સુધારો થશે.