સીમાંકન અને મહિલા અનામત પર કોંગ્રેસ કાર્યકારી સમિતિનો મોટો નિર્ણય: તમિલનાડુ મોડેલ પર ઠરાવ પસાર
દેશમાં લોકસભા બેઠકોના આગામી સીમાંકન (Delimitation) અને મહિલા અનામતના અમલીકરણને લઈને ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની મહત્વપૂર્ણ બેઠકમાં પાર્ટીએ માંગ કરી છે કે લોકસભાની વર્તમાન ૫૪૩ બેઠકોની સંખ્યા અને રાજ્યો વચ્ચે તેની વહેંચણી આગામી ૨૫ વર્ષ સુધી યથાવત રાખવામાં આવે. આ સાથે જ, આ જ ૫૪૩ બેઠકોના માળખા હેઠળ ૨૦૨૯ ની લોકસભા ચૂંટણીથી જ મહિલાઓ માટે ૩૩ ટકા અનામત તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ અને કે.સી. વેણુગોપાલ સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
તમિલનાડુ વિધાનસભાના ઠરાવ જેવો જ પ્રસ્તાવ
CWC દ્વારા પસાર કરવામાં આવેલો આ ઠરાવ તમિલનાડુના રાજકારણ સાથે સીધો મેળ ખાતો જોવા મળે છે. તાજેતરમાં ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયાએ વિધાનસભામાં એક ઠરાવ પસાર કરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લોકસભામાં સાંસદોની સંખ્યા કાયમી ધોરણે ૫૪૩ રાખવા માટે જરૂરી બંધારણીય સુધારો કરવાની વિનંતી કરી હતી, જેથી દક્ષિણના રાજ્યોને વસ્તી નિયંત્રણના કારણે બેઠકો ગુમાવવાનો વારો ન આવે. કોંગ્રેસે હવે આ જ વલણને રાષ્ટ્રીય સ્તરે અપનાવીને પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કર્યો છે.
૨૦૨૯ ની ચૂંટણીથી મહિલા અનામત લાગુ કરવાની માંગ
બેઠક બાદ માહિતી આપતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે સીમાંકનના મુદ્દે કોંગ્રેસ પક્ષનો અભિગમ એકદમ સ્પષ્ટ છે. વર્તમાન ૫૪૩ બેઠકોની સંખ્યા અને રાજ્યો વચ્ચે તેનું વિતરણ બંધારણીય રીતે આગામી પાંચ દાયકા કે ૨૫ વર્ષ સુધી સ્થિર રાખવું જોઈએ. તેમણે ઉમેર્યું કે મહિલા સશક્તિકરણ માટે ૩૩ ટકા અનામત પણ ૨૦૨૯ ની આગામી લોકસભા ચૂંટણીથી જ આ જ બેઠકોના આધારે અમલમાં મૂકવી જોઈએ.
પીએમ મોદીની અપીલ પર કોંગ્રેસના આકરા પ્રહારો
કોંગ્રેસ પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષી પક્ષોને સીમાંકન બિલ અને મહિલા અનામતના અમલીકરણ માટે સમર્થન આપવાની કરવામાં આવેલી અપીલને સખત શબ્દોમાં “નાટક” ગણાવી હતી. પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનનો મુખ્ય હેતુ મહિલા અનામત આપવાનો નહીં પરંતુ પોતાનું રાજકીય સંરક્ષણ કરવાનો છે.
જયરામ રમેશે વડાપ્રધાનના પ્રસ્તાવ પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે લાલ કિલ્લા પરથી માત્ર નિવેદનો આપવાને બદલે વડાપ્રધાને વાસ્તવિકતામાં ૨૦૨૯ ની ચૂંટણીથી વર્તમાન બેઠકો પર જ મહિલા અનામત લાગુ કરીને બતાવવું જોઈએ. નોંધનીય છે કે અગાઉ ૧૭ એપ્રિલના રોજ બજેટ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામત માટે બેઠકોના સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું ન હતું.
