‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ગુજરાતના યુવા વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ, ધોલેરાથી સાઉન્ડિંગ રોકેટનું સફળ પ્રક્ષેપણ
ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ધોલેરાના બાવળીયારી ખાતે અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવો ઈતિહાસ લખાયો છે. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન’ દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આ ઐતિહાસિક ક્ષણનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી યુવા વૈજ્ઞાનિકોની ટીમને બિરદાવી હતી. આ સિદ્ધિ રાજ્ય સરકારના અવકાશ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના વિઝન અને નવી જાહેર થયેલી ‘ગુજરાત સ્પેસટેક પોલિસી’ના સફળ અમલીકરણનું પરિણામ છે.
સ્વદેશી ટેકનોલોજી અને રોકેટની તકનીકી વિશેષતાઓ
૧૪ માર્ચના રોજ બપોરે ૧:૦૦ વાગ્યે આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટે બાવળીયારીના લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી ગગનચુંબી ઉડાન ભરી હતી. આ રોકેટે અંદાજે ૩ કિલોમીટરની ઊંચાઈ પ્રાપ્ત કરીને પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી જટિલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ રોકેટની એરફ્રેમ કાર્બન ફાઈબર અને એડવાન્સ મટીરિયલમાંથી અમદાવાદની લેબમાં જ તૈયાર કરવામાં આવી છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ગુજરાત’ અભિગમને સાર્થક કરે છે.
હવામાન ડેટા માટે મીની સેટેલાઈટનું પરીક્ષણ
આ રોકેટની સાથે એક નાનો સેટેલાઈટ પણ અવકાશમાં મોકલવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ હવામાનને લગતા મહત્વના ડેટા એકત્ર કરવાનો છે. ઓમસ્પેસના સીઈઓ ડો. રવિન્દ્ર રાજે જણાવ્યું હતું કે આ સફળતાથી હવે ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ‘ઇન્ફિનિટી વન’ના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. આ મિશનમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કોસ્ટ ગાર્ડ અને DGCA જેવી સંસ્થાઓએ પણ જરૂરી ટેકનિકલ સહયોગ પૂરો પાડ્યો હતો, જેના કારણે સમગ્ર ઓપરેશન સુરક્ષિત રીતે પાર પાડવામાં આવ્યું હતું.
યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકોનું સર્જન
આ સફળ લોન્ચિંગ માત્ર એક પ્રયોગ નથી, પરંતુ ગુજરાતના યુવા વૈજ્ઞાનિકો માટે અવકાશ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની નવી તકોનું દ્વાર છે. IN-SPACe (ISRO) ની અધિકૃતતા હેઠળ હાથ ધરાયેલા આ મિશનમાં સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને વિજ્ઞાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખાનગી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને ગુજરાતે હવે સ્પેસ ટેકનોલોજીના નકશા પર પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. આગામી સમયમાં ગુજરાત સ્પેસ રિસર્ચ અને રોકેટ લોન્ચિંગના ક્ષેત્રે દેશનું મહત્વનું કેન્દ્ર બનીને ઉભરશે.

