બહારનું ખાધા પછી કેમ લાગે છે ભયંકર તરસ? જાણો તેલ અને મસાલા પાછળનું વિજ્ઞાન.
જ્યારે પણ આપણે રજાના દિવસે કે કોઈ પ્રસંગે બહાર જમવા જઈએ છીએ, ત્યારે સ્વાદિષ્ટ ભોજન માણ્યા બાદ ઘરે આવતા જ આપણને વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય છે. ઘરે બનાવેલી દાળ-રોટલી ખાધા પછી આવી તરસ લાગતી નથી, પરંતુ હોટલના બે ટુકડા ખાધા પછી પણ ગળું કેમ સુકાય છે? આરોગ્ય નિષ્ણાતોના મતે, આ માત્ર સામાન્ય તરસ નથી, પરંતુ તમારું શરીર બહારના ખોરાકમાં રહેલા ‘છુપા ઝેર’ સામે લડવા માટે પાણીની માંગ કરી રહ્યું હોય છે.
૧. સોડિયમ અને મીઠાનું અતિશય પ્રમાણ
બહારના ખોરાક અને ઘરના ખોરાક વચ્ચેનો સૌથી મોટો તફાવત સોડિયમ (મીઠું) છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ વધારવા અને તેને લાંબો સમય સાચવી રાખવા માટે અતિશય મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે વધુ સોડિયમ વાળો ખોરાક ખાઓ છો, ત્યારે તે તમારા લોહીમાં ભળી જાય છે.
શરીરમાં મીઠાનું પ્રમાણ વધતા કોષોમાંથી પાણી બહાર નીકળવા લાગે છે જેથી રક્તમાં મીઠાનું સંતુલન જળવાઈ રહે. આ પ્રક્રિયા દરમિયાન કોષો ડિહાઈડ્રેટ થાય છે અને મગજને સંકેત મોકલે છે કે શરીરને તાત્કાલિક પાણીની જરૂર છે. પરિણામે, તમને વારંવાર અને વધુ તરસ લાગે છે.
૨. મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG) અને પ્રોસેસ્ડ લોટ
ઘણી હોટલોમાં સ્વાદને ‘ઉભારવા’ માટે અજીનોમોટો અથવા MSG નો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ યુક્ત મસાલા તરસમાં બમણો વધારો કરે છે. આ ઉપરાંત, બહારના ખોરાકમાં મેંદો (પ્રોસેસ્ડ લોટ) વધુ હોય છે. મેંદો પચાવવામાં ભારે હોય છે અને તે આંતરડામાં ચોંટી જાય છે. તેને આગળ ધકેલવા અને પચાવવા માટે પાચનતંત્રને સામાન્ય કરતા વધુ પાણીની જરૂર પડે છે.
૩. તેલ
બીજું મોટું કારણ છે તેલયુક્ત અને પ્રોટીનયુક્ત ભારે ખોરાક. પનીરની સબ્જી હોય કે ચાઈનીઝ ફૂડ, તેમાં તેલ અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. શરીરમાં જ્યારે પ્રોટીન અને ફેટનું પ્રમાણ વધે છે, ત્યારે કિડનીએ યુરિયા અને અન્ય બાય-પ્રોડક્ટ્સને બહાર કાઢવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ પ્રક્રિયામાં શરીરનું ઘણું પાણી વપરાઈ જાય છે, જેના કારણે વ્યક્તિને સુસ્તી લાગે છે અને ગળું સુકાવા લાગે છે.
૪. સુગર અને આર્ટિફિશિયલ કલર
બહારના ખોરાક સાથે આપણે ઘણીવાર કોલ્ડ ડ્રિંક્સ કે સોડા પીએ છીએ. આ પીણાંઓમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. વધુ પડતી ખાંડ પણ શરીરમાં પાણીની ઉણપ પેદા કરે છે. તેમજ ખોરાકને આકર્ષક બનાવવા માટે વપરાતા આર્ટિફિશિયલ કલર અને પ્રિઝર્વેટિવ્સ પણ પેટમાં બળતરા અને તરસ પેદા કરે છે.
તરસ છીપાવવા માટે શ્રેષ્ઠ શું?
જો તમે બહારનું ખાધું હોય અને ખૂબ તરસ લાગતી હોય, તો માત્ર સાદું પાણી પીવાથી કદાચ તરત રાહત ન મળે.
છાશ: આ કિસ્સામાં છાશ રામબાણ ઈલાજ છે. છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનમાં મદદ કરે છે અને તેમાં રહેલું ક્ષાર શરીરના પ્રવાહી સંતુલનને ઝડપથી સામાન્ય બનાવે છે.
લીંબુ પાણી: મીઠું નાખ્યા વગરનું લીંબુ પાણી પીવાથી પણ શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર કાઢવામાં મદદ મળે છે.
નારિયેળ પાણી: તે નેચરલ ઈલેક્ટ્રોલાઈટ છે, જે કોષોને ફરીથી હાઈડ્રેટ કરે છે.
ઘરનું સાદું ભોજન એ માત્ર ખોરાક નથી પણ શરીર માટે દવા છે. જ્યારે પણ બહાર જમવાનું થાય, ત્યારે ઓછું તેલ-મસાલા વાળું ભોજન પસંદ કરવું અને સાથે પુષ્કળ પાણી કે છાશ લેવી જોઈએ. યાદ રાખો, વધુ પડતી તરસ એ સંકેત છે કે તમારું પેટ તે ખોરાકને સ્વીકારી શકતું નથી.

