ઓડિશા સરકાર પર BSNL ના ₹28 કરોડથી વધુનું દેવું, ધારાસભ્યોના પગારમાં ત્રણ ગણો વધારો થતા રાજકીય ઘમસાણ
ઓડિશા સરકાર એક તરફ જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL ના કરોડો રૂપિયાના બાકી લેણાં ચૂકવી શકતી નથી, તો બીજી તરફ ધારાસભ્યોના પગારમાં ત્રણ ગણાથી વધુના વધારાએ રાજકીય વિવાદ છેડ્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા BSNL ની કુલ બાકી રકમ ₹28.54 કરોડ થી વધુ થઈ ગઈ છે.
BSNL પહેલાથી જ ગંભીર નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં ઓડિશા સરકાર દ્વારા લાંબા સમયથી ટેલિફોન બિલની ચુકવણી ન કરવી એ કેન્દ્ર સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. સંચાર મંત્રાલય દ્વારા અનેકવાર રિમાઇન્ડર મોકલવા છતાં હજુ સુધી સંપૂર્ણ રકમની ચુકવણી થઈ શકી નથી.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરના મહિનાઓમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને ત્રણ વખત પત્ર લખીને બાકી રકમની વહેલી તકે ચુકવણી કરવા માંગ કરી હતી. સિંધિયાએ પત્રમાં રેખાંકિત કર્યું હતું કે BSNL ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં સંચાર સેવાઓનો મુખ્ય આધાર છે અને તે સશસ્ત્ર દળો સહિત અનેક મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓને સેવા પૂરી પાડે છે.
તેમણે યાદ અપાવ્યું કે BSNL ને બેઠી કરવા માટે કેન્દ્ર સરકારે 2019, 2022 અને 2023 માં મોટા પેકેજો આપ્યા છે, પરંતુ કંપનીને તેના નેટવર્ક અપગ્રેડેશન માટે નિયમિત રોકડ પ્રવાહની (Cash Flow) સખત જરૂર છે.
જનસંપર્ક વિભાગ પર સૌથી વધુ બાકી રકમ
આંકડા મુજબ, ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગ પર સૌથી વધુ ₹8.59 કરોડ બાકી છે. ત્યારબાદ કાયદા વિભાગ પર ₹4.42 કરોડની દેવાદારી છે. શિક્ષણ, નાણાં, આરોગ્ય, ગૃહ અને ગ્રામીણ વિકાસ જેવા વિભાગો પર પણ ₹1 કરોડથી વધુની રકમ બાકી બોલે છે. મે 2025 સુધીમાં રાજ્ય સરકારનું કુલ ટેલિફોન દેવું અંદાજે ₹80 કરોડ સુધી પહોંચી ગયું હતું.
ધારાસભ્યોના પગારમાં રેકોર્ડ વધારો
આ દરમિયાન ડિસેમ્બર 2024 માં ઓડિશા વિધાનસભાએ ધારાસભ્યોના પગાર વધારા સંબંધિત ચાર બિલ સર્વસંમતિથી પસાર કર્યા હતા. આ હેઠળ ધારાસભ્યોનો માસિક પગાર ₹1.11 લાખથી વધારીને ₹3.45 લાખ કરવામાં આવ્યો છે, જે દેશમાં સૌથી વધુ પગાર મેળવતા ધારાસભ્યોમાં સામેલ થઈ ગયા છે. આ સુધારેલો પગાર જૂન 2024 થી લાગુ માનવામાં આવશે.
સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ
BSNL ના કરોડોના લેણાં અને ધારાસભ્યોના પગારમાં થયેલા તોતિંગ વધારાને લઈને હવે રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે જ્યારે જાહેર ક્ષેત્રની એક મહત્વની કંપનીને ચૂકવણી કરવામાં નથી આવી રહી, ત્યારે જનપ્રતિનિધિઓના પગારમાં આટલો મોટો વધારો જનતા સાથે અન્યાય છે.

