સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, સગીર વિદ્યાર્થીઓ તરત મુક્ત થાય
તાજેતરમાં નીટ (NEET) પેપર લીકને લઈને દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર સહિત દેશના અલગ-અલગ હિસ્સાઓમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે આદેશ આપ્યો છે કે પ્રદર્શન દરમિયાન જે પણ વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અથવા ધરપકડ કરવામાં આવી છે, તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ સામે અગાઉથી કોઈ ફોજદારી કેસ નોંધાયેલો નથી, તેમને વહેલી તકે છોડી મૂકવામાં આવે.
રાજ્યોને નોટિસ અને સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવાના નિર્દેશ
સુપ્રીમ કોર્ટે આ સમગ્ર માંભલાને ગંભીરતાથી લઈને દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કેરળની સરકારોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ સાથે અદાલતે એવો પણ આદેશ આપ્યો છે કે પ્રદર્શન દરમિયાનના તમામ સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સુરક્ષિત રાખવામાં આવે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જે લોકો સામે અગાઉથી કોઈ કેસ નોંઘાયેલો નહોતો, પરંતુ પ્રદર્શન દરમિયાન તેમના પર નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે, તેવા લોકો સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
હિંસા અને પોલીસ કાર્યવાહી પર કોર્ટની તીખી ટિપ્પણી
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI)એ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસા અને પોલીસ બળના કથિત અત્યાધિક ઉપયોગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે અરજીઓમાં અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
-
પેલેટ ગનનો ઉપયોગ: પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કરવાને કારણે 19 વર્ષના એક યુવાનની આંખોની રોશની જતી રહી છે.
-
ગંભીર ઈજાઓ અને મારપીટ: ઇલેક્ટ્રિક બેટનનો ઉપયોગ અને ખીલાવાળી લાઠીઓથી જીવલેણ ઈજાઓ પહોંચાડવાના આક્ષેપો સામે આવ્યા છે. એક યુવતીને ગંભીર હાલતમાં આઈસીયુ (ICU)માં દાખલ કરવી પડી હતી.
-
મીડિયા અને મહિલાઓ પર હુમલા: એક મીડિયાકર્મી સાથે નિર્દયતાથી મારપીટ કરવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. આ ઉપરાંત, સાદા પોશાકમાં રહેલા પોલીસકર્મીઓ દ્વારા હિંસા આચરવાના અને એક યુવતીને વગર કોઈ ઉશ્કેરાટ થપ્પડ મારવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે.
“મર્યાદાઓ ઓળંગનારાઓ સામે કડક કાર્યવાહી થશે” – CJI
અદાલતે બેફામ શબ્દોમાં કહ્યું કે ભલે ગમે તે હોય, જો કોઈએ પોતાની કાનૂની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે અને નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજાર્યા છે, તો કાયદો તેની સામે સખ્તાઈથી કામ લેશે. જો કે, આ માટે સંપૂર્ણપણે સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક (Independent, Fair and Transparent) તપાસ હોવી અનિવાર્ય છે. કોર્ટનું માનવું છે કે જ્યાં સુધી આ મામલામાં કોઈની જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી આવી તપાસનો કોઈ અર્થ રહેતો નથી. અદાલતે એમ પણ કહ્યું કે આ મામલાની સંપૂર્ણ તપાસ થવી જ જોઈએ અને તેનું સ્વરૂપ શું હશે તે અંગેનો નિર્ણય બાદમાં કરવામાં આવશે.
સરકાર અને વકીલોનું વલણ
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનું પક્ષ રાખતા અદાલતને જણાવ્યું કે પ્રદર્શન દરમિયાન આશરે 250 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકને ગંભીર ઈજાઓ અને ટાંકા પણ આવ્યા છે. તેમણે કહ્યું કે સત્ય સૌની સામે આવવું જોઈએ. તેમનું તર્ક હતું કે આ પ્રકારની હિંસા સામાન્ય વિદ્યાર્થીઓ દ્વારા ન થઈ શકે, પરંતુ તેમાં કોઈ અસામાજિક તત્વો કે “બિનઆમંત્રિત મહેમાનો” સામેલ હોઈ શકે છે. સરકાર પાસે તેના પાક્કા આંકડા ઉપલબ્ધ છે જે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે એવો દાવો પણ કર્યો કે પ્રદર્શનની આડમાં ત્યાં મર્ડર, રેપ અને એનડીપીએસ (NDPS) જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ પણ હાજર હતા, તેથી આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
બીજી બાજુ, વરિષ્ઠ વકીલોએ પણ અદાલતના આ સંતુલિત અને વ્યવહારુ અભિગમના વખાણ કર્યા હતા. અરજદારો તરફથી દલીલ કરવામાં આવી હતી કે પ્રદર્શનો દરમિયાન પોલીસે નાગરિકોના મૌલિક અધિકારો—ખાસ કરીને અનુચ્છેદ 19 અને 21—નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે અને શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ પર અત્યાધિક બળપ્રયોગ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક હસ્તક્ષેપથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળી છે, જેઓ આ બધી અંધાધૂંધી વચ્ચે બિનજરૂરી કાનૂની કાર્યવાહી અને પોલીસ કસ્ટડીનો ભોગ બન્યા હતા.