સાવધાન! જમતી વખતે પાણી પીવાથી વજન ઘટશે નહીં પરંતુ વધશે?
આપણે ત્યાં સામાન્ય રીતે વજન ઘટાડવાની સલાહ આપતી વખતે એક વાત ખાસ કહેવામાં આવે છે—”જમતી વખતે કે ખોરાકના થોડા થોડા બાઇટ્સ વચ્ચે પાણી પીતા રહો, જેથી પેટ ઝડપથી ભરાઈ જાય અને તમે ઓછું ખાઓ.” વર્ષોથી આ ટીપને ખૂબ અસરકારક માનવામાં આવી છે. પરંતુ, તાજેતરમાં થયેલા એક નૂતન સંશોધને આ જૂની માન્યતાને મોટો ઝટકો આપ્યો છે. આ નવા અભ્યાસ મુજબ, જમતી વખતે વચમાં-વચમાં પાણી પીવાથી માણસ ઓછું ખાવાને બદલે ઊલટાનું વધુ ખોરાક આરોગી લે છે!

જૂની માન્યતા અને નવું સંશોધન
લાંબા સમયથી લોકો એવું માનતા આવ્યા છે કે ખોરાકની વચ્ચે પાણીના ઘૂંટડા ભરવાથી પેટમાં જગ્યા ભરાઈ જાય છે, જેનાથી તૃપ્તિનો અનુભવ ઝડપથી થાય છે અને કેલરીનું પ્રમાણ ઘટે છે. પરંતુ, વિજ્ઞાન અને સંશોધકોનો એક વધતો જતો વર્ગ હવે આ ધારણા સામે પ્રશ્નાર્થચિહ્ન મૂકી રહ્યો છે.
અગાઉના કેટલાક અભ્યાસોમાં પણ એવું જોવા મળ્યું હતું કે વધારે વજન અથવા મોટાપા (Obesity) ધરાવતા લોકો સામાન્ય કે પાતળા લોકોની સરખામણીએ જમતી વખતે પાણી પીવામાં વધુ સમય વિતાવે છે, ઝડપથી પાણી પીએ છે અને સમગ્ર ભોજન દરમિયાન સતત ઘૂંટડા ભરતા રહે છે. હવે, આ નવી શોધે સાબિત કર્યું છે કે ભોજન વખતે પાણીનું વધુ પડતું સેવન ખોરાકની માત્રા ઘટાડવાને બદલે વધારી દે છે.
કોર્નેલ યુનિવર્સિટીનો ચોંકાવનારો અભ્યાસ
અમેરિકાની જાણીતી કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોએ આ વિષય પર ઊંડું સંશોધન કર્યું છે, જેના પરિણામો ‘એપેટાઇટ’ (Appetite) નામના જર્નલમાં પ્રકાશિત થયા છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકો જેમ જેમ પાણી વધુ પીએ છે, તેમ તેમ તેમનો ખોરાક લેવાનો દર પણ વધે છે.
સંશોધકોના આંકડા અનુસાર:
-
ભોજન દરમિયાન વ્યક્તિ દર ૧૦૦ મિલીલીટર વધારાનું પાણી પીએ છે, ત્યારે તે અંદાજે ૪૦ ગ્રામ વધારાનો ખોરાક ખાઈ લે છે.
-
આ વધારાના ખોરાકને કારણે શરીરમાં લગભગ ૫૦ કેલરી જેટલો ઉમેરો થાય છે.
-
જે લોકો એક કોળીયો ખાધા પછી તરત પાણીનો ઘૂંટડો લેવાની ટેવ ધરાવે છે (એટલે કે ખાવા અને પીવા વચ્ચે વારંવાર સ્વિચ કરે છે), તેઓ એકસાથે ઘણો વધારે ખોરાક આરોગી જાય છે.
પાણી પીવાથી ખોરાકનું પ્રમાણ શા માટે વધે છે?
વૈજ્ઞાનિકો આ બાબત પાછળનું મુખ્ય કારણ જીભ અને મોંની સંવેદનાઓને માને છે. જ્યારે આપણે કંઈક મસાલેદાર કે ભારે ખોરાક ખાઈએ છીએ, ત્યારે થોડી વાર પછી જીભ પર તેનો સ્વાદ જામી જાય છે અથવા મોં સુકાવા લાગે છે, જેનાથી આપોઆપ ખાવાની ઝડપ ઘટી જાય છે. પરંતુ વચમાં પાણી પીવાથી આ પરિસ્થિતિ બદલાઈ જાય છે:
૧. સ્વાદ તાજો થવો (Sensory Contrast): પાણી પીવાથી જીભ સાફ થઈ જાય છે અને ખોરાકનો સ્વાદ ફરીથી નવો અને સ્વાદિષ્ટ લાગવા માંડે છે. આનાથી વ્યક્તિને લાંબા સમય સુધી ખાવાની મજા આવે છે અને પેટ ભરાઈ ગયું હોવા છતાં તે ખાવાનું ચાલુ રાખે છે.
૨. મોંમાં ચીકાશ અને પોચાસ (Lubrication): પાણી ખોરાકને ગળવામાં સરળ બનાવે છે. મોં સુકાવાની સમસ્યા દૂર થતાં ખોરાક ઝડપથી ગળા નીચે ઊતરી જાય છે, જેથી વ્યક્તિ વહેલી તકે વધુ ખાઈ લે છે.
૩. પેટમાંથી પાણીનો ઝડપી નિકાલ: આ અભ્યાસના લેખક પેઇજ કનિંગહામ (Paige Cunningham) જણાવે છે કે, “લોકોમાં એવો ભ્રમ છે કે પાણી પેટ ભરી દે છે. પરંતુ વાસ્તવમાં પાણી પેટમાંથી ખૂબ જ ઝડપથી આગળ વધી જાય છે, તેથી તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખી શકતું નથી.”

પીવાની સ્પીડ અને ખોરાકની માત્રા વચ્ચેનો સંબંધ
આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ૮૬ વયસ્કો પર કરવામાં આવેલા બે અગાઉના પ્રયોગોના ડેટાનું પણ પુનઃમૂલ્યાંકન કર્યું હતું. આ પ્રયોગોમાં ભાગ લેનારાઓને તેમની ઈચ્છા મુજબ ‘બીફ ચિલી’ અથવા ‘ચિકન ટિપ્પા મસાલા’ પાણી સાથે પીરસવામાં આવ્યા હતા.
આ પ્રયોગના પરિણામો પણ રસપ્રદ હતા. સંશોધકોએ જોયું કે જે લોકોએ પોતાનું પાણી ખૂબ જ ઝડપથી કે એકીસાથે પી લીધું હતું, તેમણે એકંદરે ઓછું ખાધું હતું. આ બાબત એ દર્શાવે છે કે મોંમાં પાણી કેટલો સમય રહે છે અને ભોજનનો કુલ સમય કેટલો લંબાય છે, તેની સીધી અસર આપણે કેટલું ખાઈએ છીએ તેના પર પડે છે. જ્યારે તમે વારંવાર ધીમે ધીમે સડપકા ભરીને પાણી પીએ છો, ત્યારે ભોજનનો સમય લંબાય છે અને ખોરાકની ખપત વધી જાય છે.
આ નવું સંશોધન આપણી ભોજન શૈલી અને ખાવા-પીવાની ટેવો પર નવેસરથી વિચાર કરવા મજબૂર કરે છે. વૈજ્ઞાનિકો હાલ આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે જેથી તેના ચોક્કસ કારણાત્મક સંબંધોને વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય.
જોકે, અત્યાર સુધીના તારણો પરથી એટલું સ્પષ્ટ થાય છે કે જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ, તો જમતી વખતે વારંવાર પાણીના ઘૂંટડા ભરવાની ટેવ ટાળવી જોઈએ. ભોજન કરતી વખતે ખોરાક અને પાણી વચ્ચે વારંવાર અદલાબદલી કરવાથી તમે અજાણતા જ જરૂર કરતાં વધુ કેલરી પેટમાં પધરાવી દેશો. તેથી, પાણી ભોજન શરૂ કરતા પહેલા અથવા ભોજન પૂર્ણ કર્યાના થોડા સમય પછી પીવું વધુ હિતાવહ બની શકે છે.