EPFO ના બહાના હવે નહીં ચાલે! સોફ્ટવેર ખામી બતાવી PF અટકાવ્યું તો ચૂકવવું પડશે વળતર

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

PF ધારકોની જીત! 10 વર્ષના વિલંબ બદલ કોર્ટે EPFO ને ફટકાર્યો દંડ, જાણો તમારા હક વિશે

ટેકનિકલ ખામી કે સોફ્ટવેર ગ્લિત (Glitch) ના બહાના હેઠળ સરકારી વિભાગો પોતાની જવાબદારીમાંથી છટકી શકતા નથી. ચંદીગઢના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ (PF) ટ્રાન્સફરમાં થતા વર્ષોના વિલંબ માટે ‘સોફ્ટવેર એરર’ જવાબદાર ન હોઈ શકે. આ કેસમાં EPFO ની બેદરકારી બદલ પંચે પીડિત કર્મચારીને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

epfo .jpg

- Advertisement -

શું હતો સમગ્ર મામલો?

આ કાનૂની લડાઈ રાજેશ ગર્ગ નામના કર્મચારી અને EPFO વચ્ચેની છે. રાજેશ ગર્ગે વર્ષ 2009માં પુણેમાં ટેક મહિન્દ્રા કંપનીમાં નોકરી શરૂ કરી હતી, જ્યાં તેમનું પ્રથમ PF એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ જુલાઈ 2010માં તેમણે નોકરી બદલીને ઇન્ફોસિસ (Infosys) જોઈન કરી, જેના કારણે તેમનું બીજું નવું PF એકાઉન્ટ અસ્તિત્વમાં આવ્યું.

નિયમ મુજબ, રાજેશ ગર્ગે સપ્ટેમ્બર 2010માં ઇન્ફોસિસ દ્વારા જૂના ખાતામાંથી નવા ખાતામાં PF બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. કોઈ પણ સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયા થોડા મહિનામાં પૂર્ણ થઈ જવી જોઈતી હતી, પરંતુ રાજેશ ગર્ગ માટે આ એક દાયકા લાંબી લડત બની ગઈ.

- Advertisement -

10 વર્ષની લાંબી રાહ અને RTI નો સહારો

અરજી કર્યા પછી વારંવાર ફોલો-અપ લેવા છતાં EPFO દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. કંટાળીને ગર્ગે સપ્ટેમ્બર 2011માં RTI (માહિતી અધિકાર) હેઠળ અરજી કરીને પોતાના પેન્ડિંગ ક્લેમની વિગતો માંગી હતી. તેમ છતાં, તંત્રના બહેરા કાને અથડાઈને તેમની ફાઈલ ધૂળ ખાતી રહી. આખરે, અંદાજે 10 વર્ષ પછી 16 એપ્રિલ, 2020 ના રોજ EPFO એ તેમના નવા ખાતામાં ₹6.21 લાખ ટ્રાન્સફર કર્યા.

વ્યાજની ગણતરીમાં ગોબાચારી અને EPFO ની દલીલો

ગર્ગના જણાવ્યા અનુસાર, તેમને મળવાપાત્ર રકમ ₹11.07 લાખ થતી હતી, જ્યારે EPFO એ ઘણી ઓછી રકમ જમા કરી હતી. તેમનો આક્ષેપ હતો કે ઘણા વર્ષોનું વ્યાજ જમા કરવામાં આવ્યું નથી. સામે પક્ષે EPFO એ એવી દલીલ કરી કે:

  • એપ્રિલ 2011 થી ખાતું ‘ઇનઓપરેટિવ’ (નિષ્ક્રિય) થઈ ગયું હતું, જેના કારણે 2012 થી 2016 દરમિયાન વ્યાજ ઉમેરવામાં આવ્યું નહોતું.

  • ક્લેમ પ્રોસેસિંગમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ આવી હતી જેના કારણે વિલંબ થયો હતો.

  • સોફ્ટવેર સિસ્ટમની ખામીને લીધે 2010-11નું વ્યાજ જમા થઈ શક્યું નહોતું.

જોકે, જ્યારે ગ્રાહકે જુલાઈ 2021માં ગ્રાહક પંચમાં ફરિયાદ કરી, ત્યારે EPFO એ ઉતાવળે પોતાની ભૂલ સુધારી અને વધારાના ₹64,841 અને ત્યારબાદ બીજા ₹3.67 લાખ જમા કર્યા.

- Advertisement -

EPFO New App

ગ્રાહક પંચની કડક અવલોકન અને ચુકાદો

ગ્રાહક પંચે નોંધ્યું કે જો ગ્રાહકે કોર્ટમાં ફરિયાદ ન કરી હોત, તો કદાચ આ રકમ ક્યારેય જમા ન થઈ હોત. પંચે EPFO ના ‘ટેકનિકલ ગ્લિત’ ના બહાનાને ફગાવી દેતા જણાવ્યું હતું કે:

“એક દાયકા જેટલો લાંબો અને કારણ વગરનો વિલંબ એ સેવામાં મોટી ઉણપ (Deficiency in Service) અને ‘અનફેર ટ્રેડ પ્રેક્ટિસ’ ગણાય. સંસ્થા પાસે આટલા લાંબા વિલંબ માટે કોઈ નક્કર દસ્તાવેજી પુરાવા નથી.”

જોકે ગર્ગે વધારાના ₹1.62 લાખની માંગણી કરી હતી, પરંતુ પંચે તે ફગાવી દીધી કારણ કે તેમની પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોઈ સત્તાવાર રિપોર્ટ નહોતો અને EPFO એ તમામ લેણાં પતાવ્યા હોવાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું.

ચુકાદાનું પરિણામ: વળતર અને ખર્ચ

કમિશને આખરે રાજેશ ગર્ગની ફરિયાદને અંશતઃ મંજૂર કરી હતી. EPFO ને આદેશ આપવામાં આવ્યો છે કે:

  1. સેવામાં ખામી બદલ અને માનસિક ત્રાસ માટે કર્મચારીને વળતર ચૂકવવામાં આવે.

  2. લીગલ ખર્ચ અને વળતર તરીકે કુલ ₹50,000 ચૂકવવામાં આવે.

કર્મચારીઓ માટે આ કિસ્સો કેમ મહત્વનો છે?

આ ચુકાદો દેશના કરોડો PF ખાતાધારકો માટે રાહતરૂપ છે. ઘણીવાર સરકારી કચેરીઓ સોફ્ટવેર અપડેટ કે સર્વર ડાઉન હોવાના બહાને નાગરિકોના કામ અટકાવતી હોય છે. આ કિસ્સામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી સમયસર અરજી કરે છે, તો તેની પ્રક્રિયા કરવાની જવાબદારી વિભાગની છે. જો તંત્ર નિષ્ફળ જાય, તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે.

જો તમારું પણ PF ટ્રાન્સફર અટક્યું હોય અથવા વ્યાજની ગણતરીમાં ભૂલ જણાતી હોય, તો તમે પણ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકો છો. EPFO જેવી સંસ્થાઓ પાસે અદ્યતન ટેકનોલોજી હોવા છતાં જો 10 વર્ષ લાગે, તો તે સામાન્ય નાગરિકના અધિકારોનું હનન છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.