પ્રાકૃતિક ખેતીની સાથે સ્વદેશી વપરાશ અંગે ધરમપુર તાલુકાના ખેડૂતોને માર્ગદર્શન
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમ્યુનિટી રિસોર્સ પર્સન રમેશભાઈ ગાયકવાડ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી આપી પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે સમજણ આપી હતી. જેમાં જીવામૃત ,ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદાન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા વિશે પણ સમજણ આપવામાં આવી હતી. સાથે સાથે ખેડૂતો પાસે રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓ (સ્વદેશી વસ્તુઓ)નો ઉપયોગ કરવા માટે જણાવ્યું અને આયાતી વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓને અપનાવવાની જાણકારી આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમના અંતે ભાગ લેનાર સૌને પ્રાકૃતિક કૃષિ અંગે મેળવેલું જ્ઞાન ઘર ઘર સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
