રાજ્યસભાની જંગ: 10 રાજ્યોની 37 બેઠકો માટે 16 માર્ચે મતદાન, શરદ પવાર અને પ્રિયંકા ચતુર્વેદી સહિતના દિગ્ગજોનો કાર્યકાળ પૂર્ણ
દેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવવા જઈ રહ્યો છે. ચૂંટણી પંચે બુધવારે દેશના 10 રાજ્યોની ખાલી પડી રહેલી રાજ્યસભાની 37 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ બેઠકો પર આગામી 16 માર્ચના રોજ મતદાન થશે. આ ચૂંટણી એટલા માટે મહત્વની છે કારણ કે તેમાં પૂર્વ સંરક્ષણ મંત્રી શરદ પવાર, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ અને ઉપેન્દ્ર કુશવાહા જેવા કદાવર નેતાઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ બેઠકો ખાલી
રાજ્યસભાની આ ચૂંટણીમાં સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળશે, જ્યાંથી સૌથી વધુ 7 બેઠકો ખાલી થઈ રહી છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુની 6 અને પશ્ચિમ બંગાળની 5 બેઠકો માટે પણ જંગ જામશે. એપ્રિલ મહિનામાં અલગ-અલગ તારીખોએ આ સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે, જેને પગલે માર્ચમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
કયા મોટા નેતાઓ થઈ રહ્યા છે નિવૃત્ત?
મહારાષ્ટ્ર:
મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવાર અને શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ સિવાય રામદાસ આઠવલે, રજની પાટીલ, ફોજિયા ખાન, ભગવત કિશનરાવ કરાડ અને ધૈર્યશીલ મોહન પાટીલની બેઠકો પર પણ ચૂંટણી યોજાશે.
બિહાર:
બિહારથી રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની સાથે ઉપેન્દ્ર કુશવાહા, રામનાથ ઠાકુર, અમરેન્દ્ર ધારી સિંહ અને પ્રેમચંદ ગુપ્તાનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
અન્ય રાજ્યોના દિગ્ગજો:
- તેલંગાણા: જાણીતા ધારાશાસ્ત્રી અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી નિવૃત્ત થશે.
- હરિયાણા: દિગ્ગજ નેતા કિરણ ચૌધરી અને રામચંદ્ર જાંગડાની બેઠકો ખાલી પડશે.
- છત્તીસગઢ: કે.ટી.એસ. તુલસી અને ફૂલો દેવી નેતામનો કાર્યકાળ પૂરો થશે.
- હિમાચલ પ્રદેશ: ઈન્દુ બાલા ગોસ્વામી નિવૃત્ત થઈ રહ્યા છે.
ચૂંટણીનું ગણિત અને રાજ્યોની સ્થિતિ
તમિલનાડુથી એન.આર. એલંગો, એમ. થમ્બીદુરઈ અને કનિમોઝી એનવીએન સોમૂ (તિરુચિ શિવા કનિમોઝી) જેવા નેતાઓની બેઠકો ખાલી પડી રહી છે. તેવી જ રીતે આસામથી ભુવનેશ્વર કલિતા અને રામેશ્વર તેલી, જ્યારે ઓડિશાથી સુજીત કુમાર અને મમતા મોહંતા સહિતના 4 સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં પણ રાજકીય ગરમાવો રહેશે કારણ કે સુબ્રત બક્ષી, મૌસમ નૂર અને વિકાસ રંજન ભટ્ટાચાર્ય જેવા નેતાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

