કમાણી ઝીરો પણ ખર્ચ હજારોમાં! દેશની આ નવી પેઢીએ આખા અર્થતંત્રને કેમ હચમચાવી દીધું?
ભારતનું કન્ઝ્યુમર માર્કેટ (ગ્રાહક બજાર) અત્યારે એક એવા ઐતિહાસિક મોડ પર આવીને ઊભું છે, જ્યાં દેશની સૌથી યુવાન પેઢી અર્થતંત્રની સૌથી મોટી તાકાત બનીને ઉભરી છે. ૧૯૯૭ થી ૨૦૧૨ ની વચ્ચે જન્મેલા લોકો, જેમને ‘Gen Z’ (જેન ઝી) તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ભારતના આર્થિક સમીકરણો બદલી રહ્યા છે. ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મ ‘બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ’ (BCG) ના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં આશરે ૩૭.૭ કરોડ જેન ઝી યુવાનો છે, જેઓ ભારતના કુલ વાર્ષિક વપરાશ ખર્ચનો ૪૩ ટકા હિસ્સો નિયંત્રિત કરે છે. આ રકમ આશરે ૮૬૦ અબજ ડોલર જેટલી થાય છે.
આ આંકડામાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ પેઢીના મોટાભાગના યુવાનો હજુ સુધી કમાવાનું શરૂ પણ નથી કરી ચૂક્યા. આ વસતીમાંથી માત્ર ચોથા ભાગના (૨૫%) યુવાનો જ હાલમાં કોઈ નોકરી કે બિઝનેસમાં સક્રિય છે. આમ છતાં, ભારતીય બજારના જૂના નિયમો હવે આ જ પેઢીની પસંદગી અને ટેવો મુજબ નવેસરથી લખાઈ રહ્યા છે.

પોતે નથી કમાતા તો પૈસા ક્યાંથી આવે છે? ‘ઇન્ફ્લુઅન્સ્ડ સ્પેન્ડિંગ’નું ગણિત
જેન ઝીની સૌથી રસપ્રદ વાત તેમની ખરીદી કરવાની શૈલી છે. વર્તમાન ૮૬૦ અબજ ડોલરના કુલ ખર્ચમાંથી આશરે ૬૬૦ અબજ ડોલરનો ખર્ચ એવો છે જે આ યુવાનોની પોતાની કમાણી નથી. અર્થશાસ્ત્રની ભાષામાં આને ‘ઇન્ફ્લુઅન્સ્ડ સ્પેન્ડિંગ’ (પ્રભાવિત ખર્ચ) કહેવામાં આવે છે. તેનો સરળ અર્થ એ થાય કે ઘરમાં કયો સ્માર્ટફોન આવશે, કઈ બ્રાન્ડના કપડાં ખરીદાશે, કઈ એપ પરથી ખાવાનું ઓર્ડર થશે કે કયા ઓટીટી પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન લેવાશે—આ તમામ નિર્ણયો આ યુવાનો લે છે, પરંતુ તેનું પેમેન્ટ તેમના માતા-પિતા કે પરિવારના વડીલોના ખિસ્સામાંથી થાય છે.
નિષ્ણાતોના મતે, વર્ષ ૨૦૩૦ સુધીમાં આ પેઢીના આશરે ૩૬ ટકા લોકો કમાતા થઈ જશે. જ્યારે ૨૦૩૫ સુધીમાં આ યુવાનોનો કુલ ખર્ચ બમણો થઈને ૨ ટ્રિલિયન (૨૦૦૦ અબજ) ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. એ સમયે દેશના કુલ વપરાશ ખર્ચનો અડધોઅડધ હિસ્સો સીધો જ આ યુવાનોની પોતાની કમાણીમાંથી આવી રહ્યો હશે.
ટ્રેન્ડી શૂઝથી લઈને શેરબજાર સુધી: દરેક ક્ષેત્રે દબદબો
ભારતમાં હવે રોટી, કપડાં અને મકાન જેવા પરંપરાગત ખર્ચાઓ કરતાં લાઈફસ્ટાઈલ પર વધુ પૈસા વપરાઈ રહ્યા છે. ટ્રેન્ડી સ્નીકર્સ (જૂતા), બહાર રેસ્ટોરન્ટમાં જમવું, વીકેન્ડ ટ્રિપ્સ, ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સથી લઈને ફાસ્ટ ફેશન સુધી—આજકાલ બજારમાં વપરાતો દરેક બીજો રૂપિયો આ જ યુવા પેઢી સાથે જોડાયેલો છે.
આશ્ચર્યની વાત એ છે કે આ યુવાનો ફક્ત કન્ઝ્યુમર ગુડ્સ કે શોપિંગ પાછળ જ પૈસા નથી ઉડાવતા, પરંતુ રોકાણ અને નાણાકીય બાબતોમાં પણ એટલા જ જાગરૂક છે. ‘કોટક સિક્યોરિટીઝ’ના એક રિપોર્ટ અનુસાર, શેરબજારમાં નવું ડીમેટ એકાઉન્ટ ખોલાવનારા નવા રોકાણકારોમાંથી ૫૯ ટકા હિસ્સો ૩૦ વર્ષથી ઓછી વયના યુવાનોનો છે. આ પેઢી જૂની પેઢીની જેમ માત્ર એજન્ટોના ભરોસે રહેવાને બદલે પોતે ડિજિટલ રિસર્ચ કરે છે, સોશિયલ મીડિયા અને એપ્સ દ્વારા માહિતી મેળવે છે અને ખૂબ જ ઝડપથી રોકાણના નિર્ણયો લે છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ કુલ સંપત્તિનો આશરે ૪૮ ટકા હિસ્સો મિલેનિયલ્સ અને જેન ઝી પેઢીનો છે.
લક્ઝરી કાર અને લાઈટવેઈટ જ્વેલરીની બદલાતી પસંદગી
જેન ઝીના આવવાથી દેશના લક્ઝરી બજારનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે. ‘બીએમડબલ્યુ ઈન્ડિયા’ના સીઈઓ હરદીપ સિંહ બ્રારના જણાવ્યા અનુસાર, તેમની મોંઘી લક્ઝરી કાર ખરીદનારાઓમાં હવે માત્ર પ્રૌઢ વયના ડોક્ટરો, મોટા ઉદ્યોગપતિઓ કે અમલદારો જ નથી. નવી પેઢીના ટેક-ઉદ્યોગસાહસિકો (Tech Entrepreneurs) અને યંગ પ્રોફેસનલ્સ નાની વયે જ લક્ઝરી કાર્સ ખરીદી રહ્યા છે અને પોતે જ કાર ડ્રાઈવ કરવાનું પસંદ કરે છે.
આવો જ મોટો ફેરફાર જ્વેલરી (દાગીના) માર્કેટમાં પણ જોવા મળ્યો છે. પરંપરાગત રીતે ભારતમાં ભારે અને પરંપરાગત સોનાના દાગીના ખરીદવાનો રિવાજ હતો, પરંતુ જેન ઝી પેઢીએ તેની જગ્યાએ હળવા, મોર્ડન અને રોજિંદા જીવનમાં પહેરી શકાય તેવા મિનિમલિસ્ટ ડિઝાઇનના દાગીનાને પ્રાથમિકતા આપી છે. બ્લૂસ્ટોન અને કેરેટલેન જેવી નવી જમાનાની જ્વેલરી બ્રાન્ડ્સની ઝડપી ગ્રોથ પાછળ આ જ પેઢીનો હાથ છે. આ ઉપરાંત, સ્કીનકેર અને કોસ્મેટિક્સ બજારમાં પણ યુવાનો હવે માત્ર મોટી બ્રાન્ડના નામને બદલે પ્રોડક્ટમાં વપરાયેલા કેમિકલ્સ અને વિટામિન્સ જેવા તત્વો (Ingredients) પર ધ્યાન આપીને ખરીદી કરે છે.

બચત પછી, લોન પહેલાં: ફાઇનાન્શિયલ બિહેવિયરમાં મોટું જોખમ
આ પેઢીની નાણાકીય મુસાફરી તેમના માતા-પિતા કે દાદા-દાદી કરતાં બિલકુલ અલગ અને ઉલટી દિશામાં ચાલી રહી છે. અગાઉની પેઢીઓ પહેલા બચત કરતી હતી અને જીવનના ઉત્તરાધમાં જરૂર પડે ત્યારે લોન લેતી હતી. પરંતુ આજના જેન ઝી માટે લોન અથવા ક્રેડિટ એ તેમની નાણાકીય સફરનું પહેલું પગથિયું બની ગયું છે.
‘ટ્રાન્સયુનિયન સિવિલ’ના રિપોર્ટ મુજબ, ૨૦૨૪માં પ્રથમ વખત ધિરાણ કે લોન લેનારા ગ્રાહકોમાંથી ૪૧ ટકા લોકો આ જ પેઢીના હતા. યુપીઆઈ (UPI), ‘બાય નાઉ પે લેટર’ (BNPL) અને આસાન ઈએમઆઈ (EMI) જેવી સુવિધાઓએ આ યુવાનો માટે ખર્ચ કરવાનું અત્યંત સરળ બનાવી દીધું છે.
જોકે, આ વધતી જતી ક્રેડિટ સંસ્કૃતિ સામે આર્થિક તજજ્ઞો લાલ બત્તી પણ ધરી રહ્યા છે. ફિનટેક કંપની ‘ક્રેડજેનિક્સ’ના સીઈઓ ઋષભ ગોયલ ચેતવણી આપતાં જણાવે છે કે, નાની ઉંમરમાં આવક વગર ક્રેડિટ કાર્ડ કે ડિજિટલ લોનનો વધુ પડતો વપરાશ કરવાની ટેવ લાંબા ગાળે આ યુવાનોની ક્રેડિટ હિસ્ટ્રી અને સિબિલ સ્કોર ખરાબ કરી શકે છે. જો નાની વયે જ દેવાનો બોજ વધી જાય તો ભવિષ્યમાં હોમ લોન કે બિઝનેસ લોન મેળવતી વખતે તેમને મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
