ગુજરાત બન્યું ભારતનું ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ’, ૨૦૦૩થી ૨૦૨૬ સુધીની યાત્રાએ વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી
ગુજરાત આજે ભારતનું ‘રિન્યુએબલ એનર્જી હબ’ બની ગયું છે. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે ઊર્જા ક્ષેત્રે અકલ્પનીય પ્રગતિ કરી છે. ૨૦૦૩માં માત્ર ૯૦ મેગાવોટ ઉત્પાદન કરતું ગુજરાત આજે ૪૨,૫૦૦ મેગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરી રહ્યું છે.
ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતના સીમાચિહ્નો
રાજ્યની ભૌગોલિક અનુકૂળતા અને સરકારની નીતિઓએ ગુજરાતને વૈશ્વિક ફલક પર મૂક્યું છે:
-
વિશ્વનો સૌથી મોટો પાર્ક: કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે, જ્યાં પવન અને સૂર્યશક્તિનો સંયુક્ત ઉપયોગ થશે.
-
સોલર રૂફટોપમાં ક્રાંતિ: દેશના ૩૦ ટકા સોલર રૂફટોપ માત્ર ગુજરાતમાં છે. ૭.૫૦ લાખ ઘરોમાં વીજળીની બચતથી સામાન્ય પરિવારો આર્થિક રીતે સધ્ધર બન્યા છે.
-
ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ: રિન્યુએબલ એનર્જીના કુલ પ્રોડક્શનમાં ગુજરાત ૬૪ ટકા હિસ્સા સાથે દેશમાં પ્રથમ છે.
રોકાણકારો માટે ‘બ્રાન્ડેડ સ્ટેટ’
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વેપારી દૃષ્ટિકોણથી ગુજરાતની મજબૂત લેગસી (વારસો) રજૂ કરી હતી:
૧. સુરક્ષિત રોકાણ: ગુજરાતમાં રોકાયેલો એક-એક રૂપિયો આવનારી ૧૦ પેઢી સુધી સુરક્ષિત રહેશે અને શ્રેષ્ઠ રિટર્ન આપશે.
૨. નવા આઈડિયાને આવકાર: સ્ટાર્ટઅપમાં છેલ્લા ૬ વર્ષથી નંબર વન રહેલું ગુજરાત RE ક્ષેત્રે પણ નવા સ્ટાર્ટઅપ્સને સંપૂર્ણ સહયોગ આપવા કટિબદ્ધ છે.
૩. ગ્લોબલ લીડરશિપ: કેમિકલ, ફાર્મા અને ખેતીની જેમ રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરે તકો મળશે.
ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પર્યાવરણની સુરક્ષા સાથે વિકાસના માર્ગ પર ચાલવાની નેમ વ્યક્ત કરી હતી અને ઉદ્યોગકારોને સરકાર તરફથી તમામ ટેકનિકલ અને વહીવટી મદદની ખાતરી આપી હતી.

